સામાજિક સંઘર્ષ : વ્યક્તિઓ વચ્ચે અને જૂથો વચ્ચે વિવિધ સ્વરૂપે પ્રવર્તતા સંઘર્ષો. સામાજિક આંતરક્રિયાના એક સ્વરૂપ તરીકે સામાજિક સંઘર્ષ માનવ-સમાજમાં સાર્વત્રિક છે. આર્થિક તથા રાજકીય અથડામણો, યુદ્ધો, હુલ્લડો, દુશ્મનાવટભરી બદનક્ષી/ગાલિપ્રદાન, કોર્ટોમાં મુકદ્દમા રૂપે ચાલતી તકરારો વગેરે જેવાં અનેકવિધ રૂપોમાં સંઘર્ષ પ્રગટ થાય છે. તદુપરાંત ગુલામી, વેઠ કે શોષણને લગતા વ્યવહારોમાં પણ સામાજિક સંઘર્ષ પ્રગટ કે અપ્રગટ રીતે વણાયેલો હોય છે.
સામાજિક સંઘર્ષની આંતરક્રિયામાં સંબંધિત પક્ષો તરીકે સમૂહો અને/અથવા વ્યક્તિઓ પોતપોતાનાં રસ, હિત અને હેતુઓના સંદર્ભમાં પરસ્પર ઈર્ષા, વિરોધ, અવિશ્વાસ, ધિક્કાર, ભય જેવી નિષેધાત્મક લાગણીઓ અને આવેગો ઓછેવત્તે અંશે ધરાવે છે. તેમની તે લાગણીઓ-આવેગોના સંયોજનથી દોરવાઈને તેઓ પરસ્પરને નિષ્ફળ બનાવવાનો કે અવરોધવાનો સભાનપણે સક્રિય પ્રયત્ન કરે છે. તેમના આવા પ્રયત્નોનું સ્વરૂપ શાબ્દિક અભિવ્યક્તિ કે કોઈક સ્વરૂપે પ્રગટ કે અપ્રગટ રીતે નાનામોટા અવરોધો ઊભા કરવાનું હોઈ શકે. વળી તે પ્રયત્નોનું સ્વરૂપ સામા પક્ષ/પક્ષોને શારીરિક, માનસિક, આર્થિક અને/અથવા અન્ય કોઈ સ્વરૂપે હાનિ પહોંચાડવાનું કે તેનો/તેમનો સદંતર નાશ કરવાનું પણ હોઈ શકે. તો વળી, કેટલીક વાર તેનું સ્વરૂપ સામા પક્ષ/પક્ષોને નોંધપાત્ર અંશે નિષ્ક્રિય, નિર્બળ કે વશવર્તી બનાવી દેવાના સ્વરૂપનું પણ હોઈ શકે. ટૂંકમાં, સામાજિક સંઘર્ષ એટલે અછત ધરાવતા દરજ્જાઓ, સત્તા અને/અથવા સંપત્તિ સંબંધી મૂલ્યો અને દાવાઓને અનુલક્ષીને થતી અથડામણો કે જેમાં સામા પક્ષને કશાક ઉપરના વર્ચસ્, નિયંત્રણ કે તેનાથી સ્વરક્ષણ માટેની કે તેની સામેની દુશ્મનાવટ/વિરોધભરી અથડામણો હોય છે. એ સંદર્ભમાં, વ્યક્તિ અને/અથવા સમૂહની સ્વાયત્તતા સામેના પડકારો તેમજ પોતાના ભૌતિક તેમજ નૈતિક અધિકારો ભયમાં હોવાની લાગણીનું વિવિધ માત્રામાં સંયોજન તમામ સામાજિક સંઘર્ષોનું એક મુખ્ય સર્વસામાન્ય પરિમાણ (dimension) છે.
વળી, અહીં નોંધવું જોઈએ કે સામાન્ય લોકોમાં સામાન્ય રીતે સામાજિક સંઘર્ષ હાનિકર્તા/વિકાર્યાત્મક માનવામાં આવે છે; પરંતુ સમાજશાસ્ત્રમાં તો સ્પષ્ટપણે પ્રતિપાદિત કરવામાં આવે છે કે હાનિ કે વિકાર્યાત્મકતા સાપેક્ષ વિભાવનાઓ છે. એટલે સામાજિક સંઘર્ષો સામાજિક અને/અથવા વૈયક્તિક રીતે બધાં પાસાં તથા બધા પક્ષોની દૃષ્ટિએ વિકાર્યાત્મક કે હાનિકર્તા જ હોય છે તેવું નથી. કેટલીય વાર સમગ્ર દૃષ્ટિએ કે અમુક ચોક્કસ સંદર્ભમાં આવા સંઘર્ષો કાર્યાત્મક અને ઉપયોગી પણ હોય છે. દરખાઈમે દર્શાવ્યું છે તેમ, ‘મોટાં સામાજિક હુલ્લડો અને મહાયુદ્ધો સંબંધિત લોકોમાં સમૂહ-ભાવના જગાડે છે; પક્ષીય સંસક્તિ, દેશભક્તિ, રાજકીય/રાષ્ટ્રીય આત્મવિશ્વાસ તેમજ પ્રબળ સામાજિક સુસંકલન (ઓછામાં ઓછું તત્કાલ પૂરતું) ઉદ્દીપ્ત કરે છે.’ તેવી જ રીતે, સમાજના કેટલાક તીવ્ર સંઘર્ષો સામાજિક વિકાસ તથા નવઘડતર કરવામાં પણ મહત્વનો ભાગ ભજવતા જોવા મળે છે. ટૂંકમાં, સામાજિક સંઘર્ષ વત્તેઓછે અંશે કાર્યો અને વિકાર્યો બંને ધરાવતા હોય છે.
હસમુખ હ. પટેલ