સામાજિક ધોરણો : કોઈ પણ સમાજમાં ચાલતી પારસ્પરિક આંતરક્રિયાઓની સહિયારી પેદાશ રૂપે સભ્યો દ્વારા પ્રસ્થાપિત લિખિત અથવા અલિખિત નિયમોનું પ્રારૂપ. સામાજિક વિજ્ઞાનોમાં ‘સામાજિક ધોરણ’ (social norm) એવો શબ્દપ્રયોગ સૌપ્રથમ ઈ. સ. 1936માં મુઝફર શેરિફે પોતાના ‘સાઇકૉલૉજી ઑવ્ સોશિયલ નૉર્મ્સ’ (‘Psychology of Social Norms’) પુસ્તકમાં કર્યો હતો. તેમણે આ શબ્દપ્રયોગ ‘દરેક પ્રસ્થાપિત સમૂહમાં સભ્યોનાં જવાબદારીભર્યાં વર્તનોને દોરનારા પ્રમાણભૂત વર્તન-આદર્શો અથવા વિચારો’ના અર્થમાં કર્યો હતો.
આધુનિક સંદર્ભમાં અને ખાસ કરીને આધુનિક સમાજશાસ્ત્રની વિચારસરણીની દૃષ્ટિએ પરંપરાગત સામાજિક ધોરણો પર રચાયેલ સમાજ-વ્યવસ્થામાં થતી પારસ્પરિક આંતરક્રિયાઓની સહિયારી પેદાશ રૂપે વર્તન અંગે જે નવાં ધોરણો પ્રસ્થાપિત થાય છે તેનાથી સામાજિક સંબંધો ઘેરાતા હોય છે, નિયંત્રિત થાય છે અને ઘડાય છે. સમય જતાં તે નવાં ધોરણોની મુલવણી પણ થાય છે. તેમાં સંબંધિત માન્ય વર્તનો દર્શાવતું વર્તનક્ષેત્ર તેમજ અમાન્ય/પ્રતિબંધિત વર્તનો તથા તે માટેની સહ્ય વર્તનની સીમા પણ સૂચિત થાય તે અભિપ્રેત છે.
ધોરણ–ભંગ : સમૂહના કોઈ સભ્ય કે સભ્યો તે ધોરણના વર્તન-ક્ષેત્રની મર્યાદામાં રહીને વર્તન કરે છે તેને ધોરણ-અનુરૂપ વર્તન કહેવાય છે; પરંતુ જ્યારે કોઈ સભ્ય અથવા સભ્યો તે ધોરણની સહ્ય વર્તનની સીમાનું ઉલ્લંઘન કરતો વર્તન-વ્યવહાર કરે છે તેને ધોરણ-ભંગ વર્તન તરીકે ઓળખવામાં આવે છે. વળી, ધોરણ-અનુરૂપ વર્તન માટે કોઈ સ્વરૂપની કદર તેમજ ધોરણ-ભંગ વર્તન માટે કોઈ સ્વરૂપની સજા પણ સામાજિક ધોરણનાં અવિભાજ્ય અંગો છે.
સામાજિક ધોરણને અનુરૂપ વર્તન કે તેનો ભંગ કરતું વર્તન બંને પ્રકારનાં વર્તનો સાર્વત્રિક છે. આ બંને પ્રકારનાં વર્તનો જુદા જુદા સંદર્ભોમાં સમાજજીવનના વિકાસની દૃષ્ટિએ કાર્યાત્મક-વિકાર્યાત્મક હોઈ શકે છે, બલકે હોય છે.
વ્યક્તિના સામાજિક ધોરણ-ભંગ વર્તનના સ્રોતરૂપ અથવા તેના એક પોષક પરિબળ તરીકે ‘ઍનોમી’ની વિભાવના સમાજશાસ્ત્રમાં વિકસેલી જોવા મળે છે. સમાજશાસ્ત્રમાં આ વિભાવના સૌપ્રથમ દરખાઇમનાં લખાણોમાં રજૂ થઈ હતી. ‘જેમાં સભ્યો આત્યંતિક હતાશા અને લાચારી અનુભવે તેવી અસ્પષ્ટ, વિસંવાદી અને/અથવા સુગ્રથનરહિત સામાજિક ધોરણોવાળી પરિસ્થિતિ’ના અર્થમાં દરખાઇમે ‘ઍનોમી’ શબ્દપ્રયોગ કર્યો હતો.
આધુનિક સંદર્ભમાં રૉબર્ટ મર્ટને આ વિભાવનાને સામાજિક ધોરણ-ભંગ વર્તનને પ્રેરક અને પોષક સામાજિક પરિસ્થિતિના અર્થમાં વિકસાવી છે. ખાસ કરીને, સમાજસૂચિત સાંસ્કૃતિક ધ્યેયો અને તે સિદ્ધ કરવાના પ્રયત્નોને દોરતાં તથા નિયંત્રિત કરતાં ધોરણો વચ્ચે મોટા પ્રમાણમાં વિસંવાદિતા પ્રવર્તતી હોય, જેથી સભ્યોની જે તે ધોરણ અને/અથવા ધોરણ-વ્યવસ્થામાંથી નિષ્ઠા-વિશ્વાસ ઓસરી જવા પામે તેવી પરિસ્થિતિને તેમણે ‘ઍનોમી’ તરીકે ઓળખાવી છે. ‘આવી પરિસ્થિતિ કેટલાક સભ્યોને ધોરણ-ભંગ વર્તન કરવા તરફ દોરી જાય છે’ તેવો ઍનોમીનો સિદ્ધાંત તેમણે રજૂ કર્યો હતો. સમાજશાસ્ત્રમાં સામાજિક ધોરણ-ભંગ વર્તનના ખુલાસા રૂપે આ સિદ્ધાંત ઠીક ઠીક પ્રચલિત બન્યો છે. આ સિદ્ધાંતને વધુ વિકસાવવામાં મુખ્યત્વે પારસન્સ, ડુબિન, ક્લોવર્ડ તથા ઓહલિન અને કોહેનનો ફાળો નોંધપાત્ર ગણાયો છે. તેમના પ્રયત્નોના ફળસ્વરૂપે, અમુક સભ્યો અમુક ધોરણ-ભંગ વર્તન શા માટે કરે છે તેનો ખુલાસો આ સિદ્ધાંત દ્વારા આપી શકાય તેવું માનવામાં આવે છે. જોકે, આ અંગેના વધુ સમાજશાસ્ત્રીય અભ્યાસોમાંથી આ સિદ્ધાંતની કેટલીક મર્યાદાઓ પણ છતી થઈ છે. ખાસ કરીને કેટલાક આધુનિક સમાજશાસ્ત્રીઓના મતે આ સિદ્ધાંત અમેરિકન સમાજ અને તેમાં પણ નિમ્ન વર્ગને અનુલક્ષીને જ તપાસવામાં આવ્યો છે. તેની સાર્વત્રિકતા તથા યથાર્થતા (validity) શંકાસ્પદ છે.
હસમુખ પટેલ