સાયણાચાર્ય (જ. ઈ. સ. 1314, આંધ્ર; અ. ?) : વૈદિક સાહિત્ય પરના અનેક ભાષ્યગ્રંથોના લેખક. તેઓ કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય શાખાના બ્રાહ્મણ હતા. યુવાવસ્થામાં તે કંપણ અને સંગમ રાજાઓના મંત્રી તરીકે નેલ્લોર અને તેની નજીકના વિસ્તારોમાં શાસનવ્યવસ્થામાં હતા. આમાંથી સંગમ વંશના રાજા હરિહર અને બુક્કે 15 એપ્રિલ, 1335ના રોજ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી. મહારાજ બુક્કરાય હિન્દુ સભ્યતાના પ્રબળ અનુરાગી હતા. તેમણે પોતાના આચાર્ય અમાત્ય માધવને સ્વામી વિદ્યારણ્યને વેદભાષ્યની રચના માટે વિનંતી કરી. એમણે આ માટે પોતાના નાના ભાઈ સાયણાચાર્યનું નામ સૂચવ્યું. સાયણ ઈ. સ. 1364માં બુક્કરાયના મહા અમાત્ય અને સેનાપતિ થયા; ત્યારથી માધવના બુક્કરાયે સ્વીકારેલા સૂચનને આધારે એમણે 16 વર્ષ સાયણે મંત્રીની ફરજોની સાથોસાથ આ ભાષ્યરચનાઓ કરી. ઈ. સ. 1364માં બુક્કરાયનું અવસાન થયું. પછી હરિહરરાય દ્વિતીય ગાદીએ બેઠા. એમના સમયમાં પણ સાયણનાં મંત્રીકાર્ય અને ભાષ્યકાર્ય આઠ વર્ષ ચાલુ રહ્યાં. ઈ. સ. 1387માં સાયણનું અવસાન થયું ત્યાં સુધી એમનાં આ કાર્યો ચાલુ રહ્યાં. આ 24 વર્ષના ગાળામાં સાયણાચાર્યનો ભાષ્યરચનાનો ફલક જે અત્યંત વિસ્તૃત રહ્યો તે આ પ્રમાણે છે; રચનાક્રમ પણ સંભવત: અહીં દર્શાવ્યા પ્રમાણે છે :
(ક) વૈદિક સંહિતા પરનાં ભાષ્યો : (1) કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય સંહિતા; (2) ઋગ્વેદ સંહિતા; (3) સામવેદ સંહિતા; (4) શુક્લ યજુર્વેદની કાણ્વ સંહિતા; (5) અથર્વવેદ સંહિતા.
(ખ) ‘બ્રાહ્મણ’ ગ્રંથ પરનાં ભાષ્યો : (1) તૈત્તિરીય બ્રાહ્મણ; (2) ઐતરેય બ્રાહ્મણ; (3) તાંડ્ય બ્રાહ્મણ; (4) ષડ્વિંશ બ્રાહ્મણ; (5) સામવિધાન બ્રાહ્મણ; (6) આર્ષેય બ્રાહ્મણ; (7) દેવતાધ્યાય બ્રાહ્મણ; (8) ઉપનિષદ બ્રાહ્મણ; (9) સંહિતોપનિષદ બ્રાહ્મણ; (10) વંશ બ્રાહ્મણ; (11) શતપથ બ્રાહ્મણ.
(ગ) ‘આરણ્યક’ ગ્રંથ પરનાં ભાષ્યો : (1) તૈત્તિરીય આરણ્યક; (2) ઐતરેય આરણ્યક.
(ઘ) ઉપનિષદ ગ્રંથ પરનાં ભાષ્યો : (1) છાંદોગ્ય ઉપનિષદ, (2) બૃહદારણ્યક ઉપનિષદ.
(ઙ્) વૃત્તિ : માધવીયાધાતુવૃત્તિ.
સાયણ પોતાનાં વેદભાષ્યોને ‘વેદાર્થપ્રકાશ’ નામ આપે છે અને તે પોતાના વિદ્યાગુરુ વિદ્યાતીર્થ સ્વામીને અર્પિત કરે છે. તે પોતાના કેટલાક ગ્રંથોનાં શીર્ષકોમાં ‘માધવીય’ વિશેષણ ઉમેરે છે. એ એમની નમ્રતા છે. માધવ દ્વારા પ્રેરિત થયેલી આ રચનાઓ છે, તેથી એ રીતે તેઓ ઓળખાવે છે. આ ઉપરાંત અન્ય ત્રણ વિદ્વાન બ્રાહ્મણોની સહાય ભાષ્યરચનાઓમાં મળી હોય તેવું સૂચન છે. તે વિગત 1386ના શિલાલેખમાંથી મળે છે. તેમનાં નામ આ પ્રમાણે છે : નારાયણ વાજપેયયાજી, નરહરિ સોમયાજી તથા પંઢરી દીક્ષિત. સાયણ ભાષ્યકાર તરીકે ભાષ્યરચના કરતા હોય, મહાઅમાત્ય તરીકે રાજકીય પરામર્શ કરતા હોય અને સરસેનાપતિ તરીકે સેનાઓનું નેતૃત્વ કરતા હોય ત્યારે એમનો પ્રભાવ યુગપુરુષ તરીકેનો હોય તે સાહજિક છે. એમના અવસાનના આઠમે વર્ષે એમના ઋગ્વેદભાષ્યની પ્રતિલિપિ ઈ. સ. 1395માં થઈ છે. અથર્વવેદ પર માત્ર સાયણનું ભાષ્ય જ મળે છે. ઈ. સ. 1895-1898માં મુંબઈથી કાશીનાથ પંડિત દ્વારા પ્રકાશિત થયું છે. તૈત્તિરીય સંહિતા પરનું સાયણ ભાષ્ય કોલકાતાથી ઈ. સ. 1860-1881માં થયું છે. ઋગ્વેદભાષ્ય ઈ. સ. 1849-1874 દરમિયાન મૅક્સમૂલર દ્વારા સંપાદિત થયેલું છે અને ઈસ્ટ ઇંડિયા કંપની દ્વારા પ્રકાશિત થયું છે. આ સંપાદનો સર્વપ્રથમ થયેલાં સંપાદનો છે. આજે પણ પરિસ્થિતિ એવી છે કે વેદાર્થઘટન અંગે સાયણને અવગણી શકાય નહિ. પં. બલદેવ ઉપાધ્યાયનો અભિપ્રાય છે કે આ તો વેદના દુર્ગમ દુર્ગમાં પ્રવેશ કરાવનારું વિશાળ સિંહદ્વાર છે. આવી પ્રતીતિ મૅક્સમૂલરને પણ થઈ હતી. તેથી એમણે નોંધ કરી હતી : ‘We ought to bear in mind that five and twenty years ago, we could not have made even our first steps, we could never atleast have gained a firm footing without his leading strings.’ ઋગ્ભાષ્યના સંપાદન માટે એમને 25 વર્ષ થયેલાં. એમને સ્વાનુભવ હતો કે સાયણ સિવાય પહેલું પગલું પણ ભરી ન શકાય. ઋગ્વેદના પ્રથમ અનુવાદક વિલ્સને અભિપ્રાય જાહેર કર્યો હતો કે આચાર્ય સાયણ પાસે જેટલું વેદજ્ઞાન હતું એટલું અત્યારના કોઈ યુરોપિયન વિદ્વાન પાસે નથી.
રશ્મિકાંત મહેતા