સામાજિક તંગદિલી : ભાષા, ધર્મ, સંસ્કૃતિ વગેરેની બહુવિધતા ધરાવતા સમાજોમાં વિવિધ સમુદાયો વચ્ચે સર્જાતા વિખવાદો. જે સમાજો બહુવિધ સમૂહો અને સંસ્કૃતિઓ ધરાવે છે ત્યાં પરસ્પરવિરોધી હિતો સામાજિક તંગદિલી ઉત્પન્ન કરે છે. ભારત જેવા હજારો જ્ઞાતિઓ અને અસંખ્ય ભાષા તેમજ બોલીઓનું વૈવિધ્ય ધરાવતા દેશમાં એ વૈવિધ્ય સામાજિક તંગદિલીનું કારણ બની રહે છે. પોતાના અસ્તિત્વ માટે લડતાં નાનાં-મોટાં સામાજિક જૂથો પોતપોતાની એકતા સાધી સામેના સમૂહો સમક્ષ સંઘર્ષમય રીતે અભિવ્યક્તિ કરે ત્યારે સામાજિક તંગદિલી સર્જાય છે.

આઝાદી પછી ભાષા પ્રમાણે રાજ્યોની પુનર્રચના થઈ ત્યારે આપણા દેશમાં આ પ્રકારની તંગદિલીનું સર્જન થયું હતું. મુંબઈ રાજ્યમાંથી અલગ થવાના પ્રશ્ને ગુજરાતમાં મહાગુજરાત આંદોલન થયું હતું. દક્ષિણનાં રાજ્યો ઉપર હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે અપનાવવાના મુદ્દે વ્યાપક પ્રમાણમાં તંગદિલી ઉદ્ભવી હતી. સામાજિક તંગદિલીમાં ઘણી વાર સામાજિક મુદ્દાઓ આર્થિક પ્રશ્નો કરતાં વધુ મહત્વ ધરાવતા હોય છે. ગુજરાતમાં 1981 અને 1985માં થયેલાં અનામત-વિરોધી આંદોલનોમાં સવર્ણો અને દલિતો તેમજ સવર્ણો અને પછાત જ્ઞાતિઓ વચ્ચે સામાજિક સંઘર્ષો થયા હતા. આવા સમયે જાનમાલનું નુકસાન અને મિલકત લૂંટવાના અનેક બનાવો બને છે. ધર્મ પણ સદીઓથી સામાજિક તંગદિલીનું એક મહત્વનું પરિબળ બનતું હોય એવું લગભગ તમામ સમાજોમાં જોવા મળે છે. ભારત-પાકિસ્તાનના ભાગલાના સમયે અને સ્વતંત્ર ભારતમાં બાબરી મસ્જિદના પ્રશ્ને હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની તંગદિલીએ સામાજિક વાતાવરણના તાણાવાણાને છિન્ન-ભિન્ન કરવામાં ભાગ ભજવેલો.

કેટલીક વાર સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રતીકો પણ સામાજિક તંગદિલીનું કારણ બને છે; જેમ કે, ગૌમાંસનો પ્રશ્ન હોય, દેવી-દેવતાઓની મૂર્તિઓનું ખંડન હોય કે પછી કલા અને સાહિત્યની કૃતિઓમાં કોઈ સમૂહ કે સમુદાયની લાગણી દુભાવવાનો પ્રશ્ન હોય ત્યારે સામાજિક તંગદિલી ઉપસ્થિત થાય છે. આ પ્રકારના પ્રશ્નો અંતે તો રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને અસર કરે છે. તેના નિવારણ માટે સર્વધર્મ સમભાવ અને સામાજિક સમાનતા જેવાં મૂલ્યોનો પ્રચાર-પ્રસાર વ્યાપક રીતે થાય તે જરૂરી છે.

ગૌરાંગ જાની