સામાજિક વર્ગ (social class) : સામાજિક સ્તરીકરણનો એક મહત્વનો આધાર. વિશ્વના પ્રત્યેક સમાજમાં પ્રત્યેક સમયે વર્ગો જોવા મળ્યા છે. પ્રાચીન સમયથી વય, લિંગ, શિક્ષણ, આવક, વ્યવસાય, ધર્મ વગેરેને આધારે વર્ગો બનતા રહ્યા છે અને સમાજનું સ્તરીકરણ બાળક, યુવાન, પ્રૌઢ અને વૃદ્ધ, સ્ત્રી-પુરુષ, શિક્ષિત-અશિક્ષિત, ગરીબ-અમીર, ખેડૂત, વેપારી, શિક્ષક, ક્લાર્ક, અધિકારી વગેરે વર્ગોમાં થતું રહ્યું છે. એ રીતે વર્ગ એવી વ્યક્તિઓનો સમૂહ છે કે જેનો સમાન સામાજિક દરજ્જો (social status) હોય છે. સમાજમાં અનેક દરજ્જાઓ જોવા મળે છે અને એ મુજબ અનેક વર્ગો પણ હોય છે. જન્મ સિવાયના કોઈ પણ આધારે જ્યારે સમાજને જુદાં જુદાં જૂથોમાં વિભાજિત કરવામાં આવે છે ત્યારે એ દરેક જૂથને એક સામાજિક વર્ગ કહેવામાં આવે છે.
સમાજશાસ્ત્રમાં સામાજિક વર્ગનો અભ્યાસ સ્તરીકરણ અને સામાજિક વિભેદીકરણના સંદર્ભમાં કરવામાં આવે છે. સામાન્ય રીતે સામાજિક વર્ગને આર્થિક આધારે સમજાવવામાં આવતો હોય છે; પરંતુ સામાજિક વર્ગ આર્થિક સમૂહથી કંઈક વિશેષ છે. તેને સામાજિક અને સાંસ્કૃતિક આધારો પર પણ સમજાવી શકાય છે.
સામાજિક વર્ગ સમાજમાં સમાન સામાજિક સ્થિતિ ધરાવતી વ્યક્તિઓનું એક જૂથ છે. સમાજમાં આવા અનેક વર્ગો હોય છે. કોઈ એક વર્ગ જે તે સમાજનો એવો ભાગ છે જેને તેના સામાજિક સ્થાનને આધારે બીજાથી અલગ કરી શકાય છે કે અલગ દર્શાવી શકાય છે. આ રીતે એક સામાજિક વર્ગ એક વિશિષ્ટ સ્તર છે, જેનું સમાજમાં ખાસ સ્થાન કે દરજ્જો (status) હોય છે. આ ખાસ સ્થાન જ બીજાં જૂથો સાથેનો તેનો સંબંધ નિર્ધારિત કરે છે. આમ સરખા સામાજિક દરજ્જાવાળાં જૂથો જ સમાજમાં સામાજિક વર્ગોનું નિર્માણ કરે છે.
સમાજશાસ્ત્રીઓ સામાજિક વર્ગની સમજૂતી સાંસ્કૃતિક આધારે પણ આપે છે. એ રીતે એક સામાજિક વર્ગ એવી વ્યક્તિઓનું જૂથ છે કે જે ધંધો-વ્યવસાય, સંપત્તિ, શિક્ષણ, જીવન-શૈલી, વિચારો, ભાવનાઓ, મનોવૃત્તિઓ અને વ્યવહારોમાં એકબીજા સાથે સમાનતા ધરાવે છે અથવા તો આમાંના કોઈ પણ આધારે એકબીજા સાથે સમાનતા હોવાનું અનુભવે છે, તેમજ તેઓ પોતાને એક જ સમૂહના સભ્યો સમજે છે. એક વર્ગમાં આવતા લોકોને લગભગ એકસરખી સત્તા, સુવિધાઓ અને સન્માન મળતું હોય છે. ટૂંકમાં, એક વર્ગમાં આવતા લોકોની સાંસ્કૃતિક વિશેષતાઓ સરખી હોય છે.
સામાજિક વર્ગના આર્થિક આધારોને લક્ષમાં રાખીને કહી શકાય કે જેની આર્થિક સ્થિતિ લગભગ સરખી હોય તે બધા એક વર્ગના ગણાય છે. કાર્લ માર્કસે જણાવ્યું છે કે વ્યક્તિ સામાજિક પ્રાણી હોવાની સાથે વર્ગ-પ્રાણી પણ છે કેમ કે આજીવિકાનાં જુદાં જુદાં સાધનોને લીધે માણસ જુદા જુદા વર્ગોમાં વિભાજિત થઈ જાય છે. આમ એક સામાજિક વર્ગને તેના ઉત્પાદનનાં સાધનો અને સંપત્તિના વિતરણ ઉપરાંત તેના સંબંધોના સંદર્ભમાં જ વ્યાખ્યાયિત કરી શકાય છે.
દરેક સમાજમાં જુદા જુદા વર્ગો કોટિક્રમિક ગોઠવાયેલા હોય છે અને ચડતા-ઊતરતા સ્થાનને આધારે જે તે વર્ગના સભ્યો સત્તા, પ્રતિષ્ઠા અને સુવિધાઓ પ્રાપ્ત કરે છે. એક વર્ગમાં આવતા લોકોનો સામાજિક દરજ્જો એકસરખો હોય છે. અલબત્ત, દરજ્જા-નિર્ધારણના આધારો જુદા જુદા હોઈ શકે. જો આર્થિક આધારોનું મહત્વ હોય તો જેની પાસે વધારે સંપત્તિ હોય તે જૂથ/વર્ગ ઊંચો દરજ્જો ધરાવે છે તેમજ શિક્ષણના આધારે શિક્ષિતો અને અશિક્ષિતોનો દરજ્જો જુદો જુદો હોય છે. વર્ગ-દરજ્જાનો આધાર કોઈ પણ હોય; પરંતુ એક વર્ગના સભ્યો બીજા વર્ગના સભ્યો પરત્વે ઊંચાપણાની કે નીચાપણા(superiority or inferiority)ની ભાવના ધરાવતા હોય છે. એ અપેક્ષાએ સરખા/સમાન દરજ્જાધારીઓમાં અમેપણા(ourness)ની ભાવના પ્રવર્તતી હોય છે અને તેઓમાં વર્ગ-ચેતના પણ જોવા મળે છે, જે તેઓના વ્યવહારોમાં અને પારસ્પરિક સંબંધોમાં વ્યક્ત થતી રહે છે.
સામાન્ય રીતે પ્રત્યેક વર્ગ પોતાનાં હિતોની રક્ષા માટે પારસ્પરિક સહયોગ કરે છે અને અન્ય વર્ગોની સામે પ્રતિસ્પર્ધા પણ કરે છે. અલબત્ત, એક વર્ગના લોકોના સામાજિક સંબંધો મહદંશે પોતાના વર્ગ પૂરતા સીમિત હોય છે. તેઓની જીવન જીવવાની ઢબ એકસરખી હોય છે અને તે અન્ય વર્ગો સાથેના વ્યવહારમાં અંતર(gap)ને જાળવે છે. છતાં, વર્ગ-વ્યવસ્થા મુક્ત વ્યવસ્થા (open system) છે. અર્થાત્, એક વર્ગની વ્યક્તિ અન્ય વર્ગમાં પ્રવેશી શકે છે. કોઈ વ્યક્તિ વધારે ધન કમાઈને ઉચ્ચ વર્ગનું સભ્યપદ મેળવી શકે છે. વ્યક્તિની રહેણીકરણી, રહેઠાણ અને તેનો વિસ્તાર, શિક્ષણ, આવક, બોલચાલની ઢબ વગેરે દ્વારા તેનો વર્ગદરજ્જો જાણી શકાય છે. એ રીતે વર્ગનું સભ્યપદ જન્મથી નથી મળતું; પરંતુ તે પ્રાપ્ત (achieved) કરી શકાય છે. આમ, વર્ગ-વ્યવસ્થા પરિવર્તનશીલ છે. જોકે, વર્ગપરિવર્તન લાંબા ગાળાની પ્રક્રિયા છે; કેમ કે, પ્રત્યેક વર્ગમાં પણ અનેક ઉપવર્ગો હોય છે; જેમ કે, મધ્યમ વર્ગની વાત કરીએ તો તેમાં જ ઉચ્ચ-મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ અને નિમ્ન-મધ્યમ વર્ગ વગેરે જોવા મળે છે અને પરિવર્તન પણ આવી કક્ષાઓમાં આવતું હોય છે. મૅક્સવેબરના મંતવ્યાનુસાર એક વર્ગમાં લોકોને સમાન તક અને સુવિધાઓ પ્રાપ્ત થાય છે; જેમ કે, ગરીબવર્ગને મજૂરી કરવાની અને સંપન્ન વર્ગને ઉદ્યોગ-ધંધા સ્થાપવાની તક મળે છે. આમ, તેમાં અસમાનતા સ્પષ્ટ છે, છતાં, તેની અનિવાર્યતા છે. વ્યક્તિઓમાં જોવા મળતી ભિન્નતાઓ સમાજની વર્ગ-વ્યવસ્થાને સહજ રીતે જન્માવે છે અને સમાન લાક્ષણિકતાઓ ધરાવતો એક સ્તર કે સમૂહ એક સામાજિક વર્ગ કહેવાય છે.
વિશ્વભરમાં વર્ગ-વિભાજનના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક આધારો છે. એ રીતે સંપત્તિ, ધન અને આવક (property, wealth and income) તેનો મુખ્ય આધાર છે; પણ એ ઉપરાંત વ્યક્તિની પારિવારિક સ્થિતિ તેમજ તેનાં સગાં-સંબંધીઓનો સામાજિક દરજ્જો વગેરે પણ મહત્વનો આધાર ગણાય છે; દા.ત., ભારતમાં રતનજી તાતા, બિરલા કે ગાંધી ખાનદાનમાં જન્મેલી વ્યક્તિઓને શંકા ઉઠાવ્યા વગર ઉચ્ચ વર્ગના ગણવામાં આવે છે. આ ઉપરાંત વ્યક્તિ કયા વિસ્તારમાં રહે છે, તેની આસપાસના અને નજીકના પડોશીઓનું સ્તર કેવું છે એ બાબત પણ વ્યક્તિના વર્ગ-નિર્ધારણમાં મહત્વની બને છે. આ સિવાય વ્યક્તિની વ્યાવસાયિક સ્થિતિ, ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રી તેમજ વ્યક્તિની ધાર્મિક સ્થિતિ પણ વર્ગ નક્કી કરવામાં ફાળો આપે છે. પરંપરાગત સમાજમાં ધાર્મિક ક્રિયાકાંડો કરાવનાર પુરોહિતોને સમાજમાં ઊંચી પ્રતિષ્ઠા મળતી રહી છે. ભારતીય સમાજમાં પ્રાચીન સમયથી ઋષિ-મુનિઓ અને યોગીઓને સન્માન અને આદર પ્રાપ્ત થતાં રહ્યાં છે. તેઓ હંમેશાં ઉચ્ચ વર્ગના સભ્યો જ ગણાતા આવ્યા છે.
ટૂંકમાં, વર્ગ એ સમાજની સ્તર-રચનાનો આધાર છે અને વર્ગનો આધાર વ્યક્તિની ધન, સંપત્તિ અને આવકપ્રાપ્તિની ક્ષમતા, તેનો વ્યવસાય, શિક્ષણ, જીવન-સ્તર, સામાજિક-સાંસ્કૃતિક ઢબ વગેરે છે. આવી ઢબ સમાજના બધા સભ્યો એકસરખી મેળવી શકતા નથી. તેઓ પોતાની શક્તિ અને ક્ષમતા મુજબ એ મેળવે છે, તેમાંથી જ અસમાનતા જન્મે છે. આમ, સામાજિક વર્ગો નરી અસમાનતાનું સૂચન કરે છે; છતાં, દરેક સમાજમાં અનિવાર્યપણે એ જોવા મળે છે.
નલિની કિશોર ત્રિવેદી