સાયનેટ (cyanate)
January, 2008
સાયનેટ (cyanate) : -OCN-સમૂહ ધરાવતા અને સાયનિક ઍસિડમાંથી મેળવાતા ક્ષારો. સાયનિક ઍસિડ HO – C ≡ N અને H – N = C = O – એમ બે સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. સાયનેટ-સંયોજનો —ONC-સમૂહ ધરાવતા ફુલ્મિનેટ સંયોજનો (fulminates) સાથે સમાવયવી (isomeric) હોય છે.
આલ્કલી ધાતુઓના સાયનાઇડ ક્ષારોના જલીય દ્રાવણ કે તેમનું પીગળેલી અવસ્થામાં ઑક્સિજન અથવા લેડ ઑક્સાઇડ કે લેડ ડાયૉક્સાઇડ જેવા ઉપચયનકર્તા વડે ઉપચયન કરીને આલ્કલી ધાતુઓના સાયનેટ (MOCN) મેળવી શકાય છે :
4 KCN + Pb3O4 = 4 KOCN + 3Pb
સોડિયમ કાર્બોનેટને યુરિયા (NH2CONH2) સાથે ગરમ કરવાથી પણ સોડિયમ સાયનેટ બનાવી શકાય છે :
Na2CO3 + 2CO(NH2)2 = 2NaNCO
+ 2NH3 + CO2 + H2O
-OCN-સમૂહ ધરાવતાં સંયોજનોમાં ઑક્સિજન અથવા નાઇટ્રોજન અન્ય પરમાણુ સાથે જોડાયેલ હોય છે. મોટાભાગની અધાતુઓ નાઇટ્રોજન સાથે બંધ (bond) બનાવે છે; દા.ત., P(NCO)3. તત્ત્વના હેલાઇડ ક્ષારોની બેન્ઝિનમાં બનાવેલા AgNCOના દ્રાવણ સાથેની અથવા એસિટોનાઇટ્રાઇલમાં ઓગાળેલા એમોનિયમ સાયનેટ (NH4OCN) સાથેની પ્રક્રિયા દ્વારા અધાતુ તત્ત્વોના સાયનેટ બનાવી શકાય છે.
આલ્કલી અને આલ્કલીય મૃદા (alkaline earth) ધાતુઓનાં સાયનેટ-સંયોજનોમાંના એનાયનને [N ≡ C — O]— તથા વડે [N ≡ C — O]— પણ દર્શાવી શકાય છે. આ બંને પ્રકારની ધાતુઓના ક્ષારો પાણીમાં દ્રાવ્ય હોય છે. ભારે ધાતુઓના સાયનેટ-ક્ષારો સહસંયોજન (covalent) ગુણ વધુ ધરાવે છે અને પાણીમાં અદ્રાવ્ય હોય છે.
એમોનિયમ સાયનેટ સહેલાઈથી પુનર્ગોઠવણી પામી યુરિયા બનાવે છે. વ્હોલરે 1828માં આ રીતે યુરિયાનું સંશ્લેષણ કર્યું હતું.
સાયનેટ-સંયોજનોમાં ઑક્સિજનને બદલે સલ્ફર પરમાણુની હાજરીથી થાયૉસાયનેટ ક્ષારો મળે છે; દા.ત., KSCN. સેલીનિયમ સાથેનાં આવાં સંયોજનો સેલીનોસાયનેટ કહેવાય છે. OCN— ની માફક SCN— અને SeCN— રૈખિક (linear) હોય છે. OCN—સંકીર્ણોનો ઝાઝો અભ્યાસ થયો નથી, પણ જે થોડા સાયનેટો
(-OCN) સંકીર્ણોનો અભ્યાસ થયો છે તે દર્શાવે છે કે લિગેન્ડ સામાન્ય રીતે N-આબંધિત (N-bonded) હોય છે.
સાયનેટ ક્ષારોનો મુખ્ય ઉપયોગ કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં થાય છે.
ચિત્રા સુરેન્દ્ર દેસાઈ