સામાજિક પરિવર્તન (social change) : સમાજમાં આવતું પરિવર્તન. પરિવર્તન કોઈ પણ ક્રિયા, વસ્તુ કે ઘટનાની અગાઉની સ્થિતિમાં બદલાવ સૂચવે છે. આમ, કોઈક બાબતને અનુલક્ષીને બે સમયગાળામાં જોવા મળતું જુદાપણું એ પરિવર્તન છે. પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે. તે દરેક સમાજમાં દરેક સમયે અપવાદ વગર જોવા મળે છે. પરિવર્તનનાં કારણો જુદાં જુદાં હોઈ શકે છે અને એ મુજબ તેની ગતિ અને દિશા નક્કી થાય છે; પણ પરિવર્તન વગરનો કોઈ સમાજ હોતો નથી. લોકો પણ પરિવર્તન ઇચ્છે છે, આથી કેટલાક દાખલાઓમાં આયોજિત પ્રયાસો દ્વારા પરિવર્તન લાવવામાં આવે છે.

પરિવર્તન કુદરતનો અપરિવર્તનશીલ નિયમ છે. માનવ-સમાજ પણ પ્રકૃતિનો જ એક ભાગ હોવાથી માનવ-સમાજમાં આવતું સામાજિક પરિવર્તન કુદરતી કે સ્વાભાવિક છે. માનવ-જીવન આરંભથી જ સામાજિક રહ્યું છે; તેથી સમાજ કે સામાજિક જીવનમાં, તેના સ્વરૂપ, સંગઠન અર્થાત્ રચના અને કાર્ય, વ્યવસ્થા, સંસ્થાઓ, મૂલ્યો, આદર્શો, વ્યક્તિઓ તથા તેમનાં વલણો વગેરેમાં આવેલું અને આવતું પરિવર્તન સામાજિક છે. એ રીતે સામાજિક પરિવર્તન સમાજની માન્ય જીવનરીતિઓમાં આવતું પરિવર્તન છે. પછી આ પરિવર્તન ભૌગોલિક સ્થિતિના બદલાવથી કે નવાં સાધનો કે નવી શોધોને અપનાવવાથી કે વસ્તીની રચના કે એ અંગેની વિચારધારાના પરિવર્તનને લીધે કે સંચાર-માધ્યમોના વ્યાપક પ્રસારને કારણે આવ્યું હોય, પણ જો આવો ફેરફાર સમાજમાં પરિવર્તન સૂચવતો હોય તો તે સામાજિક પરિવર્તન કહેવાય છે. આની સાથે જ્યારે માનવીની સામાજિક ક્રિયા-પ્રતિક્રિયામાં, સામાજિક સંબંધોની ઢબમાં ફરક પડે ત્યારે પણ તેને સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે. માનવવર્તન ક્યારેય એકસરખું રહેતું નથી. આજના માનવીની સામાજિક ક્રિયાઓ એના પૂર્વજોથી જુદી છે. જ્યારે માનવ-વ્યવહારો બદલાવા માંડે છે, ત્યારે સામાજિક પરિવર્તન થઈ રહ્યું હોવાનું કહેવાય છે. ટૂંકમાં, સામાજિક પરિવર્તન સામાજિક રચના અને કાર્યમાં આવતું પરિવર્તન છે, સામાજિક પરિવર્તનને સમાજ સમગ્ર કે સમાજના મોટાભાગના લોકોની જીવન-પ્રણાલીમાં આવતા પરિવર્તન સાથે સંબંધ છે અને સામાજિક પરિવર્તનને માનવના સામાજિક સંબંધોમાં આવતા પરિવર્તન સાથે સંબંધ છે.

વિશ્વના પ્રત્યેક સમાજમાં સામાજિક પરિવર્તન જોવા મળે છે. આથી તે સાર્વત્રિક પ્રક્રિયા છે. વળી સામાજિક પરિવર્તનને કોઈ વ્યક્તિગત કે નાના-મોટા જૂથ, સંસ્થા કે જાતિમાં આવતા પરિવર્તન સાથે નહિ; પરંતુ સમગ્ર સમુદાય કે સમાજમાં આવતા પરિવર્તન સાથે સંબંધ છે. ઘણી વખત તો અનિચ્છા છતાં પરિવર્તનને રોકી શકાતું નથી; કેમ કે, પરિવર્તન સ્વાભાવિક (Natural) પ્રક્રિયા છે. તેની ગતિ અસમાન કે સાપેક્ષ/તુલનાત્મક હોય છે; કેમ કે, પરિવર્તનને અસર કરતાં પરિબળો એકસરખાં કાર્યાત્મક કે અસરકારક નથી હોતાં. આથી જુદા જુદા સમાજમાં જુદા જુદા સમયમાં અને ક્યારેક તો એક જ સમાજમાં એક જ સમયગાળામાં પરિવર્તનની ગતિ જુદી જુદી હોય છે અને તેની તુલના પણ થઈ શકે છે; દા. ત., ભારતીય અને પશ્ચિમના સમાજમાં. ભારતીય સમાજમાં પણ સ્વતંત્રતા મળ્યા પહેલાંના સમયમાં અને સ્વતંત્રતા મળ્યા પછીના સમયગાળામાં, તેમજ કોઈ એક જ સમય-ગાળામાં ભારતના ગ્રામસમાજમાં અને નગરસમાજમાં પરિવર્તનની ગતિ જુદી જુદી માલૂમ પડે છે. આ રીતે આવેલાં અને આવતાં પરિવર્તનોની તુલના પણ થઈ શકે છે. સામાજિક પરિવર્તન ગુણાત્મક હોય છે. સમાજમાં પ્રવર્તતી કોઈ એક પરિસ્થિતિનો બદલાવ અન્યમાં પરિવર્તન લાવે છે. આ બદલાવ કે પરિવર્તન ક્યારેક ઇચ્છનીય તો ક્યારેક અનિચ્છનીય હોય છે; પરંતુ જ્યાં સુધી સમાજને તેનો ખ્યાલ નથી આવતો ત્યાં સુધી તેની જે તે અસરો ચાલુ રહેતી હોય છે; દા.ત., ઔદ્યોગિકીકરણથી સર્જાયેલું શહેરીકરણ કે ટેલિવિઝનની સામાજિક સંબંધો પર પડતી અસરો. આમ છતાં સમાજના લોકો સામાજિક પરિવર્તન ઇચ્છે છે, ક્યારેક તો તેની રાહ જુએ છે; કેમ કે, સમયના વહેણમાં બદલાતી જરૂરિયાતો, વલણો, ટેવો વગેરેને અનુલક્ષીને સમાજમાં પરિવર્તન આવે તે તેઓને અનિવાર્ય લાગે છે. આથી ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આયોજન પણ કરવામાં આવે છે. આમ છતાં સમાજમાં કેવાં પરિવર્તનો આવશે એ અંગેની આગાહી કરી શકાતી નથી કારણ કે ઘણી વાર આકસ્મિક કારણોથી આવતાં પરિવર્તનોનો અંદાજ આવી શકતો નથી. સામાજિક પરિવર્તનની આ લાક્ષણિકતાઓ છે.

આધુનિક સમાજમાં જોવા મળતું સામાજિક પરિવર્તન પ્રમાણમાં ઝડપી છે અને સામાજિક રચનાના કોઈ ને કોઈ ભાગમાં ચોક્કસપણે સર્જાતું રહે છે. વળી એ સામાજિક જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે; અલબત્ત, સમાજશાસ્ત્રીઓએ નોંધ્યું છે કે સમાજનાં મૂલ્યોમાં આવતાં પરિવર્તન કરતાં ભૌતિક ક્ષેત્રોમાં આવતા પરિવર્તનની ગતિ ઝડપી છે. અલબત્ત, આધુનિક સમાજમાં પણ પરિવર્તન તો સ્વાભાવિક રીતે જ આવે છે, એટલે કે આપમેળે આવે છે અને તે વધતે-ઓછે અંશે વ્યક્તિના વિચારો પર અને સમાજની રચના તેમજ કાર્યો પર અસર કરે છે. વળી સાંપ્રત સમાજમાં આયોજન દ્વારા નિશ્ચિત ધ્યેયોની દિશામાં પરિવર્તન માટે પ્રયત્ન કરવામાં આવે છે.

સામાજિક પરિવર્તનની ઢબ જુદી જુદી હોય છે; જેમ કે, સીધી લીટીમાં આવતું પરિવર્તન (Linear change); અર્થાત્, એકધારું એક જ દિશામાં થતું પરિવર્તન, તરંગીય પરિવર્તન (Wave-like change); અર્થાત્, તરંગોની જેમ ઉતાર-ચઢાવ સૂચવતું પરિવર્તન અને ચક્રીય પરિવર્તન (Cyclic change); અર્થાત્, કેટલાક સમયના અંતરે એક જ સ્વરૂપનું પરિવર્તન પુન: જોવા મળતું હોય તેવું પરિવર્તન.

સામાજિક પરિવર્તન મૂલ્યનિરપેક્ષ ખ્યાલ છે; એટલે કે, તેમાં કોઈ પણ બાબત સારી છે કે ખરાબ એવું અભિપ્રેત નથી હોતું. તે જુદા જુદા સમયના સંદર્ભમાં સમાજમાં આવતા પરિવર્તનને દર્શાવે છે. તેમાં પરિવર્તનની દિશા, નિયમ, સિદ્ધાંત કે નિરંતરતા પ્રગટ થતી નથી. મેકાઇવર અને પેજ, હર્બટ સ્પેન્સર, હોબહાઉસ, સોરોકિન જેવા સમાજશાસ્ત્રીઓએ સામાજિક પરિવર્તનની જુદી જુદી પ્રક્રિયાઓ દર્શાવી છે; જેમ કે, સામાજિક પ્રક્રિયા (process), સામાજિક આંદોલન (movement), વૃદ્ધિ (growth), ઉત્ક્રાન્તિ (evolution), વિકાસ (development), પ્રગતિ (progress), અવનતિ (regress), ક્રાન્તિ (revolution), અનુકૂલન (adaptation) વગેરે.

સામાજિક મૂલ્યોમાં પરિવર્તન – સંસ્થાકીય પરિવર્તન; સમાજમાં મિલકત, વસ્તુઓ અને આવકની વહેંચણીમાં પરિવર્તન; વ્યક્તિઓમાં તેમજ વ્યક્તિઓની શક્તિઓ કે વલણોમાં પરિવર્તન વગેરે સામાજિક પરિવર્તનના પ્રકારો છે. કોઈ પણ પ્રકારનું પરિવર્તન યંત્ર-વૈજ્ઞાનિક, મનો-વૈજ્ઞાનિક, આર્થિક, શૈક્ષણિક વગેરે જેવા માનવસર્જિત સામાજિક વાતાવરણજન્ય પરિબળોથી આવે છે અથવા તો ભૌગોલિક, જૈવકીય વગેરે જેવા બિન-સામાજિક વાતાવરણજન્ય પરિબળોથી આવે છે; દા. ત., યંત્રવૈજ્ઞાનિક પરિબળના ભાગ રૂપે ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ થાય છે. ભારતમાં તેને પરિણામે જ્ઞાતિ, સંયુક્ત કુટુંબ અને સ્ત્રીના દરજ્જા વગેરેમાં પરિવર્તનો થઈ રહ્યાં છે. એ જ રીતે બિનસામાજિક વાતાવરણજન્ય પરિબળોના ભાગ રૂપે જૈવકીય બળોમાં લિંગ, વય જેવાં પરિવર્ત્યો સમાજની વર-વિક્રય, કન્યાવિક્રય જેવી પ્રથા-પરંપરામાં પરિવર્તન માટે જવાબદાર બને છે. અલબત્ત, સામાજિક પરિવર્તનની જટિલ પ્રક્રિયા પાછળ કોઈ એક કારણ જવાબદાર ન હોઈ શકે. જુદાં જુદાં પરિબળો પણ એકબીજાંને પ્રભાવિત કરતાં હોય છે અને સામાજિક પરિવર્તનને ઝડપી બનાવે છે; દા. ત., સ્ત્રી-શિક્ષણનું પ્રમાણ વધતાં સ્ત્રીની લગ્ન-વય ઊંચી આવી શકે અને શિક્ષિત સ્ત્રી પોતાના માટે થયેલા કાયદાઓનો ઉપયોગ કરતી થાય તો સ્ત્રી-પુરુષ વચ્ચેના સામાજિક સંબંધોમાં અને સ્ત્રીના સામાજિક સ્થાનમાં પરિવર્તન આવી શકે છે. કેટલીક વાર યુદ્ધ પણ સમાજમાં ઝડપથી પરિવર્તન લાવનારું પરિબળ બને છે.

સામાજિક પરિવર્તનને પ્રેરતાં અનેક પરિબળો કાર્યરત હોવા છતાં ક્યારેક પરિવર્તન આવતું નથી; કારણ કે, પરિવર્તનને અવરોધતાં બળો પણ સાથે સાથે કામ કરતાં હોય છે. સમાજના લોકોની સામે પરંપરાનો લાંબો ઇતિહાસ હોય છે અને લોકો તેને વળગી રહેવાનું પસંદ કરતાં હોય છે. ઘણી વખત લોકોને નૂતન પરિવર્તન કે નવી શોધના સ્વીકારનો ડર લાગે છે; આથી પરિવર્તન અવરોધાય છે. વળી સમાજને પણ પ્રથા-પરંપરા, રૂઢિ-રિવાજ વગેરેનું વળગણ હોય છે; આથી તેના સભ્યો પાસે પરિવર્તનની અપેક્ષા પણ રાખતો નથી. પરિણામે વ્યક્તિની પોતાની પરિવર્તન માટેની ઓછી આકાંક્ષા કે ઝંખનાને પોષણ મળે છે. આવાં પરિબળો સમગ્ર સમાજના પરિવર્તનને અવરોધે છે.

સમાજના પરિવર્તનને અવરોધતાં પરિબળો વચ્ચે પણ સામાજિક પરિવર્તન અવિરત જોવા મળે છે. સામાજિક પરિવર્તન સ્વાભાવિક પ્રક્રિયા છે. સામાજિક સંબંધોની ઢબો બદલાતી જ રહે છે અને સમાજની રચના અને તેનાં કાર્યોમાં ફરક જોવા મળે છે. આ ફરક જ સામાજિક પરિવર્તન છે.

નલિની કિશોર ત્રિવેદી