સાયપરસ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા સાયપરેસી કુળની એક શાકીય પ્રજાતિ. દુનિયામાં તેની 700 જાતિઓ મળી આવે છે. ભારતમાં 100 જાતિઓ ઊગે છે; જેમાંની 14 જાતિઓ દક્ષિણ ભારતની સ્થાનિક (endemic) છે. ગુજરાતમાં આશરે 56 જાતિઓ મળી આવે છે. તે પૈકી Cyperus rotundus (મોથ) ગુજરાતભરમાં ઊગે છે. તેને ‘મોથ’ કહેવામાં આવે છે. તે નાના છોડ-સ્વરૂપની મીઠા પાણીના કિનારે કે ખાબોચિયામાં ઊગતી વનસ્પતિ છે. તેનો વિરોહ લાંબો અને પાતળો હોય છે. તે કઠણ કાળા રંગના ભૂમિગત મૂળવૃન્ત (root stock) પરથી ઉત્પન્ન થાય છે. મૂળતંત્ર અસ્થાનિક (adventitious) તંતુમય હોય છે; પ્રકાંડ ચપટું અને ત્રિકોણાકાર હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક ત્રિપંક્તિક (tristichous), સાંકડાં, એકશિરી, પ્રકાંડ કરતાં લાંબાં અને રેખાકાર હોય છે.
આકૃતિ : મોથ (Cyperus rotundus)
પર્ણાગ્ર અણીદાર હોય છે. પુષ્પવિન્યાસ શૂકિકા (spikelet) પ્રકારનો જોવા મળે છે. આ શૂકિકાઓ સંયુક્ત છત્રક સ્વરૂપે ગોઠવાયેલી હોય છે. સંયુક્ત છત્રકની 2થી 8 શાખાઓ 7.5 સેમી. જેટલી લાંબી હોય છે. તેની 3થી 10 ઉપશાખાઓ પાતળી અને લાલાશ પડતા કથ્થાઈ રંગની હોય છે. નિપત્રો (bracts) 3 હોય છે. તેઓ અસમાન હોય છે. સૌથી મોટું નિપત્ર 15.0 સેમી. લાંબું હોય છે. શૂકિકાઓ અસમાન હોય છે; જેમાં 10થી 15 પુષ્પો જોવા મળે છે. પત્રાક્ષ સપક્ષ હોય છે. તુષનિપત્રો (glumes) લંબગોળ, કુંઠાગ્ર, કાળાશ પડતા લાલ-કથ્થાઈ રંગના અને 3થી 7 શિરાયુક્ત હોય છે. પુંકેસરો 3 જોવા મળે છે. સ્ત્રીકેસર-ચક્ર ત્રિયુક્તસ્ત્રીકેસરી અને ઊર્ધ્વસ્થ હોય છે. પરાગવાહિની ટૂંકી અને પરાગાસન દ્વિશાખી અને લાંબું હોય છે. જરાયુવિન્યાસ (platentation) તલસ્થ (basal) હોય છે. ફળ ત્રિકોણાકાર અને અષ્ટિલ જોવા મળે છે. બીજ ત્રણ ખૂણાવાળા અને કાળા રંગના હોય છે.
Cyperus rotundus (મોથ) ગ્રાહી, સ્વેદલ, ઉત્તેજક, પૌષ્ટિક, ચિરગુણકારી, સુગંધિત અને મૂત્રલ ગુણધર્મો ધરાવે છે. ભૂમિગત મૂળવૃન્ત સુગંધિત હોય છે. તેનો ઉકાળો રક્તશુદ્ધક શીતપ્રદ અને મૂત્રસ્રાવી હોય છે. કાઢો પ્રદર મટાડે છે. શુષ્ક મૂળવૃન્તનું ચૂર્ણ બનાવી દૂધ સાથે લેવાથી તે વીર્ય અને શક્તિમાં વધારો કરે છે. તે કેશ-તેલની બનાવટમાં વપરાય છે. તે ખરતા વાળ અટકાવે છે. તે ચેતાતંત્રને શાંત અને ઠંડું રાખે છે.
Cyperus haspan-ને ચિયો કહે છે. તે ખેતરમાં પાણી-કિનારે નીંદામણ-સ્વરૂપે ઊગે છે. આ ઉપરાંત ચોમાસામાં મીઠા પાણીના ખાડા-ખાબોચિયામાં તેમજ તળાવકિનારે નાના બહુવર્ષાયુ છોડ-સ્વરૂપે ઊગે છે.
તેનું મૂળવૃન્ત સુગંધિત હોય છે. ચિયો ઘોડા અને ભેંસના ચારા તરીકે વપરાય છે.
આ ઉપરાંત સાયપરસની અન્ય કેટલીક જાતિઓમાં C. scariosus (નાગરમોથ) કૃમિની સારવારમાં; C. stoloniferus(કાંસા)ની ગાંઠો બાફીને ખાવામાં અને C. foliusalterni બાગ-બગીચાઓમાં શોભન-વનસ્પતિ તરીકે ઉછેરવામાં ઉપયોગી છે. C. bulbosus(થેગી)ના મૂળનો રસ ગુદા પર ચોપડવાથી અર્શનું લોહી બંધ થાય છે. તે મસા સૂકવી ખેરવી નાખે છે અને ઊલટીઓ બંધ કરે છે. C. papyrusના પ્રકાંડનો માવો કાગળની બનાવટમાં વપરાય છે. તેના શુષ્ક પ્રકાંડનો ઉપયોગ સાદડી અને સાવરણી બનાવવામાં થાય છે.
યોગેશ ડબગર