સારકોઝી, નિકોલસ (જ. 28 જાન્યુઆરી 1955, પૅરિસ, ફ્રાંસ) : ફ્રાંસના મે, 2007માં ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ. જેક્સ ચિરાકના અનુગામી તરીકે ચૂંટાયેલા સારકોઝી નિકોલસની પ્રમુખીય ચૂંટણીમાં 85 ટકા મતદાન થયું હતું, જેમાં 53 ટકા મતો મેળવી તેઓ ફ્રાંસના પ્રમુખપદના હોદ્દા પર ચૂંટાઈ આવ્યા છે. જેક્સ ચિરાકનો 12 વર્ષનો લાંબો શાસનકાળ સ્થગિત થઈ ગયેલા વિકાસનો સમયગાળો હતો. સારકોઝીના આગમનથી તેમાં પરિવર્તનનાં એંધાણ શરૂ થયાં છે.
નિકોલસ સારકોઝી
સારકોઝી પરિવાર મૂળે હંગેરીનો અને સ્થળાંતર કરીને તે ફ્રાંસમાં સ્થાયી થયો. નિકોલસની ચાર વર્ષની વયે પિતાના ગૃહત્યાગને કારણે તેમને ઘણી આર્થિક મુશ્કેલીઓ અને અપમાનજનક પરિસ્થિતિઓ વેઠવી પડી હતી. તેમના દાદા ચુસ્ત કૅથલિક હતા અને તેમનાં ધાર્મિક વલણોનો નિકોલસ પર પ્રભાવ રહ્યો છે. તેઓ પોપ જ્હૉન પૉલ(બીજા)ને તેમના આદર્શ નેતા (Role-Model) માને છે. ફ્રાંસની પ્રજા તેમને ‘સાર્કો’ના હુલામણા નામે ઓળખવાનું પસંદ કરે છે.
સારકોઝી 1977થી ફ્રાંસના રાજકારણમાં સક્રિય બન્યા અને ત્રીસ વર્ષ બાદ 2007માં તેઓ દેશના સર્વોચ્ચ હોદ્દા પર રૂઢ/તખ્તનશીન થયા. તેમની સૌથી મહત્ત્વની પ્રાથમિકતા ફ્રાંસના મંદ પડી ગયેલા આર્થિક વિકાસને વેગ આપવાની સાથે બેકારીના ઊંચા પ્રમાણને નાબૂદ કરવાની છે. આ માટે ઉદ્દામ સુધારાઓની ભલામણ સાથે તેમણે ફ્રેંચ પ્રજાને કમર કસવાની ભલામણ કરી છે. તેમના મતે માત્ર બિનસાંપ્રદાયિકતાનાં મૂલ્યો યુવાપેઢીને આકર્ષી શકશે નહિ. ધર્મસત્તા અને રાજસત્તા વચ્ચેનું અંતર ઘટાડી, નક્કર પગલાં ભરવાથી જ દેશના યુવાનોને આકર્ષી શકાય તેવું તેમનું મંતવ્ય છે. આથી તેઓ ઇંગ્લૅન્ડ અને અમેરિકા જેવું આર્થિક ઉદારમતવાદી વલણ (Economic liberalisation) પસંદ કરે છે, જે તેમને જમણેરી અને નૂતન-રૂઢિચુસ્તતા (neo-conservative) ધરાવતા નેતાના વર્ગમાં મૂકે છે. ફ્રાંસના જનજીવનમાં પ્રવર્તતા સામાજિક અજંપાથી તેઓ વાકેફ છે અને યુવારોજગારીની નવી તકો દ્વારા તેને દૂર કરવા તાકે છે. વિકાસનાં ચક્રો ગતિમાન બનાવી તેઓ ફ્રાંસને નવી રાષ્ટ્રીય ઓળખ આપવા કટિબદ્ધ છે. આ માટે કરવેરા ઘટાડીને, જડ શ્રમિક કાયદાઓ ઢીલા પાડીને, ખાધપૂરકતા ઘટાડીને, કેંદ્રની સત્તાઓ ઓછી કરીને તથા સેવકશાહી(bureaucracy)ને મર્યાદિત કરીને તેઓ ફ્રાંસને પરિવર્તનના માર્ગે મૂકવા ઉત્સુક છે. ફ્રાંસના આર્થિક વિકાસમાં શ્રમિકોને વધુ કામ માટે વધુ વેતન આપવા સાથે બિનજરૂરી લાભો પર કાપ મૂકવાની તેમની હિમાયત છે. ગુણવત્તા અને સખત પરિશ્રમ દ્વારા તેમણે ‘ફ્રાંસની નવરચના’નું ધ્યેય રાખી પ્રમુખ તરીકેની કામગીરી આરંભી છે. ઊભી કરેલી ઊંચી અપેક્ષાઓને કારણે આગામી વર્ષો તેમની કસોટીનાં વર્ષો બની રહેશે.
રક્ષા મ. વ્યાસ