સામાજિક વિભેદીકરણ અને સ્તરીકરણ (Social Differ-entiation and Stratification)

January, 2008

સામાજિક વિભેદીકરણ અને સ્તરીકરણ (Social Differ-entiation and Stratification) : માનવ-સમુદાયો વચ્ચે ભેદ પાડતી પ્રક્રિયા.

વિભેદ એટલે ભેદ, ફરક કે જુદાપણું અને વિભેદીકરણ એ ભેદ કે જુદાપણાની પ્રક્રિયા છે. વનસ્પતિ, વસ્તુઓ, પ્રાણીઓ, વ્યક્તિઓ, માનવ-સમાજો વગેરે અનેક બાબતોમાં એકબીજાંથી જુદાં પડે છે. વિભેદીકરણ એ માનવ-સમાજનું અંગભૂત લક્ષણ છે. સમાજમાં આ પ્રક્રિયા આદિકાળથી જોવા મળે છે. એ વ્યક્તિઓ અને જૂથોને કેટલાક મૂર્ત આધારો પર વિભાજિત કરે છે. ન્યુમેયરના જણાવ્યા મુજબ સામાજિક વિભેદીકરણ એક પ્રક્રિયા છે. તેમાં જૈવિક, વંશાનુગત અને શારીરિક વિશેષતાઓને આધારે વ્યક્તિઓમાં અને સમૂહોમાં સામાજિક ભિન્નતા જન્મે છે. વય, લિંગ, પ્રજાતિ, વ્યક્તિગત વ્યવસાય, સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ, આર્થિક સ્થિતિ, સામાજિક ઉપલબ્ધિઓ, સમૂહની રચના તેમજ સામાજિક સંબંધો વગેરે વિભેદીકરણના આધારો છે. આ રીતે સામાજિક ભિન્નતાઓ વિભેદીકરણને જન્મ આપે છે. આવી ભિન્નતા સૂચવતાં અનેક ઉદાહરણો આપી શકાય. સ્ત્રી-પુરુષ, શિક્ષિત-અશિક્ષિત, ઝાડ-પાન, જમીન-પાણી વગેરે. આ બધાંમાં ક્યાંય સમાનતા કે સરખાપણું નથી; પણ આવી ભિન્નતાથી જ સંપૂર્ણ સૃષ્ટિ આકાર પામે છે. લમ્લે જણાવે છે : વિભેદીકરણ એવી પ્રક્રિયા છે, જેનાથી વ્યક્તિઓ અને જૂથોની વિભિન્નતાઓનો સ્વીકાર થાય છે; જેને એકસાથે રાખવાથી ઑરકેસ્ટ્રાનાં જુદાં જુદાં વાદ્યોની જેમ એક પૂર્ણ અને સંવાદિતાસભર સંપૂર્ણ સમાજની રચના થાય છે.

પ્રસ્તુત સમજૂતીને આધારે વિભેદીકરણની કેટલીક લાક્ષણિકતાઓ તારવી શકાય : વિભેદીકરણ એક તટસ્થ ખ્યાલ છે; તેમાં ચડિયાતા કે ઊતરતાપણાનો ભાવ નથી હોતો.

વિભેદીકરણ ચેતનપ્રક્રિયા છે; એટલે કે, સમાજની દરેક વ્યક્તિ વિભેદીકરણ પરત્વે જાગ્રત છે. સામાજિક વિભેદીકરણનું નિર્ધારણ લિંગ, વય વગેરે જેવા સ્પષ્ટ આધારોથી થાય છે. આ આધારે વ્યક્તિઓમાં પારસ્પરિક ભેદ કરી શકાય છે. સામાજિક વિભેદીકરણ અવૈયક્તિક છે; કેમ કે, તેમાં જુદા જુદા આધારે માત્ર ભેદ કે ભિન્નતા સ્પષ્ટ થાય છે, વિરોધ કે સંઘર્ષ નહિ. વિભેદીકરણ એ આદિકાળથી બધા જ સમાજોમાં જોવા મળતી સાર્વભૌમિક પ્રક્રિયા છે.

વિભેદીકરણનાં બે સ્વરૂપો છે : વ્યક્તિગત અને સામાજિક. જ્યારે વ્યક્તિઓની વચ્ચે રંગ, રૂપ, દેખાવ, લિંગ, વય વગેરેને આધારે ભેદ કે જુદાપણું જોવા મળે ત્યારે તેને વ્યક્તિગત વિભેદીકરણ કહે છે અને જ્યારે ધર્મ, સંસ્કૃતિ, રુચિ, પસંદગી, આર્થિક-સામાજિક સ્થિતિ, રાજનૈતિક સત્તા અને પદ કે હોદ્દાને આધારે ભેદ કે જુદાપણું જોવા મળે ત્યારે તેને સામાજિક વિભેદીકરણ કહે છે.

સામાજિક વિભેદીકરણનાં બે સ્વરૂપ છે : (1) સમૂહની અંદરનું (intra-group) અને (2) સમૂહ-સમૂહ વચ્ચેનું (inter-group).

સમૂહની અંદરનું વિભેદીકરણ સમગ્ર સમૂહનું પેટા-સમૂહમાં થયેલા વિભાજનનું સૂચન કરે છે, એટલે કે તે એક જ જૂથનું કાર્યોને આધારે પેટાજૂથમાં કરાયેલું વિભાજન છે; જેમ કે, સરકારના કે યુનિવર્સિટીના જુદા જુદા વિભાગો. આ સમૂહની અંદરનું વિભેદીકરણ છે; પરંતુ જ્યારે કેટલાંક ઉપજૂથોને ચઢતો-ઊતરતો ક્રમ આપવામાં આવે ત્યારે તે સમૂહની અંદરનું સ્તરીકરણ (intra-group stratification) બને છે.

સમૂહ સમૂહ વચ્ચે(inter-group)ના વિભેદીકરણમાં સમગ્ર માનવજાત નાનાં-મોટાં અનેક જૂથોમાં વિભાજિત થઈ હોવાની વાત અભિપ્રેત છે. તે લાખો સંગઠિત કે અર્ધ-સંગઠિત સંગઠનોનું સૂચન કરે છે. તેમાં નાનાંમાં નાનાં સ્થાનિક જૂથોથી શરૂ કરીને રાષ્ટ્રીય કે આંતર-રાષ્ટ્રીય કક્ષાનાં જૂથો કે સંગઠનોનો સમાવેશ થઈ શકે. આવાં જૂથોમાં દરેક વ્યક્તિ પોતાનું કામ કરે છે. દરેકનું કામ અન્યથી જુદું કે ભિન્ન હોય છે. આથી તેમાં જુદાપણું હોય છે, પણ કાર્યોમાં કે કાર્ય કરનારાંઓમાં ચઢિયાતા કે ઊતરતાપણાનો ભાવ હોતો નથી. જ્યારે તેમાં આ સામાજિક અસમાનતાનો ભાવ જોડાય અને તેથી કોટિક્રમ પ્રવેશે તો તેને સ્તરીકરણ (stratification) કહી શકાય. આ રીતે સામાજિક વિભેદીકરણ વધારે વ્યાપક વિભાવના છે; પણ એક અગત્યની સામાજિક વિભાવના તરીકે સામાજિક સ્તરીકરણનો ખ્યાલ અસ્તિત્વ ધરાવે છે.

સામાજિક સ્તરીકરણ (social stratification) : સ્તરીકરણ સ્તરોની રચના-ગોઠવણી છે. ‘સ્તર’ એટલે પડ, થર. મૂળભૂત રીતે આ શબ્દ ભૂગર્ભશાસ્ત્ર(geology)નો છે. પૃથ્વીમાં માટી, રેતી અને તેના થરો એકબીજાની ઉપર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે એ પ્રાકૃતિક/સ્વાભાવિક ગોઠવણી છે. જ્યારે સ્તરીકરણ એ માનવે જગતની જુદી જુદી બાબતોને કોટિક્રમિક રીતે વિભાજિત કરવાની સભાનપણે વિકસાવેલી અને અપનાવેલી પ્રક્રિયા છે; જેમ કે, કેરી, કેળાં, ચીકુ, જામફળ વગેરે બધાં જ ફળો છે. દરેક અન્યથી જુદું છે. આથી તેમાં વિભેદીકરણ સ્પષ્ટ છે; પરંતુ જ્યારે કેરીને ફળોનો રાજા કહેવામાં આવે ત્યારે સમાજના લોકો કેરીને અન્ય ફળો કરતાં કોટિક્રમમાં ઊંચી ગણે છે. ધાતુના ક્રમમાં ચાંદીને સોના કરતાં હલકી અને પ્લૅટિનમને સોના કરતાં કીમતી ધાતુ ગણાવવામાં આવે છે. આવી કોટિક્રમિક ગોઠવણી એ સ્તરીકરણ છે.

જ્યારે સમાજમાં અને તેના સભ્યોમાં સભાનતાપૂર્વક કોટિક્રમો વિકસાવવામાં અને અપનાવવામાં આવે ત્યારે તેને સામાજિક સ્તરીકરણ કહે છે. તદ્દન આદિસમાજને બાદ કરતાં વિશ્વના બધા જ સમાજોમાં સ્તરીકરણ જોવા મળે છે. આથી કહી શકાય કે કોઈ પણ સમાજમાં બધા જ લોકો એકબીજાથી ભિન્નતા ધરાવે છે અને એક જ કક્ષાનો સામાજિક મોભો ધરાવતા નથી. સ્તરીકરણ પણ વિભેદીકરણની જેમ સમગ્ર સમાજને જુદાં જુદાં જૂથોમાં વિભાજિત કરવાની પ્રક્રિયા છે. બંને એકબીજાંને પૂરક છે, છતાં બંને વચ્ચે ભિન્નતા છે; જેમ કે :

વિભેદીકરણ સ્વયંજનિત છે. તે સ્વાભાવિક રીતે ઉદ્ભવે છે. જ્યારે સ્તરીકરણ સભાનતાપૂર્વક ઉદ્ભાવેલી અને સ્વીકારેલી પ્રક્રિયા છે. વળી વિભેદીકરણમાં વ્યક્તિઓ કે સમૂહો વચ્ચે માત્ર જુદાપણું જ જણાય છે, જ્યારે સ્તરીકરણમાં જુદાપણાની સાથે ઊંચા-નીચા સ્થાનની સભાનતા પણ જોવા મળે છે.

સામાજિક વિભેદીકરણ સરળ પ્રક્રિયા છે. એ અપેક્ષાએ સ્તરીકરણ જટિલ પ્રક્રિયા છે; કેમ કે, ઉચ્ચતા-નિમ્નતા કે સામાજિક પ્રતિષ્ઠાના ખ્યાલો સમાજે સમાજે જુદા હોઈ શકે; આથી તેને વૈયક્તિક પ્રક્રિયા પણ કહે છે.

વિભેદીકરણની પ્રક્રિયા પહેલાં પ્રકાશમાં આવી; સ્તરીકરણનો ઊગમ પાછળથી થયો છે.

આ બંને ખ્યાલોને પ્રસ્તુત ચિત્રથી સવિશેષ સમજી શકાશે :

સામાજિક વિભેદીકરણ :

સામાજિક સ્તરીકરણ :

­­

માનવ-સભ્યતા તેમજ સમાજના વિકાસની સાથે સામાજિક અસમાનતા વધતી ગઈ અને આખો માનવ-સમાજ ઉચ્ચ અને નિમ્ન એવા અસમાનતાસભર સ્તરોમાં વિભાજિત થતો ગયો. આમ, અસમાનતા તેમજ સરસાઈ અને તાબેદારી સ્તરીકરણનું હાર્દ છે.

સામાજિક સ્તરીકરણ માટે બે મંતવ્યો પ્રચલિત છે : એક મત મુજબ સ્તરીકરણ કુદરતી છે; કેમ કે, બધી વ્યક્તિઓ એકસરખી શક્તિ અને આવડત ધરાવતી હોતી નથી અને સમાજ વ્યક્તિને તેની શક્તિ અને આવડત મુજબ સ્થાન, દરજ્જો અને બદલો આપે છે. આવા જુદા જુદા દરજ્જાઓની ગોઠવણીમાંથી સ્તરીકરણ જન્મે છે. જ્યારે બીજા મત મુજબ સ્તરીકરણ કૃત્રિમ છે. તેઓના મતે જન્મસમયે દરેક માનવી સરખો હોય છે. તેની પાસે લગભગ સમાન શક્તિ હોય છે; પરંતુ ત્યાર પછી દરેકને સમાન તક કે વારસો ન મળતાં સરસાઈ અને તાબેદારીની વિશેષતા ધરાવતું સ્તરીકરણ જન્મે છે. સમાજશાસ્ત્રીઓના મત મુજબ સ્તરીકરણ કુદરતી છે અને તેના પર કૃત્રિમ પરિબળોની અસર પડતી હોય છે.

સામાજિક સ્તરીકરણને અનુલક્ષીને કહી શકાય કે દરેક સમાજમાં વ્યક્તિ અને જૂથનું મૂલ્યાંકન કરવા માટેના માપદંડો હોય છે અને આ માપદંડોને આધારે જે તે સમાજ તેના સભ્યોને જુદા જુદા વિભાગોમાં વહેંચે છે. કોઈ પણ એક વિભાગમાં સમાન લાક્ષણિકતાઓ અને સમાન હિતો ધરાવનારી વ્યક્તિઓ હોય છે. તેઓનો એક સ્તર બને છે. આવા અનેક સ્તરો અસ્તિત્વમાં આવે છે. આ અનેક સ્તરોની ચઢતા-ઊતરતા ક્રમમાં ગોઠવણી થાય છે; તે સ્તરીકરણ તરીકે ઓળખાય છે. અહીં એક બાબતની સ્પષ્ટતા જરૂરી છે કે સ્તરીકરણ માટે સમૂહમાં સ્થિરતા હોવી જરૂરી છે. થોડા સમય માટે એકઠા થયેલો લોકોનો સમૂહ એકસરખી લાક્ષણિકતાઓ કે સમાન હિતો ધરાવતો હોય તોપણ તે જૂથમાં સ્તરીકરણ નથી ઉદ્ભવતું.

ટાલકોટ પાર્સન્સના જણાવવા મુજબ કોઈ પણ સમાજ-વ્યવસ્થામાં વ્યક્તિઓને ઉચ્ચ કે નિમ્ન ક્રમાંકમાં વિભાજિત કરવા એ જ સ્તરીકરણ છે. સ્તરીકરણમાં કેટલીક વ્યક્તિઓ કે જૂથોને બીજી વ્યક્તિઓ કે જૂથોની તુલનામાં ઊંચું કે નીચું સ્થાન પ્રાપ્ત થાય છે. આથી તેમાં ઉચ્ચતા કે નિમ્નતાના ભેદ પર રચાયેલા જુદા જુદા સ્તરોનું અસ્તિત્વ સ્પષ્ટ છે અને અનેક સ્તરના સભ્યોના અધિકારો, ફરજો તેમજ તેને આપવામાં આવતા ભૌતિક કે અભૌતિક બદલામાં અસમાનતા હોય છે.

વિશ્વના બધા જ સમાજોમાં, નરી અસમાનતાનું સૂચન કરતી સ્તરીકરણની વ્યવસ્થા અપવાદ વગર જોવા મળે છે. તેના આધારો અલગ અલગ હોય છે. વેબર, સોરોકિન જેવા સમાજશાસ્ત્રીઓ સ્તરીકરણ માટે આર્થિક, રાજનૈતિક અને વ્યાવસાયિક આધારોને મહત્વના ગણાવે છે તો કાર્લ માર્કસ માત્ર આર્થિક આધારને જ મહત્વનો ગણાવે છે. યલકોટ પાર્સન્સ સ્તરીકરણ માટે માલિકી કે કબજા(possession)ને, ગુણો કે વિશેષતાઓ(qualities)ને અને કામગીરી(performance)ને મહત્વના આધારો ગણાવે છે.

સ્તરીકરણના બધા જ આધારોને મુખ્યત્વે બે ભાગોમાં વહેંચી શકાય : જૈવશાસ્ત્રીય આધારો (biological bases) અને સામાજિક-સાંસ્કૃતિક આધારો (socio-cultural bases).

જ્યારે સમાજમાં વ્યક્તિ કે જૂથના સ્તરનું કે ઊંચા-નીચા સ્થાનનું નિર્ધારણ લિંગ, વય, જાતિ, જન્મ કે શારીરિક-બૌદ્ધિક કુશળતાને આધારે થાય છે ત્યારે તેને જૈવશાસ્ત્રીય આધારે થયેલું સ્તરીકરણ કહે છે અને જ્યારે વ્યક્તિ કે જૂથના સ્તરનું નિર્ધારણ સંપત્તિ, વ્યવસાય, ધર્મ, રાજનૈતિક શક્તિ વગેરે જેવાં બળોને આધારે થાય છે ત્યારે તેને સામાજિક-સાંસ્કૃતિક આધારે થયેલું સ્તરીકરણ કહે છે.

આ દરેક આધારો જે તે સમાજની પોતાની પરંપરા, પ્રથા, સાંસ્કૃતિક મૂલ્યો તેમજ સંસ્થાઓનાં સ્વરૂપો દ્વારા દોરાય છે. સામાન્ય રીતે સરળ અને પરંપરાગત સમાજ-વ્યવસ્થામાં સ્તરીકરણનાં જૈવ-શાસ્ત્રીય સ્વરૂપો બળવત્તર હોય છે જ્યારે આધુનિક સમયમાં જોવા મળતી જટિલ સમાજ-વ્યવસ્થામાં સ્તરીકરણનાં જુદાં જુદાં સ્વરૂપો માટે સામાજિક-સાંસ્કૃતિક આધારો મહત્વના બને છે.

સામાજિક સ્તરીકરણનાં મુખ્ય બે સ્વરૂપો (forms) કે પ્રકારો (types) પ્રચલિત છે : બંધ સ્તરીકરણ અને ખુલ્લું સ્તરીકરણ.

જે સમાજમાં વ્યક્તિ કે જૂથના સ્તરનું નિર્ધારણ જન્મ કે આનુવંશિક બળોને આધારે થતું હોય, જેનું સભ્યપદ આજીવન બદલી શકાતું ન હોય એટલે કે જેમાં એકથી બીજા જૂથનું સભ્યપદ કે એકથી બીજું સ્તર-જૂથ મેળવવું શક્ય ન હોય તેવા સમાજોમાં બંધ સ્તરીકરણ છે તેમ કહી શકાય. એટલે કે આવી સમાજ-વ્યવસ્થામાં સમાજ સંપૂર્ણપણે બંધ-સ્તર-જૂથોમાં વહેંચાયેલો હોય છે; દા.ત., ભારતની જ્ઞાતિ-વ્યવસ્થા, અમેરિકાની કેટલીક જનજાતિઓની વ્યવસ્થા, મુસ્લિમો અને કેટલાક ખ્રિસ્તીઓ. આવું સ્તરીકરણ ધરાવતા સમાજોમાં જુદા જુદા સ્તર-સમૂહો કે જાતિઓના ઉતાર-ચઢાવની ખાસ રીત ઊભી થયેલી હોય છે. એક જાતિ અન્યના પ્રમાણમાં ઊંચી કે નીચી હોય છે અને તેમાં જુદા જુદા સ્તર-જૂથના અધિકારો, જવાબદારીઓ અને કાર્યો એકબીજાંથી જુદાં હોય છે.

ખુલ્લા સ્તરીકરણમાં જુદાં જુદાં સ્તર-જૂથોના સભ્યપદનો આધાર વ્યક્તિનાં ગુણ, તેની યોગ્યતા અને ઉપલબ્ધિ હોય છે. વ્યક્તિ પોતાનાં ગુણો, યોગ્યતા અને પુરુષાર્થના આધારે ઉપલબ્ધિઓ વધારતી રહે છે અને અગાઉ કરતાં ઉચ્ચ સ્તર-સમૂહમાં સભ્યપદ મેળવતી રહે છે. તેથી વિરુદ્ધ જો વ્યક્તિ યોગ્યતા ગુમાવે તો તેણે નિમ્ન સ્તરે જવું પડે છે. ટૂંકમાં, તેમાં સ્તર-બદલાવને અવકાશ છે અને તેમાં ખુલ્લાપણું (openness) જોવા મળે છે. આથી તેને ખુલ્લું સ્તરીકરણ કહે છે; દા.ત., વર્ગ-વ્યવસ્થા, જેમાં વ્યક્તિ કે જૂથની આર્થિક સ્થિતિ, સત્તા કે શક્તિ તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે મેળવેલી ઉપલબ્ધિઓ વ્યક્તિની વર્ગીય સ્થિતિને ઊંચે ઉઠાવવામાં કે નીચે લઈ જવામાં ભાગ ભજવે છે. પશ્ચિમના દેશોમાં આ પ્રકારનું સ્તરીકરણ જોવા મળે છે. જે સમાજોમાં ખુલ્લું સ્તરીકરણ છે ત્યાં સામાજિક ગતિશીલતા વધારે હોય છે.

હમેશાં સમાનતા માટે લડતા આવેલા માનવે અસમાનતા સૂચવતા સ્તરીકરણને સ્વીકાર્યું છે; કેમ કે, સ્તરીકરણનું કાર્યાત્મક મહત્વ છે. સમાજશાસ્ત્રીઓએ એ અંગેના કાર્યાત્મક સિદ્ધાંતો પણ આપ્યા છે, જે તેનાં વિકાર્યો (dysfunctions) છે; પરંતુ સમયના સંદર્ભમાં સ્તરીકરણમાં આવતાં પરિવર્તનો તેનાં વિકાર્યોને હળવાં બનાવે છે. બાકી સ્તરીકરણની અનિવાર્યતા દરેક સમાજે સ્વીકારી છે. સ્તરીકરણને કૃત્રિમ વ્યવસ્થા ગણાવનાર કાર્લ માર્કસે પણ માનવ-માનવ વચ્ચેના શારીરિક, માનસિક, બૌદ્ધિક તફાવતોને સ્વીકાર્યા છે. સામાજિક સ્તરીકરણની અનિવાર્યતાને માનવની પાંચ આંગળીઓના રૂપકથી વધારે સ્પષ્ટ કરી શકાય; પાંચેય આંગળીઓમાં સૌથી નાની ટચલી આંગળીનું પણ મહત્વ છે; તે રીતે સામાજિક વ્યવસ્થામાં પ્રત્યેક સ્તરનું આગવું વિશિષ્ટ સ્થાન અને મહત્વ છે. આથી જ સ્તરીકરણની સાર્વત્રિકતાનો સ્વીકાર થયો છે.

નલિની કિશોર ત્રિવેદી