‘સામી’, ચૈનરાય બચોમલ (જ. 1743, શિકારપુર, સિંધ; અ. 1850, શિકારપુર) : ખ્યાતનામ સિંધી કવિ. તેમનો જન્મ ધનાઢ્ય વેપારી પરિવારમાં થયો હતો. તેમણે તેમના શ્લોકો અથવા કાવ્યોમાં સિંધી ‘બેત’ રૂપે વૈદિક બોધને ઘરગથ્થુ ભાષામાં ઉતાર્યો છે. તેઓ શેઠ ટિંડનમલાનીના એજન્ટ તરીકે પંજાબ સુધી માલ વેચવા જતા હતા. તેમાં તેમના સિદ્ધાંત પ્રમાણે વાજબી નફાનું ધોરણ રાખવામાં સંતોષ માનતા. એક વાર તેઓ તેમના શેઠની દુકાનમાં બેઠા હતા ત્યારે એક ‘મહાત્મા’ને ત્યાંથી પસાર થતા જોયા. છેક બાળપણથી તેઓ ‘સાચા સોદા’ની ગુરુ નાનકની શોધમાં હતા; તેથી આ મહાત્માને જોઈ તેઓ તેમને મળવા ગયા અને તેમનાં ચરણોમાં શીશ નમાવ્યું. તેમને સમજાયું કે આગલી રાત્રે તેમના સ્વપ્નમાં આવેલ વ્યક્તિ તે જ આ મહાત્મા છે અને તરત જ તેમના મુખેથી કાવ્ય સરી પડ્યું : ‘ઓચિતો આચી સજનૂ બિથો સમુહોં’ (‘સાચો મિત્ર ઓચિંતો મારી આગળ પ્રગટ થયો !’)
આમ 30 વર્ષની વયે તેઓ સાચા મિત્ર એવા સ્વામી (સિંધીમાં ‘સામી’) મેઘરાજના સંપર્કમાં આવ્યા. આ સ્વામી તત્કાલીન બહાવલપુર રાજ્યના એહમદપુરથી આવીને શિકારપુરમાં હાથીદર ખાતેના બ્રાહ્મણ હેમનદાસના ‘મર્હિ’ અથવા મઠમાં રહેવા માટે સિંધ આવેલા. તેઓ વેદાંત અને સંસ્કૃત કાવ્યોના વિદ્વાન હતા. ચૈનરાયે 10 વર્ષ સુધી તેમની પાસે રહી વેદાંતનો અભ્યાસ કર્યો. તેમના ગુરુ પાસેથી તેમણે શંકરના અદ્વૈત ઉપરાંત નિમ્બાર્કના દ્વૈતાદ્વૈત અથવા ભેદાભેદ વિશે જ્ઞાન પ્રાપ્ત કર્યું, જે તેમના ભક્તિ વિશેના શ્લોકોમાં અભિવ્યક્ત થયું છે.
તેઓ સિંધી સંતોનાં કાવ્યો અને સૂફી કાવ્યોનો અભ્યાસ કરીને ગુરુમુખી અને દેવનાગરીથી વાકેફ થયા. 40 વર્ષની વયે તેમનામાં કાવ્યસર્જનની ઉત્તમ શક્તિનો વિકાસ થયો અને શીઘ્ર ઊર્મિકાવ્યો અને આધ્યાત્મિક પ્રકારનાં કાવ્યોની રચના તેમના ગુરુના નામથી કરવા માંડી; આ ‘સામી’ તેમનું તખલ્લુસ બની ગયું. તેઓ સિંધીમાં, ગુરુમુખી લિપિમાં કાગળની કાપલી પર કાવ્યો રચતા અને માટીના ઘડામાં જમા કરતા.
68 વર્ષની ઉંમરે તેઓ તેમનાં પત્ની સાથે એક પવિત્ર સ્થળે યાત્રાએ ઊપડ્યા. પાછા વળતાં અમૃતસરની મુલાકાત લીધી. ત્યાં એક પવિત્ર પુરુષે તેમને આશીર્વાદ આપ્યા કે થોડા વખતમાં તેમને પુત્રની પ્રાપ્તિ થશે; તેથી તેઓ અમૃતસરમાં શીખ ગુરુદ્વારા નજીક રોકાયા અને હજારો શ્લોકોની રચના કરી. તેમણે પરમાત્માના ધ્યાનમાં શાંત જીવન ગાળ્યું. તેમણે ‘અર્થ’ અને ‘કામ’ની અવગણના કર્યા વિના, ‘ધર્મ’ અને ‘મોક્ષ’ માટે થઈને સદાય ઈશ્વરના ધ્યાન-ચિંતનમાં મગ્ન રહ્યા.
મૂળચંદ ગ્યાનીએ ‘સામી’ના 2100 શ્લોકો 2 ગ્રંથમાં પ્રગટ કર્યા છે. તેમાં વેદાંતનો સાર સરળ સિંધી ભાષામાં ભક્તિરસથી ભરપૂર કાવ્યરચના રૂપે આપવામાં આવ્યો છે. તેમણે તેમની કવિતામાં કહ્યું છે : ‘માનવી દૈહિક સૌંદર્ય પાછળ મોહાંધ બને છે, પરંતુ તેના સર્જનહારથી અજાણ જ રહે છે.’ વળી તેમણે સર્વધર્મ સમભાવનાના હિમાયતી તરીકે પાખંડ અને બાહ્યાડંબરની બરોબર ભર્ત્સના કરી છે.
જયંત રેલવાણી