સાબી નદી (Sabi River) : અગ્નિ આફ્રિકાના ઝિમ્બાબ્વે અને મોઝામ્બિકમાંથી પસાર થતી નદી. તે ‘સેવ’ (Save) નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : 21° 00´ દ. અ. અને 35° 02´ પૂ. રે.. તે હરારેની દક્ષિણે આશરે 80 કિમી. અંતરે આવેલા સ્થળેથી નીકળે છે. ત્યાંથી ઝિમ્બાબ્વેના ઘાસના ઊંચાણવાળા સપાટ પ્રદેશમાં અગ્નિ દિશા તરફ વહીને, ઓડઝી નદી સાથે સંગમ પામીને, દક્ષિણ તરફ ફંટાય છે. ત્યાંથી આગળ વધીને શિવિરિરા ધોધ રૂપે નીચે ખાબકે છે. મોઝામ્બિકની સરહદ પર તેને લુંડી નદી મળે છે. તે પછીથી તે સેવ નદી તરીકે ઈશાનમાં વહે છે. હિન્દી મહાસાગરની મોઝામ્બિકની ખાડીમાં મામ્બોન નજીક તેનું મુખ આવેલું છે.
640 કિમી. લંબાઈની આ નદી ઝિમ્બાબ્વેના નીચાણવાળા ઘાસના સપાટ પ્રદેશમાં પહોંચે ત્યાં સુધી ફળદ્રૂપ પ્રદેશમાં થઈને વહે છે. તેના પર સાબી-લિમ્પોપો જળપ્રકલ્પ ઊભો કરવામાં આવેલો છે, તેનાં પાણીથી 1.5 લાખ હેક્ટર જમીનોને સિંચાઈની સગવડ મળી રહે છે. અગાઉ અહીં શેરડીનું વાવેતર વધુ થતું હતું, હવે શેરડી ઉપરાંત ઘઉં, ડાંગર, કપાસ અને ખાટાં ફળોની ખેતી પણ થાય છે.
સાબી નદી પરનો એક ગાળા(single span)નો બર્શેનૉઘ (Birchenough) પુલ
તેની ઉપર, દેવરે નદીના સંગમસ્થળથી ઉત્તરે, મુતારે(જૂનું નામ ઉમતાલી)થી 133 કિમી. અંતરે દક્ષિણ તરફ 329 મીટરની લંબાઈના માત્ર એક ગાળા(single span)નો બર્શેનૉઘ (Birchenough) પુલ આવેલો છે. તેના મુખથી 160 કિમી. જેટલા ઉપરવાસ સુધી ઓછા વજનની માલવાહક નૌકાઓની હેરફેર થઈ શકે છે. તેનું સાબી નામ ‘શાવી’ (ધુમ્મસ) અથવા ‘શેવ’ (પરાયો આત્મા) શબ્દ પરથી પડેલું છે.
ગિરીશભાઈ પંડ્યા