સાબર (Sambar) : સામાન્યપણે મૃગ (અથવા હરણ) નામથી ઓળખાતા નખરિત (ungulate) શ્રેણીના (cervidae) કુળનું સસ્તન પ્રાણી. ભારતમાં વસતું સાબર અન્ય પ્રદેશમાં વસતા તમામ સાબર કરતાં કદમાં સૌથી મોટું હોય છે. તે cervus unicolor, (Kerr) – એ શાસ્ત્રીય નામથી ઓળખાય છે. તેની ઊંચાઈ 1.3 મીટર જેટલી હોય છે. પુખ્ત વયના સાબરનું વજન 200થી 300 કિલોગ્રામ જેટલું હોય છે. શીંગડાં શાખિત (branched) અને એક મીટર અથવા તેથી સહેજ લાંબાં હોય છે. કાન લાંબા અને ગોળાકાર જ્યારે તેનો તલસ્થ ભાગ રંગે સફેદ હોય છે. સાબરની રુવાંટી સહેજ બરછટ હોય છે. નરમાં તેનો રંગ સામાન્યપણે પીળાશ પડતો કે રાખોડી કથ્થાઈ હોય છે. પુખ્ત વયનાં સાબર ક્યારેક સંપૂર્ણ કાળાં હોય છે. ઉનાળામાં રુવાંટી ખરી જાય છે જ્યારે શિયાળામાં તે ફરીથી ઊગે છે. સાબરના ગળાની ફરતે સુસ્પષ્ટ બરછટ જાડા વાળનો પટ્ટો જોવા મળે છે. નરની ડોક લાંબા ઘટ્ટ કેશવાળી હોય છે.

સાબર ભારતના વન્ય પ્રદેશોમાં વસે છે. ગુજરાતમાં તે સૌરાષ્ટ્રની ખીણમાં તેમજ બરડા પ્રદેશમાં જોવા મળે છે. તે શરમાળ પ્રાણી છે. દિવસ દરમિયાન તે લગભગ સંતાઈ રહે છે. ચારાની શોધ માટે તે સૂર્યાસ્ત પછી બહાર નીકળે છે. તેની ગણના નિશાચર પ્રાણીમાં કરી શકાય. તે સંતાતું રહેતું હોઈ ભાગ્યે જ જોવા મળે છે. તેની દિનચર્યાનું વિગતવાર વર્ણન કરવું મુશ્કેલ છે.

લીલું તાજું ઘાસ સાબરનો મગનમતો ખોરાક છે. આ ઉપરાંત તેને કુમળાં પાંદડાં અને કુમળી ડાળખીઓ ચરવી ગમે છે. આમળાં અને હળદરવાની છાલ તેને ખૂબ ભાવે છે. ઠળિયા વિનાનાં રસદાર ફળો અને જમીન ઉપર મળી આવતા ખોરાકનો તે ઉપયોગ કરે છે.

નર સાબરમાં થતી નિયતકાલિક કામોત્તેજના દરમિયાન તેનું ગળું ફૂલે છે. ખભાના વાળ વધુ લાંબા જ્યારે છેડા ઘેરા રંગના બને છે. કામોત્તેજનાનો સમય ઑક્ટોબરથી ડિસેમ્બર સુધીનો હોય છે. માદા ત્રણ વર્ષની થતાં ગર્ભધારણ કરવા લાયક બને છે. ગર્ભ-વિકાસનો સમય આઠેક મહિના જેટલો હોય છે. જન્મ વખતે બચ્ચાનું વજન લગભગ 10 કિલોગ્રામ જેટલું હોય છે.

સાબર

સાબરનાં શીંગડાં : તેનાં શાખામય શીંગડાંઓ જીવંતપેશીનાં બનેલાં હોય છે. શીંગડાંના વિકાસ દરમિયાન તેની ફરતે રોમયુક્ત ચામડીનું આવરણ હોય છે જે મખમલ જેવું સુંવાળું હોય છે, અને તેમાં પુષ્કળ પ્રમાણમાં ચેતાઓ અને રુધિર કેશિકાઓ આવેલી હોય છે. શરૂઆતમાં શીંગડાં પોચાં અને બટકણાં હોય છે. સમય જતાં તે કઠણ બને છે અને ત્યારબાદ રોમયુક્ત ચામડી ખરી પડે છે અને ફક્ત ખુલ્લાં હાડકાં દેખાય છે. સાબરના ઋતુકાળના અંતે એટલે ડિસેમ્બરના અંતે તેનાં શીંગડાં ખરી પડે છે. ચારથી પાંચ મહિના બાદ એટલે કે એપ્રિલ-મે મહિનામાં નવાં શીંગડાં ઊગે છે. આમ તેનાં શીંગડાં અલ્પજીવી અંગ છે. સાબર જ્યારે લૈંગિક રીતે પરિપક્વ થાય અને જીવનની સર્વોત્તમ પુખ્ત અવસ્થાએ ન પહોંચે ત્યાં સુધી તેના દરેક વર્ષે ઊગતાં નવાં શીંગડાંઓ જટિલ રચનાવાળાં થાય છે અને એ રીતે તેની શાખાઓમાં વધારો થયા કરે છે. શીંગડાંમાં ઉમેરાતી નવી શાખાઓના સાંધાઓ પરથી સાબરની ઉંમરની ગણતરી થાય છે. ઉનાળા દરમિયાન શીંગડાં સાબરને ઠંડક આપે છે. માદામાં શીંગડાંનો અભાવ હોવાથી ગરમીથી બચવા તે હંમેશાં ઝાડીમાં રહેવાનું પસંદ કરે છે.

કામોત્તેજનાની શરૂઆતમાં સાબરની ડોકની વક્ષ બાજુએ 5 સેમી. વ્યાસવાળા કડા જેવી ગોળાકાર ગ્રંથિ બને છે અને ત્યાંથી ગંધયુક્ત ચીકણા અને સફેદ રંગના પ્રવાહીનો સ્રાવ થાય છે જે સાબરના ચાલવાની સાથે વનસ્પતિ પર પડે છે. સાબર આ પ્રવાહીની ગંધ સૂંઘીને જંગલમાં એકબીજાંનો સંપર્ક સાધે છે.

નર સાબર નવેમ્બરથી જાન્યુઆરીમાં અત્યંત ઉત્તેજિત બને છે અને તે કાદવવાળી જગ્યામાં બેસીને જમણા શીંગડાની ટોચથી ખાડો ખોદી અને તેમાં આળોટતો હોય છે, તેથી તેના શરીર ઉપર કાદવના લોંદા જોવા મળે છે. જ્યારે આ સમય દરમિયાન માદા સાબર મોટેથી ચીસો પાડતી હોય છે. તેના ચહેરા પરની ગ્રંથિમાંથી ઉદ્ભવતી તીવ્ર ગંધ વાતાવરણમાં ફેલાય છે જેથી નર તેના તરફ આકર્ષાય છે.

સાબર જંગલમાં પોતાનો પ્રાદેશિક વિસ્તાર અલગ પાડે છે. આને માટેના કેટલાક નજરે ચડે એવા સંકેતો મળે છે; જેવા કે કાદવવાળી જગ્યાઓ અને ઝાડની છાલમાં પટ્ટા પડેલા હોય છે. સાબર દુશ્મનના ખતરા સામે અન્ય સાબરને સાવચેત કરવા માટે દૃશ્ય, શ્રવણ અને ઘ્રાણેન્દ્રિયને લગતા સંકેતો દર્શાવે છે. આ સંકેતો ટોળામાં રહેતા બધા સાબરોને મદદરૂપ નીવડે છે.

સાબર (Cervus timorensis) : આ સાબર સુન્ડા તરીકે ઓળખાય છે, જે જાવા અને બાલીમાં મળી આવે છે. કદમાં ભારતીય સાબર કરતાં નાનાં હોય છે. ખતરો ઊભો થતાં પૂંછડી ઊંચી કરતાં નથી. આ સાબર દરિયામાં તરી શકે છે અને તેનું ખારું પાણી પીએ છે.

સાબર (Cervus mariansis) : આ સાબર ફિલિપાઇન્સમાં મળી આવે છે. તે ગીચ ઝાડીવાળાં પર્વતો અને મેદાનોમાં વસે છે. કદમાં તે નાનાં અને તેમની પૂંછડી પણ નાની હોય છે.

યોગેશ મણિલાલ દલાલ

રા. ય. ગુપ્તે