સામગાન અને તેના પ્રકારો

January, 2008

સામગાન અને તેના પ્રકારો : શ્રૌત કે વૈદિક યજ્ઞમાં સોમરસના પાન સમયે કરવામાં આવતું ગાન. પ્રાચીન ભારતમાં વૈદિક કાળમાં દેવોને ખુશ કરવા યજ્ઞો કરવામાં આવતા હતા. આ યજ્ઞમાં ચારેય વેદના બ્રાહ્મણો યજ્ઞવિધિ કરતા. ઋગ્વેદનો જ્ઞાની ‘હોતા’ નામથી ઓળખાતો બ્રાહ્મણ દેવોને બોલાવવાનું આવાહનનું કાર્ય કરતો. એ પછી યજુર્વેદનો જ્ઞાની ‘અધ્વર્યુ’ નામથી ઓળખાતો બ્રાહ્મણ દેવોને જુદી જુદી આહુતિઓ અગ્નિ દ્વારા આપવાનું અને સોમરસ પીરસવાનું કાર્ય કરતો. સોમરસપાનના સમયે સામવેદનો જ્ઞાની ‘ઉદ્ગાતા’ નામથી ઓળખાતો બ્રાહ્મણ કર્ણમધુર સામગાન ગાઈને દેવો અને યજમાનોને ખુશ કરતો. આખા યજ્ઞમાં કશું વિઘ્ન ન આવે અને આવે તો તેનું નિવારણ કરવાનું કાર્ય અથર્વવેદનો જ્ઞાની ‘બ્રહ્મા’ નામથી ઓળખાતો બ્રાહ્મણ કરતો. યજ્ઞસમયે થતું આ સામગાન ઋગ્વેદની ઋચાઓને સંગીતમાં ઢાળીને જુદા જુદા ઋષિઓએ તૈયાર કર્યું છે. ભારતીય સંગીતનું મૂળ આ સામગાનમાં રહેલું છે. એક જ ઋચા પર જુદા જુદા ઋષિઓએ જુદાં જુદાં ગાનો રજૂ કર્યાં છે. જેમ એક કાવ્ય કે ગીત જુદા જુદા સંગીતકારો જુદા જુદા સંગીતના રાગોમાં ગાય તે રીતે ઋગ્વેદની ઋચાઓને માટે જુદાં જુદાં સામગાનો ઋષિઓએ તૈયાર કર્યાં છે તેનો સંગ્રહ સામવેદમાં કરવામાં આવ્યો છે.

ભારતીય સંગીતશાસ્ત્રમાં ષડ્જ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ – એ સાત સ્વરો છે. એ જ રીતે સામગાનના સ્વરો કૃષ્ટ, પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, મંદ્ર અને અતિસ્વાર્ય – એ સાત સામવિધાન બ્રાહ્મણગ્રંથ મુજબ છે. સામવેદના શિક્ષાગ્રંથ નારદીય શિક્ષામાં તે સામસ્વરોનો ક્રમ ઉપર જણાવેલા સામવિધાન બ્રાહ્મણગ્રંથના ક્રમથી જુદો છે. તેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, મંદ્ર, કૃષ્ટ અને અતિસ્વાર્ય એવો ક્રમ છે. વળી નારદીય શિક્ષા મુજબ સામગાનનો પ્રથમ સ્વર એ વેણુનો મધ્યમ સ્વર છે. સામસ્વરમાંનો દ્વિતીય સ્વર વેણુનો ગાન્ધાર સ્વર છે. સામસ્વરમાંનો તૃતીય સ્વર વેણુનો ઋષભ સ્વર છે. સામસ્વરનો ચતુર્થ સ્વર એ વેણુનો ષડ્જ સ્વર છે. સામસ્વરનો મંદ્ર એટલે પંચમ સ્વર એ વેણુનો ધૈવત સ્વર છે. સામસ્વરનો કૃષ્ટ એટલે છઠ્ઠો સ્વર એ વેણુનો નિષાદ સ્વર છે. સામસ્વરનો અતિસ્વાર્ય એટલે સાતમો સ્વર વેણુનો પંચમ સ્વર છે. પરિણામે જેમ ભારતીય સંગીતનું મૂળ સામસંગીતમાં રહેલું છે તેમ સંગીતના ગાંધર્વસ્વરોનું મૂળ પણ સામસ્વરોમાં રહેલું છે. સંગીતના સાત સ્વરો (સૂર) જુદાં જુદાં વાદ્યો પર વગાડવામાં આવે છે. જ્યારે સામસ્વરો ગાનાર પોતાના હાથની આંગળી પર સ્વરો બતાવે છે તેને ગાત્રવીણા એ નામે ઓળખવામાં આવે છે. વળી જુદા જુદા સામોનાં નામો ઋષિ, દેવતા, છંદ, યજ્ઞ, નિધન, કર્મફલ અથવા ઋચામાં આવતા શબ્દના આધારે આપવામાં આવ્યાં છે.

 સામવેદનાં ગાનોની ગાનસંહિતાના ચાર મુખ્ય વિભાગો છે : (1) ગ્રામગેય, (2) આરણ્યગેય, (3) ઊહગાન, (4) ઊહ્યગાન. પ્રથમ વિભાગ ગ્રામગેયગાન પ્રકૃતિગાન કે વેયગાનનો છે. તે ગ્રામગેયના સામો એક એક ઋચા પરના છે અને તેમાં સાત પ્રકારનાં ગાનો સાતવળેકરે સંપાદિત કરેલી કૌથુમ શાખામાં રહેલાં છે. પ્રથમ ગાયત્ર ગાનમાં એક જ ગાન રહેલું છે. એ પછી બીજા આગ્નેય ગાનમાં 181 ગાનો, ત્રીજા ઐન્દ્ર ગાનમાં 633 ગાનો, ચોથા પાવમાન ગાનમાં 384 ગાનો મળીને કુલ ગાનોની સંખ્યા 1,199 થાય છે. આ બધાં 1,199 ગાનો 586 ઋચાઓ પર આપવામાં આવ્યાં છે. આ ગાનો ગામમાં ગૃહસ્થ અગ્નિહોત્રી યજ્ઞ કરે તેમાં ગાવામાં આવતાં. જ્યારે ઋષિમુનિઓ અરણ્યમાં યજ્ઞ કરે તેમાં જે ગાનો ગાવામાં આવતાં હતાં તેનો સંગ્રહ આરણ્યગાન અથવા આરણ્યગેયગાનના ગાનસંહિતાના બીજા મુખ્ય વિભાગમાં કરવામાં આવ્યો છે. આરણ્યગેયગાનમાં પાંચમા અર્ક, દ્વંદ્વ અને વ્રતગાનો 250 અને છઠ્ઠા શુક્રિય જ્ઞાનનાં 40 ગાનો મળીને કુલ 290 ગાનો 65 ઋચાઓ પર આપવામાં આવ્યાં છે.

ગાનસંહિતાનો ત્રીજો મુખ્ય વિભાગ ઊહગાન નામથી ઓળખાય છે. તેમાં ગ્રામગેય વિભાગની જેમ ગામમાં ગૃહસ્થ માણસ જે યજ્ઞો કરે તેમાં ગાવામાં આવતાં ગાનોનો સંગ્રહ છે, પણ તે બધાં તૃચ્ પર ગાવામાં આવેલાં ગાનો છે. તેમાં ચોક્કસ શ્રૌત-યજ્ઞપ્રસંગે ગાવામાં આવતાં ગાનો યજ્ઞ પ્રમાણે આપવામાં આવ્યાં છે. તેમાં પ્રથમ दशरात्र એટલે બાર દિવસો સુધી ચાલનારા યજ્ઞમાં બીજાથી અગિયારમા દિવસોમાં એટલે દશ દિવસો સુધી ગાવામાં આવતાં 222 ગાનો આપવામાં આવ્યાં છે. એ પછી संवत्सर એટલે ગવામયન જેવા સંવત્સર સુધી ચાલનારા યજ્ઞમાં ગવાતાં 152 સામો રજૂ થયા છે. ત્યારબાદ एकाह એટલે એક દિવસમાં જ પૂરા થનારા યજ્ઞમાં ગાવાના 158 સામો આપ્યા છે. એ પછી अहीन પ્રકારના યાગોમાં ગાવામાં આવતાં 146 ગાનો સંગૃહીત થયાં છે. એ પછી सत्र પ્રકારના યજ્ઞોમાં ગવાતાં 121 સામોનું સંકલન કરવામાં આવ્યું છે. એ બાદ યજ્ઞમાં થતી ભૂલો માટે પ્રાયશ્ચિત્ત કરતી વખતે ગાવાનાં 50 ગાનો प्रायश्चित्तના વિભાગમાં એકત્ર કર્યાં છે. અંતિમ क्षुद्र નામના વિભાગમાં નાનાં નાનાં ફળો આપનારાં 87 ગાનોનો સંગ્રહ કર્યો છે. કુલ 936 સામગાનો ઊહગાનમાં આપ્યાં છે.

ગાનસંહિતાના ચોથા મુખ્ય વિભાગ ઊહ્યગાનમાં આરણ્યગેય ગાનોની જેમ અરણ્યમાં થતા યજ્ઞોમાં ગાવાના સામો ઊહગાનોની જેમ યજ્ઞ મુજબ પેટાવિભાગો પાડીને આપવામાં આવ્યા છે. (1) दशरात्रમાં 29 ગાનો, (2) संवत्सरમાં 40 ગાનો, (3) एकाहમાં 23 ગાનો, (4) अहीनમાં 27 ગાનો, (5) सत्रમાં 14 ગાનો, (6) प्रायश्चित्तमમાં 19 ગાનો, (7) क्षुद्रમાં 52 ગાનો મળી કુલ 204 સામગાનો ઊહ્યગાનના ચોથા વિભાગમાં રજૂ થયાં છે. પ્રથમ વિભાગ ગ્રામગેય ગાનમાં પરિશિષ્ટ રૂપે શ્રાદ્ધમાં ગવાતો ભારુંડસામ અને તવશ્યાવીયસામ પણ સાતવળેકરે આપ્યા છે. કુલ 76 ગાનો એવાં છે કે જેનો યોનિમંત્ર એટલે મૂળ ઋચા નથી. એ ગાનોને अनर्च સામ અથવા स्तोभिक એવા નામે ઓળખવામાં આવે છે.

ઋગ્વેદની ઋચામાંથી સામગાન તૈયાર કરવા માટે જુદી જુદી રીતોનો આશ્રય લેવામાં આવે છે. તેમાં (1) विकार એટલે શબ્દમાં ફેરફાર કરવામાં આવે છે; જેમ કે – अगनेનું ओग्नायि. (2) विश्लेषण એટલે શબ્દને છૂટો પાડવામાં આવે છે; જેમ કે – वीतयेનું वोयितोया 2 यि. (3) विकर्षण એટલે શબ્દને ખેંચીને જુદો ઉચ્ચારવામાં આવે છે; જેમ કે  – येનું या 23 यि. (4) अभ्यास એટલે શબ્દને ફરી વાર ઉચ્ચારવામાં આવે છે; જેમ કે – तोया 2 यि तोया 2 यि. (5) विराम શબ્દ ટુકડા પાડી રજૂ થાય છે; જેમ કે – गृणानो हव्यदातयेનું गृणानोहव्यदातोङयायि. (6) स्तोभ ઋચામાં ન હોય તેવા નિરર્થક શબ્દો સંગીતના લય ખાતર ઉમેરવામાં આવે છે; જેમ કે – हाउ औहोवा વગેરે. (7) आगम  વધારાનો વર્ણ શબ્દમાં ઉમેરવામાં આવે છે. (8) लोप – અમુક વર્ણનો ઉચ્ચાર કરવામાં આવતો નથી.

અંતે, સામગાનમાં એક ગીત ગાતાં અનેક વાર અટકવામાં આવે છે. પૂર્ણવિરામ કરીને જ્યાં જ્યાં અટકે તેને પર્વપદ્ધતિ કહે છે અને એ રીતે પર્વપદ્ધતિનો ઉપયોગ સામગાનમાં થાય છે. સામગાનની બીજી પદ્ધતિ ભક્તિની છે. તેમાં પણ વિભાગો પાડીને અટકવામાં આવે છે. એ વિભાગો મુખ્ય પાંચ છે : (1) प्रस्ताव, (2) उद्गीथ, (3) प्रतिहार, (4) उपद्रव અને (5) निधन. તદુપરાંત, हिंकार અને ओंकार – એ બે ભક્તિઓ પણ ગૌણ વિભાગો છે. એમાં જુદા જુદા ઉદ્ગાતા એક એક ભક્તિ ઉચ્ચારે છે અને અંતિમ ભક્તિમાં તમામ ઉદ્ગાતાઓ ભેગા મળીને ગાય છે.

વર્તમાન સમયે સામગાનની પરંપરાની વિસ્મૃતિ થઈ હોવાથી સામગાન એ સંશોધનપાત્ર વિષય બની રહ્યો છે.

પ્ર. ઉ. શાસ્ત્રી