સારગોન (મહાન) (ઈ. પૂ. 2334-2278) : વિશ્વનું સૌપ્રથમ મોટું સામ્રાજ્ય સ્થાપનાર રાજા. એણે આશરે 56 વર્ષ રાજ્ય કરીને મેસોપોટેમિયા (અત્યારનું ઇરાક) અને દક્ષિણ-પશ્ચિમ એશિયામાં પોતાનું વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું. એ સામ્રાજ્યમાં મેસોપોટેમિયા, સીરિયા, એનેટોલિયા અને એલમ(પશ્ચિમ ઈરાન)નો સમાવેશ થતો હતો. સારગોન એક શક્તિશાળી લશ્કરી નેતા અને વહીવટકર્તા હતો. કાયમી લશ્કર રાખનાર પ્રાચીન જગતનો એ સૌપ્રથમ સમ્રાટ હતો. જીતેલા પ્રદેશોમાં પોતાના વિશ્વાસુ સરદારોને ગવર્નર તરીકે મોકલવાની પ્રથા એણે પ્રથમ વાર શરૂ કરી.
એણે સુમેરિયા(દક્ષિણ મેસોપોટેમિયા)ના એક નગરરાજ્ય કિશના રાજા ઉર-ઝબાબના દરબારમાં એક અધિકારી તરીકે કારકિર્દીની શરૂઆત કરી. એણે પ્રથમ કિશ અને બીજાં સુમેરિયન નગરરાજ્યો જીતી લીધાં. એ પછી એણે મોટાં આક્રમણો કરી મહાન વિજયો મેળવ્યા. એણે પોતાના સામ્રાજ્યનો પૂર્વમાં ઈરાન અને પશ્ચિમમાં ભૂમધ્ય સમુદ્ર તથા એશિયા માઇનોર (વર્તમાન તુર્કસ્તાન) સુધી વિસ્તાર કર્યો. એણે ‘અક્કડ’ (અથવા એગેડ Agade) નામનું ભવ્ય પાટનગર બંધાવ્યું. એના સમયમાં સુમેરિયાને સિંધુ ખીણની સંસ્કૃતિનાં શહેરો, ઓમાન અને ઈરાનના અખાતનાં બંદરો, બદક્ષાન, લેબેનૉન, ક્રીટ અને ગ્રીસ સાથે વ્યાપારી સંબંધો હતા.
સારગોન અરબી કે હિબ્રૂ ભાષા બોલતી સેમિટિક જાતિનો સભ્ય હતો. એના શાસન દરમિયાન સુમેરિયન લોકોને બદલે સેમિટિક જાતિના લોકો મેસોપોટેમિયામાં સર્વોપરી બન્યા. મેસોપોટેમિયામાં વસતી આ સેમેટિક જાતિ અને એની ભાષા પાટનગર અક્કડના નામ પરથી ‘એકેડિયન’ તરીકે ઓળખાઈ. એ પોતે પણ ઇતિહાસમાં ‘અક્કડના સારગોન’ તરીકે પ્રસિદ્ધ બન્યો. સારગોન વિશે ઐતિહાસિક માહિતી ઓછી અને એના જન્મ તથા બાળપણ વિશે દંતકથાઓ વધારે પ્રમાણમાં મળે છે. એણે એના સામ્રાજ્યને એટલું સુદૃઢ બનાવ્યું હતું કે એના અવસાન પછી એના વંશના રાજાઓએ 60 વર્ષ સુધી એ સામ્રાજ્ય પર રાજ્ય કર્યું. રાજા તરીકે એનું નામ એટલું લોકપ્રિય અને પ્રચલિત બન્યું કે એના અવસાન પછી બે એસિરિયન રાજાઓનાં નામ ‘સારગોન’ રાખવામાં આવ્યાં હતાં. સારગોન વિશ્વના પ્રથમ મોટા સામ્રાજ્યના સમ્રાટ તરીકે પ્રસિદ્ધ છે.
મુગટલાલ પોપટલાલ બાવીસી