સામુદ્રિક ગહરાઈઓ (Deeps or Trenches) : સમુદ્રતળના અગાધ ઊંડાણમાં અસ્તિત્વ ધરાવતી ઊંડી કમાન આકારની સાંકડી ખાઈઓ. સમુદ્રતળ પરનું અગાધ ઊંડાણ ધરાવતું ભૂમિસ્વરૂપ. તે સમુદ્રતળની કુલ સપાટીના 7 % જેટલો વિસ્તાર રોકે છે. તેમની બંને બાજુઓનો ઢોળાવ ઉગ્ર હોય છે, અને આવી ખાઈઓ તેમના મથાળાથી નીચે તરફ 6,000 મીટર જેટલી ઊંડાઈ ધરાવતી હોય છે. પૅસિફિક મહાસાગરમાં આવેલી મરિયાના ખાઈ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, તેની ઊંડાઈ સમુદ્રસપાટીથી 11,035 મીટર અને લંબાઈ 2,500 કિમી. જેટલી છે. વધુમાં વધુ ખાઈઓ પૅસિફિક મહાસાગરમાં આવેલી છે. આજ સુધીમાં કુલ 57 ખાઈઓ શોધાઈ છે, તે પૈકીની 32 પૅસિફિકમાં, 19 આટલાન્ટિકમાં અને 6 હિન્દી મહાસાગરમાં આવેલી છે. મહત્વની કેટલીક ખાઈઓની યાદી નીચેની સારણીમાં આપી છે :
| સામુદ્રિક ગહરાઈઓ (ખાઈ) | સ્થાન (મહાસાગર) | ઊંડાઈ (મીટરમાં) |
| મરિયાના (ચેલેન્જર) | ઉ. પૅસિફિક | 11,035 |
| ફિલિપાઇન | ઉ. પૅસિફિક | 10,400 |
| જાપાન | ઉ. પૅસિફિક | 10,554 |
| ચિલી-પેરુ | દ. પૅસિફિક | 7,634 |
| પૉર્ટોરિકો | આટલાન્ટિક | 9,216 |
| રોમાન્શ | આટલાન્ટિક | 7,230 |
| સુંદા | હિન્દી | 7,455 |
| આંદામાન | હિન્દી | 5,257 |

સામુદ્રિક ગહરાઈઓ
ઉપર્યુક્ત સામુદ્રિક ગહરાઈઓનાં નામ તેમના સંશોધક અથવા સ્થાનના નામ પરથી અપાયેલાં છે. તે બધી સામાન્ય રીતે તો દ્વીપચાપોની નજીકમાં આવેલી છે; જેમ કે, ફિલિપાઇન પાસે મિન્ડાનાસ ખાઈ, ઍલ્યુશિયન ટાપુઓ પાસે ઍલ્યુશિયન ખાઈ, જાપાનના કાંઠા પાસે જાપાન ખાઈ વગેરે. ખાઈઓની ઊંડાઈ જો નજીકની ભૂમિના મથાળેથી ગણવામાં આવે તો થોડા જ અંતરમાં ખૂબ જ ઊંડાણ આવી જતું હોય છે; દા.ત., દ. અમેરિકામાં સમુદ્રકાંઠાના ઍન્ડિઝ પર્વતના ઊંચા શિખરની ટોચ પરથી નજીકના સમુદ્રમાં માત્ર 160 કિમી. જેટલા અંતરમાં 14.5 કિમી.નું ઊંડાણ આવે છે. 10,554 મીટર ઊંડાઈવાળી જાપાનની ખાઈની ઊંડાઈ ફ્યુજિયામા પર્વતના શિખરની ટોચથી 12,290 મીટર થાય છે. પૃથ્વી પરના મહત્તમ ઊંચાઈ ધરાવતા માઉન્ટ એવરેસ્ટ (8,852 મીટર) અને મહત્તમ ઊંડાઈ ધરાવતી મરિયાના ખાઈ(11,035 મીટર)નો તફાવત આશરે 20 કિમી.નો છે.
ખાઈઓમાં ઉષ્મા-પ્રવાહો(heat flow)નાં મૂલ્ય અસાધારણ રીતે નીચાં હોય છે, જ્યારે તે નજીકના દ્વીપચાપો પર ઊંચાં હોય છે. ખાઈઓના ભાગોમાં દર વર્ષે અંદાજે 5થી 15 સેમી. જેટલો પોપડાનો ભાગ ધરબાઈ જતો હોય છે. ભૂસંતુલનના સંદર્ભમાં નિક્ષેપ પૂરણીવાળી ખાઈઓ સમતુલા જાળવી શકતી ન હોવાથી, તે-Ve ગુરુત્વ અસાધારણતાઓ (gravity anomalies) બતાવે છે.
સામાન્ય રીતે જોતાં, મોટાભાગનું સમુદ્રતળ ઊંડાં મેદાનોથી બનેલું છે, જે પૃથ્વીના સમગ્ર પોપડાનો આશરે 30 % જેટલો ભાગ રોકે છે. આવાં ઊંડાં મેદાનો 4થી 6 કિમી.નું ઊંડાણ દર્શાવે છે. સમુદ્રતળનો અગાધ ઊંડાણવાળો ભાગ બંધારણની ષ્ટિએ સમુદ્રતળના અન્ય વિભાગો કરતાં જુદો પડે છે. 4,000 મીટરથી વધુ ઊંડાઈવાળા ભાગોમાં રાતી મૃદ તેમજ સમુદ્રીય સ્યંદનો જોવા મળે છે. અહીં તાપમાન 40 સે.થી વધુ હોતું નથી. વિષુવવૃત્તીય અગાધ ઊંડાણમાં સિલિકાયુક્ત સ્યંદનો (રેડિયોલેરિયન-પ્રોટોઝુઆ) મળે છે, જે 38 × 106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 5,000 મીટરથી વધુ ઊંડાઈએ રેડિયોલેરિયન સ્યંદનો દ્રવીભૂત સ્થિતિમાં રહે છે, પરંતુ ત્યાં રાતી મૃદનું પ્રમાણ વિશેષ હોય છે, તે 100 × 106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે.
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી
