સામાજિક ગતિશીલતા : કોઈ પણ સમાજમાં સામાજિક સ્તરરચનાની વ્યવસ્થામાં વ્યક્તિઓ અને ક્યારેક સમૂહોના સ્થાનમાં થતા ફેરફારો. સામાન્ય રીતે સામાજિક ગતિશીલતાને બે પ્રકારમાં વહેંચીને તપાસવામાં આવે છે : (1) ઊર્ધ્વગામી ગતિશીલતા વ્યક્તિ કે સમૂહને તેના વર્તમાન સ્થાન કે દરજ્જામાંથી ઉચ્ચ પ્રકારના સ્થાન કે દરજ્જામાં લઈ જતી પ્રક્રિયા છે; જેમ કે, સ્ત્રીઓના પરંપરાગત દરજ્જામાં આવતું પરિવર્તન. (2) નિમ્નગામી ગતિશીલતા વ્યક્તિ કે સમૂહના સ્થાનમાં, સામાજિક-આર્થિક સંદર્ભમાં નિમ્ન તરફના સામાજિક પરિવર્તનને સૂચવે છે. સમાજશાસ્ત્રીય દૃષ્ટિએ સામાજિક ગતિશીલતાની પ્રક્રિયા સામાજિક પરિવર્તનનો એક મહત્ત્વનો ઘટક છે. આધુનિક સમાજશાસ્ત્રમાં સોરોકિન નામના સમાજશાસ્ત્રીએ 1927માં ‘સામાજિક ગતિશીલતા’ પુસ્તકમાં વ્યવસ્થિત રીતે આ ખ્યાલને સમજાવ્યો હતો.
સમાજમાં પ્રવર્તમાન કોટિક્રમિક વ્યવસ્થાને સમાજશાસ્ત્રમાં સામાજિક સ્તરરચના તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે સામાજિક સ્તરરચના ખુલ્લી અને બંધ એમ બે પ્રકારના સ્વરૂપે જોવા મળે છે. ભારતમાં જોવા મળતી જ્ઞાતિવ્યવસ્થા અને મધ્યયુગીન યુરોપની જાગીરપ્રથા બંધ પ્રકારની સામાજિક સ્તરરચનાનાં ઉદાહરણો છે. આ બંને પ્રકારની વ્યવસ્થાને ‘બંધ’ એટલા માટે કહેવામાં આવે છે કે તેમાં સામાજિક ગતિશીલતાને અત્યંત મર્યાદિત પ્રમાણમાં અવકાશ છે. હિન્દુઓની જ્ઞાતિવ્યવસ્થામાં જ્ઞાતિનો દરજ્જો જન્મદત્ત હોય છે. પરિણામે વ્યક્તિ કે સમૂહ પોતાનો દરજ્જો બદલી શકતો નથી. આમ, અહીં સામાજિક ગતિશીલતાનો અભાવ છે. વર્તમાન સમયમાં મૂડીવાદી સમાજોની વર્ગવ્યવસ્થા ખુલ્લા પ્રકારની સામાજિક સ્તરરચના છે. તેમાં વ્યક્તિ પોતાની કુશળતા, તાલીમ અને શિક્ષણ દ્વારા આર્થિક-સામાજિક દરજ્જામાં ફેરફાર લાવી શકે છે એટલે કે સામાજિક ગતિશીલતા શક્ય છે.
સામાન્ય રીતે એવું મનાય છે કે જ્ઞાતિનો દરજ્જો જન્મદત્ત હોવાને કારણે જ્ઞાતિવ્યવસ્થામાં સામાજિક ગતિશીલતા શક્ય નથી. આ સંદર્ભમાં સમાજશાસ્ત્રી શ્રી એમ. એન. શ્રીનિવાસે જ્ઞાતિવ્યવસ્થામાં સામાજિક ગતિશીલતાને સમજાવવા માટે સંસ્કૃતીકરણનો ખ્યાલ રજૂ કર્યો. તેમના આ ખ્યાલ પ્રમાણે કોઈ પણ આદિવાસી સમૂહ કે નિમ્ન જ્ઞાતિ તેનાથી ચડિયાતી જ્ઞાતિના રીતરિવાજો, માન્યતાઓ, વિધિઓ વગેરેનું અનુકરણ કરીને પોતાનું સામાજિક સ્થાન ઊંચું લાવવાનો પ્રયત્ન કરે અને તેઓના સ્થાનમાં પરિવર્તન આવે તો તે સંસ્કૃતીકરણ છે. ભારતમાં આ પ્રકારે જોવા મળતી સામાજિક ગતિશીલતાના અનેક અભ્યાસો થયા છે. આ અભ્યાસો એવું પણ નોંધે છે કે ઘણીબધી નિમ્ન જ્ઞાતિઓ પરંપરાવાદી ઉપલી જ્ઞાતિઓના અનુકરણને કારણે છૂટાછેડા અને વિધવાવિવાહ જેવી સ્ત્રીતરફી વિચારસરણી ત્યજવા લાગી છે.
સામાજિક ગતિશીલતા માટે આધુનિક વિચારસરણી મહત્ત્વની છે. વળી, ભારત જેવા દેશમાં શિક્ષણ, તાલીમ અને આધુનિક વ્યવસાયો સામાજિક ગતિશીલતા માટેનાં મહત્ત્વનાં પરિબળો છે. ગ્રામીણ વિસ્તારોમાંથી સ્થળાંતર કરીને શહેરોમાં વસતા લોકો સામાજિક ગતિશીલતાનો અનુભવ કરી શકે અને ન પણ કરી શકે. ખાસ કરીને સ્ત્રીઓના બદલાતા દરજ્જાને સમજવા માટે સામાજિક ગતિશીલતાનો ખ્યાલ સામાજિક સંશોધનોમાં મહત્ત્વનો બની રહ્યો છે.
ગૌરાંગ જાની