સામાજિક દરજ્જો (Social Status) : વ્યક્તિને સમૂહમાં કે સમાજમાં મળતું સ્થાન. સામાન્ય રીતે સામાજિક દરજ્જો એ સમાજમાં કે ચોક્કસ સમૂહમાં એક સ્થાન કે એક હોદ્દો છે. દરજ્જો ચડતા-ઊતરતા ક્રમની સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિનું સ્થાન સૂચવે છે; દા.ત., કુટુંબમાં પિતા, માતા, મોટો પુત્ર, નાનો પુત્ર એવો ચડતો-ઊતરતો ક્રમ હોય છે. જેમાં પિતા સૌથી ઊંચા સ્થાને છે અને નાનો પુત્ર સૌથી નીચા સ્થાને છે. મોટા પુત્ર કરતાં પિતા ઊંચા સ્થાને છે અને મોટો પુત્ર નાના પુત્ર કરતાં ઊંચા સ્થાને ગણાય છે; પરંતુ મોટો પુત્ર પિતા કરતાં નીચા સ્થાને છે. સમાજમાં અન્ય જૂથોમાં પણ આ રીતે સ્થાનો ગોઠવાયેલાં હોય છે.
જૂથમાં વ્યક્તિને તેના સ્થાનને આધારે અધિકારો કે હક્કો મળે છે. કેટલાક સમાજશાસ્ત્રીઓના મત મુજબ સામાજિક દરજ્જો હક્કોનો નિર્દેશ કરે છે, એ દૃષ્ટિએ અન્ય સભ્યોના સંદર્ભમાં જૂથના સભ્યોને જે હક્કો મળે છે તે હક્કો એ જૂથના સભ્યનો દરજ્જો ગણાય; દા.ત., કોઈ એક કૉલેજમાં વિદ્યાર્થીને પ્રવેશ મળ્યા પછી તેને તે કૉલેજમાં વર્ગમાં બેસીને શિક્ષણ પ્રાપ્ત કરવાનો, પુસ્તકાલયનો ઉપયોગ કરવાનો, કૉલેજમાં યોજાતા કાર્યક્રમોમાં ભાગ લેવાનો વગેરે જુદા જુદા હક્કો મળે છે. આ હક્કો એ જે તે કૉલેજના વિદ્યાર્થી તરીકેનો તેનો દરજ્જો છે. આ જ અધિકારો અન્ય કૉલેજમાં આ જ અભ્યાસ કરતા વિદ્યાર્થીને ન મળે.
જૂથમાં સમાવિષ્ટ બધા સભ્યોને એકસરખા હક્કો હોતા નથી. આથી એક જ જૂથમાં પણ તેના સભ્યોના હક્કોનો ખ્યાલ બીજા સભ્યોના હક્કોના સંદર્ભમાં જ થઈ શકે. આમ સામાજિક દરજ્જો એક વ્યક્તિને બીજી વ્યક્તિઓની તુલનામાં પ્રાપ્ત થયેલા અધિકારો અને ફરજોનું સૂચન કરે છે. બીજી રીતે જોઈએ તો એક જ જૂથના જુદા જુદા સભ્યોના દરજ્જા વચ્ચે જોવા મળતા તફાવતો એ તેને જૂથમાં મળતા હક્કો કે અધિકારના તફાવતો છે. આ ઉપરાંત દરેક દરજ્જાની સાથે કેટલાંક સામાજિક નિયમો, મૂલ્યો અને મૂલ્યાંકનો જોડાયેલાં હોય છે અને આ દરજ્જો ધરાવનાર દરેક વ્યક્તિ પાસે એ અપેક્ષા રાખવામાં આવે છે કે તે પોતાને મળેલા દરજ્જાનાં મૂલ્યાંકનોને જાળવે.
વ્યક્તિને તેનો સમાજ જ દરજ્જો કે સ્થાન આપે છે અથવા તો વ્યક્તિ પોતાની ગુણવત્તા અને યોગ્યતાને આધારે સમાજમાં સ્થાન પ્રાપ્ત કરી શકે છે. એક વ્યક્તિનો દરજ્જો હંમેશાં અન્યના દરજ્જાના સંદર્ભમાં જ સમજી શકાય છે. એકલી-અટૂલી વ્યક્તિને કોઈ દરજ્જો ન હોઈ શકે; દા. ત., કોઈ વ્યક્તિને અધ્યાપક કહીએ છીએ, તેનો અર્થ એ કે તેના વિદ્યાર્થીઓ પણ છે, અર્થાત્ અધ્યાપકના દરજ્જાને વિદ્યાર્થીના સંદર્ભમાં જ સમજી શકાય. એ જ રીતે ડૉક્ટર-દર્દી, મા-દીકરી, નેતા-અનુયાયી વગેરેના દરજ્જાને સમજી શકાય.
વ્યક્તિ જે જૂથમાં જોડાય છે તે દરેકમાં તેનું એક નિશ્ચિત સ્થાન કે દરજ્જો હોય છે. આમ એક વ્યક્તિ સમાજમાં એકસાથે અનેક દરજ્જાઓ (Multiple Statuses) મેળવે છે; પણ સમાજમાં તેની ઓળખ કોઈ એક મુખ્ય દરજ્જાથી થાય છે; દા.ત., એક વ્યક્તિ અધ્યાપક, પતિ, પિતા, ભાઈ, મામા, પુત્ર વગેરે અનેક દરજ્જાઓ ધરાવતી હોય છે. પણ સમાજમાં તે આમાંના કોઈક એક દરજ્જાથી જ ઓળખાય છે.
દરજ્જો મેળવવાની રીતને આધારે તેના બે પ્રકારો છે : અર્પિત દરજ્જો (Ascribed Status) અને અર્જિત અથવા પ્રાપ્ત દરજ્જો (Achieved Status).
સમાજમાં કેટલાંક સ્થાનો દરજ્જાઓ વ્યક્તિને સહજ રીતે મળી જાય છે. તેને અર્પિત દરજ્જો કહે છે. વ્યક્તિને આ દરજ્જો કોઈક ખાસ કુટુંબમાં જન્મ લેવાને લીધે કે પરંપરાને લીધે મળી જાય છે. વિશ્વના બધા સમાજોમાં અર્પિત દરજ્જાઓ જોવા મળે છે, જે બાળકને જન્મતાંની સાથે જ મળે છે. અર્પિત દરજ્જા પર વ્યક્તિનું કોઈ નિયંત્રણ નથી હોતું. લિંગ (sex), વય (age), રક્ત-સંબંધો (kinship), જન્મ (birth), શારીરિક વિશેષતાઓ (physical abilities), જ્ઞાતિ અને જાતિ (caste and race) વગેરે અર્પિત દરજ્જો નક્કી કરતાં પરિબળો છે.
સ્ત્રી કે પુરુષ તરીકે જન્મવું એ અકસ્માત છે, પણ એ અર્પિત છે. તબીબી શોધથી લિંગ (sex) બદલી શકાય છે, પણ મૂળભૂત રીતે તેને અર્પિત જ માનવામાં આવે છે. વળી બાળપણ, યુવાની, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા વગેરેને અનુલક્ષીને મળતા દરજ્જા વયભેદને લીધે મળતા અર્પિત દરજ્જા છે. ભારતમાં ઉદ્ભવેલી આશ્રમ-વ્યવસ્થાનો મૂળ આધાર વય કે ઉંમર (age) જ છે. આ સિવાય વ્યક્તિને જન્મતાંની સાથે જ માતા-પિતા, કાકા-મામા, ભાઈ-બહેન વગેરે જેવા સંબંધો કોઈ પ્રકારના આયાસ વગર જ મળે છે. એ રક્ત-સંબંધથી મળતા દરજ્જાને સ્પષ્ટ કરે છે. વળી જન્મસમયે મળતું કુટુંબ, જ્ઞાતિ, ગ્રામ-નિવાસ, શહેર-નિવાસ વગેરે પણ બાળકના ભાવિ દરજ્જાને અસર પહોંચાડે છે. વળી દેખાવમાં સુંદર વ્યક્તિ કુરૂપ વ્યક્તિ કરતાં, સ્વસ્થ વ્યક્તિ ખોડવાળી વ્યક્તિ કરતાં કે ખાસ કોઈ શારીરિક-માનસિક વિશેષતા ધરાવતી વ્યક્તિ તેની વિશેષતાને લીધે ઊંચો દરજ્જો ધરાવી શકે છે. વળી ભારતીય સમાજમાં તો કઈ જ્ઞાતિમાં કે જાતિમાં જન્મ થયો છે એ બાબત વ્યક્તિના પ્રાપ્ત દરજ્જાને પણ અસર કરે છે.
કેટલાક દરજ્જાઓ એવા પણ હોય છે કે જે વ્યક્તિ પોતાની ગુણવત્તા, યોગ્યતા અને ક્ષમતાને આધારે મેળવે છે. તેમને અર્જિત અથવા પ્રાપ્ત દરજ્જા કહે છે. પ્રાપ્ત દરજ્જો વ્યક્તિ પોતાની ઇચ્છાથી અને સ્પર્ધામાં ઊતરીને પણ મેળવે છે. સમાજમાં ખૂબ બુદ્ધિશાળી, પ્રતિભાવંત, મહત્ત્વાકાંક્ષી વ્યક્તિઓ પ્રખર પુરુષાર્થ કરીને દરજ્જો પ્રાપ્ત કરે છે. દરજ્જો પ્રાપ્ત કરવા પર વ્યક્તિ પોતાનું નિયંત્રણ રાખી શકે છે.
પ્રાપ્ત દરજ્જો નિર્ધારિત કરતાં પરિબળોમાં મુખ્યત્વે સંપત્તિ, વ્યવસાય, શિક્ષણ, રાજકીય સત્તા, લગ્ન, ખાસ ઉપલબ્ધિ વગેરે છે.
સંપત્તિ પરના અધિકારોને આધારે વ્યક્તિનો ઊંચો કે નીચો દરજ્જો નિશ્ચિત થાય છે. વળી તબીબી સારવાર, વકીલાત વગેરે જેવા વ્યવસાયો કરતી વ્યક્તિઓ; ક્લાર્ક, પટાવાળો વગેરે કરતાં ઊંચો દરજ્જો ધરાવે છે. સામાન્ય રીતે ઉચ્ચ-શિક્ષણ દરજ્જાને ઊર્ધ્વગતિ કરાવવામાં મહત્વનો ભાગ ભજવે છે તો ઇતિહાસના કોઈ પણ સમયમાં રાજકીય સત્તા ધરાવનારને તેના ઉચ્ચ દરજ્જાને લીધે અનેક અધિકારો પ્રાપ્ત થતા હોય છે. લગ્નથી વ્યક્તિને અનેક સંબંધો તૈયાર મળે છે અને એ સંબંધોની કક્ષાને આધારે વ્યક્તિનો પ્રાપ્ત દરજ્જો બદલાય છે. એ અપેક્ષાએ વૈજ્ઞાનિક, સંશોધક, શ્રેષ્ઠ સાહિત્યકાર, શ્રેષ્ઠ સંગીતકાર, કવિ વગેરે જેવા દરજ્જાઓ વ્યક્તિની સર્વોત્તમ ઉપલબ્ધિથી મળે છે.
અત્રે એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે સમાજમાં કઈ બાબતને મહત્વ આપવામાં આવે છે તેને આધારે જે તે સમાજમાં પ્રાપ્ત દરજ્જાનું ચડતું-ઊતરતું મહત્વ જોવા મળે છે; પરંતુ તેમાં બદલાવને અવકાશ છે.
આધુનિક સમાજમાં પ્રાપ્ત દરજ્જાને સવિશેષ મહત્વ આપવામાં આવે છે; કેમ કે, આધુનિક સમયમાં વ્યક્તિનું મૂલ્યાંકન તેની સિદ્ધિઓને આધારે થાય છે, જ્યારે પરંપરાગત સમાજમાં અર્પિત દરજ્જાનું મહત્વ વધારે હતું; કેમ કે, એ સમયે પરંપરાનો પ્રભાવ વધારે હતો. વિશ્વના તમામ સમાજોમાં વ્યક્તિનું મૂલ્ય તેને મળેલા સામાજિક સ્થાનને આધારે આંકવામાં આવે છે. વ્યક્તિને મળતો દરજ્જો તેની ક્ષમતા અને યોગ્યતાનો માપદંડ છે. વ્યક્તિનું મૂલ્યાંકન તેને મળેલા દરજ્જાને આધારે જ થતું હોય છે; કેમ કે, દરજ્જો જે તે સમયમાં વ્યક્તિના સામાજિક સ્થાન તેમજ અધિકાર/હક્કનું સૂચન કરે છે.
નલિની કિશોર ત્રિવેદી