સાયમન કમિશન : બ્રિટિશ સરકારે ભારતમાં બંધારણીય સુધારાની ભલામણો કરવા 1927માં સર જૉન સાયમનના અધ્યક્ષપદ હેઠળ નીમેલું તપાસપંચ. ઈ.સ. 1919ના મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારામાં એવી જોગવાઈ હતી કે આ સુધારા હેઠળ સરકારે કરેલ કાર્ય, લોકશાહી સંસ્થાઓ તથા શિક્ષણની પ્રગતિ અને જવાબદાર રાજ્યતંત્રની દિશામાં આગળ વધવાની શક્યતા વગેરે બાબતોની તપાસ કરવા વાસ્તે દસ વર્ષ પછી એક કમિશન – તપાસપંચ નીમવું. 1919ના સુધારાને દસ વર્ષ 1929માં પૂરાં થતાં હોવા છતાં રાજકીય કારણોને લીધે હિંદી વજીર બર્કનહેડે બે વર્ષ વહેલું એટલે કે 1927માં તપાસપંચ નીમ્યું. તેના અધ્યક્ષ સર જૉન સાયમનના નામ ઉપરથી તે ‘સાયમન કમિશન’ નામથી ઓળખાયું.

કમિશન સામે વિરોધ : આ કમિશન ભારતને નવા બંધારણીય સુધારા આપવાની ભલામણ કરવા નિમાયું હોવા છતાં તેમાં બધા (કુલ સાત) સભ્યો અંગ્રેજ હતા, એક પણ ભારતીય સભ્ય લેવામાં આવ્યો ન હતો. તે માટે એવી દલીલ કરવામાં આવી હતી કે કમિશનમાં બધા સભ્યો બ્રિટિશ પાર્લમેન્ટમાંથી જ લેવાના હતા, પરંતુ આમ હતું તોપણ બ્રિટિશ પાર્લમેન્ટના ઉપલા ગૃહમાં લૉર્ડ સિંહા અને નીચલા ગૃહમાં શાપુરજી સકલાતવાળા ભારતીય હતા. સરકાર તેમને કમિશનમાં નીમી શકી હોત; તેથી ભારતના લોકોને લાગ્યું કે બ્રિટિશ સરકાર પરાધીન પ્રજા ઉપર પોતાની ઇચ્છા લાદવા માગે છે; તેથી ભારતના બધા રાજકીય પક્ષોએ સાયમન કમિશનની નિમણૂક સામે વિરોધ વ્યક્ત કર્યો. કૉંગ્રેસે અન્ય રાજકીય પક્ષોના સહકારથી હડતાલો, દેખાવો, સરઘસો વગેરે દ્વારા બહિષ્કારનો કાર્યક્રમ ઘડી કાઢ્યો.

કમિશનનો બહિષ્કાર : લોકોએ આ કાર્યક્રમને ખૂબ ઉત્સાહપૂર્વક સાથ આપ્યો. સાયમન કમિશનના સભ્યો 3 ફેબ્રુઆરી, 1928ના રોજ મુંબઈ બંદરે ઊતર્યા, તે દિવસે સમગ્ર દેશમાં હડતાલો, સરઘસો અને સભાઓ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો. દેખાવકારોએ ઠેર ઠેર ‘સાયમન, પાછો જા’નાં સૂત્રોવાળા કાળા ધ્વજ ફરકાવ્યા. કમિશન જે શહેરમાં તપાસ વાસ્તે ગયું ત્યાં લોકોએ તેની સામે દેખાવો યોજ્યા અને ધારાસભ્યો તથા રાજકીય નેતાઓએ તેને મળવાનો ઇનકાર કર્યો. દેખાવકારોને દબાવી દેવા સરકારે લાઠીચાર્જ, ટિયર-ગૅસ તથા ગોળીબારનો આશરો લીધો. લાહોરમાં દેખાવકારોનું નેતૃત્વ કરનાર વયોવૃદ્ધ નેતા લાલા લજપતરાયની છાતી ઉપર સખત લાઠીમાર થવાથી થોડા દિવસ બાદ તેમનું અવસાન થયું. ઉત્તરપ્રદેશમાં જવાહરલાલ નહેરુ તથા ગોવિંદ વલ્લભ પંત જેવા નેતાઓ ઉપર આડેધડ લાઠીચાર્જ કરવામાં આવ્યો; પરંતુ આવી દમનનીતિથી સરકાર તથા સાયમન કમિશન સામેની લોકલાગણી વધારે ઉગ્ર બની હતી.

કમિશનનો હેવાલ : આ રીતના વિરોધની વચ્ચે પણ સાયમન કમિશને તેનું કાર્ય ચાલુ રાખીને સરકારને તેનો હેવાલ આપ્યો, જે જૂન, 1930માં પ્રગટ કરવામાં આવ્યો. આ હેવાલની મુખ્ય ભલામણો આ પ્રમાણે હતી : (1) પ્રાંતોમાં દ્વિમુખી પદ્ધતિ દૂર કરીને સંપૂર્ણ જવાબદાર તંત્રનો અમલ કરવો. ધારાસભામાં બહુમતી પ્રાપ્ત કરનાર રાજકીય પક્ષને પ્રધાનમંડળ રચવાનું આમંત્રણ આપવું અને પ્રધાન-મંડળને બધાં ખાતાં સોંપી દેવાં. (2) પ્રાંતોના વહીવટમાં કેન્દ્ર સરકારનો અને હિંદી વજીરનો અનાવશ્યક અંકુશ નાબૂદ કરવો; છતાં ગવર્નરને આંતરિક સલામતી અને લઘુમતીઓનાં હિતોના રક્ષણ જેવી અગત્યની જવાબદારીઓ સોંપવી. તેના અમલ વાસ્તે તેને પ્રધાનોની સલાહને અવગણવાની વિશિષ્ટ સત્તાઓ આપવી. (3) પ્રાંતિક ધારાસભાઓને વિસ્તૃત કરવી, તેમને દ્વિગૃહી બનાવવી, મતાધિકાર વધારવો તથા સ્ત્રીઓને યોગ્ય પ્રમાણમાં મતાધિકાર આપવો. (4) કોમી મતદારમંડળો ચાલુ રાખવાં અને પછાત વર્ગો વાસ્તે બેઠકો અનામત રાખવી. (5) પ્રાંતોને વધુ નાણાકીય આવકનાં સાધનો ફાળવવાં. આ ઉપરાંત પ્રાંતોની ભાષાવાર પુનર્રચના કરવી. ખાસ કરીને સિંધી તથા ઊડિયા ભાષા બોલતા લોકોને અલગ પ્રાંતો આપવા. બર્મા(મ્યાનમાર)ને ભારતથી અલગ કરવો અને વાયવ્ય સરહદ પ્રાંતને જુદી ધારાસભા આપવી. (6) કેન્દ્રમાં સરકારને સ્થિર અને મજબૂત બનાવવાની જરૂર હોવાથી, ત્યાં બિનજવાબદાર તંત્ર ચાલુ રાખવું, તેમ છતાં ગવર્નર-જનરલની કારોબારીમાં વધુ ભારતીય સભ્યો નીમવા તથા તેમની નિમણૂક હિંદી વજીરને બદલે ગવર્નર-જનરલે કરવી. લશ્કરમાં અંગ્રેજ અફસરો ચાલુ રાખવા. (7) કેન્દ્રની ધારાસભા દ્વિગૃહી રાખવી, પરંતુ તેના નીચલા ગૃહને સમવાયી સ્વરૂપનું રાખવું, એટલે તેમાં પ્રાંતોના પ્રતિનિધિઓ ઉપરાંત દેશી રાજ્યોમાંથી પણ વસ્તીના પ્રમાણમાં બેઠકો ફાળવવી. પ્રાંતોના પ્રતિનિધિઓ પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા નહિ, પરંતુ પ્રાંતિક ધારાસભાઓનાં નીચલાં ગૃહો દ્વારા ચૂંટાઈને આવે, ત્યારે દેશી રાજ્યો તેમના પ્રતિનિધિઓ તેમની પસંદગી દ્વારા મોકલે તેમ રાખવું. ઉપલા ગૃહના સભ્યોની લાયકાત ઊંચી રાખવી અને તેઓને પણ પ્રાંતિક ધારાસભાઓનાં ઉપલાં ગૃહોના સભ્યો ચૂંટીને મોકલે. કેન્દ્રીય ધારાસભાનાં બંને ગૃહોની સત્તા યથાવત્ રાખવી.

મૂલ્યાંકન : આ ભલામણોએ 1919ના સુધારાઓ અપૂર્ણ હતા અને નિષ્ફળ ગયા હતા એમ સાબિત કર્યું. તેણે પ્રાંતોમાંથી દ્વિમુખી પદ્ધતિ દૂર કરી તથા સંપૂર્ણ જવાબદાર તંત્ર સ્થાપવાની ભલામણ કરી. બંધારણશાસ્ત્રી પ્રો. કીથના મતાનુસાર સાયમન કમિશનની ભલામણોનો ભારતીયોએ બહિષ્કાર કર્યો ન હોત તો પ્રાંતોમાં સ્વશાસન વહેલું આવત. આ ભલામણોમાં દેશને સ્વશાસન કે સાંસ્થાનિક સ્વરાજ આપવાના સરકારના ધ્યેયનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. વળી આ ભલામણો મુજબ કેન્દ્ર સરકારનું માળખું અગાઉના જેવું જ બિનજવાબદાર અને બિનલોકશાહી રહેવાનું હતું અને લશ્કર તથા સંરક્ષણ ઉપર બ્રિટિશ સરકારનો કાબૂ રહેવાનો હતો. વળી કેન્દ્રીય ધારાસભામાં ફરી વાર ચૂંટણી પરોક્ષ રાખવાની ભલામણ કરીને કમિશને પ્રત્યાઘાતી વલણ દાખવ્યું હતું. આ ભલામણો પ્રગટ થઈ ત્યારે દેશમાં સવિનય કાનૂનભંગની ચળવળ ચાલુ હોવાથી તેના ઉપર નિરાંતે વિચાર થઈ શકે તેવું વાતાવરણ નહોતું; તેથી દેશના બધા પક્ષોએ આ ભલામણોનો અસ્વીકાર કર્યો.

જયકુમાર ર. શુક્લ