સાયરન (siren) : સંકટસમયે મોટા વિસ્તારમાં લોકોને સચેત કરવા માટે પ્રબળ ધ્વનિસંકેત સર્જતું સાધન. પ્રબળ વાયુપ્રવાહમાં નિશ્ચિત સમયગાળો ધરાવતા અવરોધો સર્જીને આ સાધન તે અનુસારની કંપમાત્રા ધરાવતો પ્રબળ ધ્વનિસંકેત સર્જે છે. સાધનમાં એવા આકારનો એક નળાકાર (કે ધાતુની તકતી) હોય છે, જે વાયુના દબાણને કારણે ઝડપી ભ્રમણ કરે. આ નળાકાર (કે તકતી) પર નિશ્ચિત સંખ્યાના છેદ રાખવામાં આવે છે, જેને કારણે ભ્રમણ કરતા નળાકાર વડે વાયુપ્રવાહ સમયાંતરે અવરોધાય અને ધ્વનિનું ઉત્સર્જન થાય. (સ્થિર વાયુપ્રવાહમાં તકતી કે નળાકારને અન્ય રીતે; જેમ કે, ઇલેક્ટ્રિક મોટર દ્વારા પણ ભ્રમણ આપી શકાય.) ઉત્સર્જિત ધ્વનિની કંપમાત્રા (frequency) તકતીની ભ્રમણગતિ (દર સેકંડે ભ્રમણની સંખ્યા) અને તેના પર આવેલ છેદની સંખ્યાના ગુણાકાર જેટલી હોય છે. આમ, ભ્રમણગતિની ઝડપ વધારીને કંપમાત્રા વધારી શકાય. અત્યંત પ્રબળ માત્રાનો સતત ધ્વનિ ઉત્પન્ન કરવા માટેનું આ એક મહત્ત્વનું સાધન છે અને તેથી મોટા વિસ્તારમાં લોકોને સંકટ સામે સાવધ કરવામાં ઉપયોગી થાય છે.
તકતી ઉપરના છેદની યોગ્ય ગોઠવણી દ્વારા બે કે તેથી વધુ કંપમાત્રાનો પૂર્વનિર્ધારિત ગુણોત્તર ધરાવતો ધ્વનિ પણ સર્જી શકાય. આ કારણથી સંગીતના નાદ(musical tones)ની અસર જાણવા માટે પણ આ પ્રકારના સાધનનો ઉપયોગ થયો છે.
જ્યોતીન્દ્ર ન. દેસાઈ