સામાજિક નિયંત્રણ : સામાજિક પ્રક્રિયાઓ અને વ્યક્તિઓ તથા જૂથોના વર્તનને નિયંત્રિત કરતા સમાજજીવનના હિતમાં તેના સભ્યો દ્વારા સ્વીકૃત થયેલા અંકુશો. અહીં સમાજજીવન એટલે વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ અને સમૂહ વચ્ચે તેમજ સમૂહ અને સમૂહ વચ્ચે આંતરસંબંધોથી ચલાવાતું સામાજિક માળખું. આ સામાજિક માળખું વ્યક્તિ અને સમૂહમાન્ય ધારાધોરણોથી અંકુશિત હોય છે; તેને જ સામાજિક નિયંત્રણ કહેવામાં આવે છે. મોટાભાગે તેનો સંબંધ પરંપરાઓ સાથે હોય છે. શરૂઆતમાં તેનો અનુબંધ સામાજિક સંરચના, સામાજિક પ્રક્રિયાઓ, સામાજિક સંબંધો અને સમાજવ્યવસ્થાના માળખા સાથે જોડવામાં આવતો હતો. વ્યાપક અર્થમાં તે પ્રથાઓ, લોકનીતિઓ, લોકરીતિઓ, સમાજના સ્વીકૃત આદર્શો, રિવાજો વગેરે સાથે સંબંધ ધરાવે છે, જે સામાજિક નિયંત્રણના ઘટકો કહેવાય. મેકાઇવર તેને ચાર વિભાગમાં વહેંચે છે : (1) નૈતિક સંહિતા, (2) સંસ્થાકીય સંહિતા, (3) સામાજિક સંહિતા અને (4) કાનૂની સંહિતા. આ દરેકમાં બક્ષિસ કે સજા(rewards and punishment)ની જોગવાઈ હોય છે.
સામાજિક નિયંત્રણની આંતરક્રિયાઓ વ્યક્તિઓના અને સમૂહોના આચારો રૂપે સામાજિક અધિકારો અને સામે સામાજિક કર્તવ્યો આપે છે. એ બંનેનું સંચાલક બળ તે સામાજિક નીતિનિયમોના સ્વરૂપે હોય છે.
સામાજિક નિયંત્રણનો અર્થ આપવામાં બધા સમાજશાસ્ત્રીઓ પોતપોતાનો મત ધરાવે છે. સરવાળે જોઈએ તો બે પક્ષ રહેલા છે. એક પક્ષ તેને સામાજિક વ્યવસ્થા ટકાવનારું સાધન તો બીજો પક્ષ તેને સામાજિક ઉન્નતિ વધારનારું માધ્યમ માને છે. એ વાદવિવાદ છોડી એટલું જ સ્વીકારવાનું રહે સામાજિક નિયંત્રણની પ્રક્રિયા સનાતન અને સાર્વત્રિક છે.
સામાજિક નિયંત્રણની પ્રક્રિયા વિકસિત સમાજજીવન અને અવિકસિત સમાજજીવન એ બે અવસ્થાઓમાં ચાલતી જોવા મળે છે. એટલે સમાજે સમાજે તેને વ્યક્ત કરતાં ધારાધોરણો પ્રવર્તતાં હોય છે. ઘણી વાર ધારાધોરણોની ભિન્નતાના કારણે વ્યક્તિઓ તેમજ સમૂહો નિયંત્રણના નામે ક્યાંક સહકારમાં તો ક્યાંક સંઘર્ષમાં ચાલતાં જોવા મળે છે.
સામાજિક નિયંત્રણનાં ધારાધોરણોમાં મુખ્યત્વે લોકોમાં વ્યાપ્ત માન્યતાઓ, રીતિઓ, રૂઢિઓ, રિવાજો, આદર્શો, નીતિઓ, નિયમો, કાનૂનો વગેરે હોય છે. આ બધી નિયમાવલીઓના સ્વરૂપે સામાજિક વારસો હોય છે. શિશુના ઉછેર અને શિક્ષણમાં તે સંસ્કારસ્વરૂપે ઊતરતાં હોય છે.
જો સમાજજીવનને ક્યારેક સામાજિક નિયંત્રણનું પરિબળ સમર્થ વ્યક્તિના નેતૃત્વ રૂપે અને સંગઠિત સમૂહના આધિપત્ય રૂપે મળે તો તે અબાધિત વિકાસ બની જઈ શકે છે. એટલે કે તેના સદુપયોગથી સામાજિક ઉન્નતિ થઈ શકે છે; પણ જો તેનો દુરુપયોગ થાય તો સામાજિક અવનતિ થવા પામે છે. એ સંદર્ભમાં સામાજિક નિયંત્રણ એ સામાજિક પરિવર્તનના પરિબળ તરીકેય જોવા મળે છે.
વાસ્તવમાં સામાજિક નિયંત્રણની પ્રક્રિયા સ્થળકાળની આવશ્યકતાઓ સાથે સંબંધિત હોય છે. સામાજિક પરિવર્તન જેમ જેમ વધે તેમ તેમ સામાજિક નિયંત્રણનાં ધારાધોરણો બદલાતાં રહે છે.
અરવિંદ ભટ્ટ
માણેકલાલ પટેલ