સાબરકાંઠા : ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો. તે 23° 03´થી 24° 30´ ઉ. અ. અને 72° 43´થી 73° 39´ પૂ. રે. વચ્ચેનો 7,390 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે, ઈશાન અને પૂર્વમાં રાજસ્થાનના સિરોહી, ઉદેપુર અને ડુંગરપુર-વાંસવાડા જિલ્લા; દક્ષિણમાં પંચમહાલ, ખેડા અને ગાંધીનગર જિલ્લા તથા પશ્ચિમમાં મહેસાણા અને બનાસકાંઠા જિલ્લા આવેલા છે. જિલ્લામથક હિંમતનગર જિલ્લાની મધ્યમાં પશ્ચિમ તરફ આવેલું છે.
ભૂપૃષ્ઠ : આ જિલ્લાના બે સ્પષ્ટ પ્રાકૃતિક વિભાગો પડે છે : ઉત્તર અને પૂર્વમાં આવેલો પહાડી પ્રદેશ તથા દક્ષિણ અને પશ્ચિમે આવેલો મેદાની પ્રદેશ. ઉત્તર અને પૂર્વ તરફની સરહદો અરવલ્લીની ટેકરીઓથી બનેલી છે. પોશીના પટ્ટા તરીકે ઓળખાતા આ વિભાગમાં ખેડબ્રહ્મા, વિજયનગર, ભિલોડા, મેઘરજ, માલપુર, ઈડર અને વડાલી તાલુકાઓ આવેલા છે. દક્ષિણ અને પશ્ચિમના મેદાની વિભાગમાં પ્રાંતિજ, બાયડ, હિંમતનગર, મોડાસા જેવા તાલુકાઓનો સમાવેશ થાય છે.
જિલ્લામાં ત્રણ પ્રકારની જમીનો છે : રેતાળ, કાંકરીમય ગોરાડુ અને મધ્યમસરની કાળી. રેતાળ જમીનો મોડાસા, મેઘરજ, માલપુર, હિંમતનગર, ભિલોડા અને ઈડરના કેટલાક ભાગોમાં જોવા મળે છે; ગોરાડુ જમીનો મોડાસા, હિંમતનગર, ભિલોડા, માલપુર અને પ્રાંતિજમાં જોવા મળે છે; જ્યારે કાળી જમીનો ખેડબ્રહ્મા, વિજયનગર, બાયડ અને ઈડર તાલુકાઓના કેટલાક ભાગોમાં જોવા મળે છે.
જળપરિવાહ : આ જિલ્લામાં ઘણી નાની મધ્યમસરની નદીઓ, સરોવરો અને તળાવો વગેરે આવેલાં છે. સાબરકાંઠા-મહેસાણા જિલ્લાઓ વચ્ચેની સરહદ સાબરમતીથી બનેલી છે. ભિલોડા નજીકથી નીકળતી હાથમતી અહીંની મુખ્ય નદી છે, તે હિંમતનગરમાંથી પસાર થાય છે અને સાબરમતીને મળે છે. ઈડર તાલુકામાં બડોલી નજીકથી ઘુવાઈ અને વેકરી નદીઓ પસાર થાય છે, તે હાથમતીને મળે છે. ખેડબ્રહ્મા નજીક હરણાવ, કોસામ્બી અને ભીમાક્ષી ભેગી થાય છે. સાબરમતી અને વાકળ ખેડબ્રહ્મા નજીક છોછર ખાતે ભેગી થાય છે. અન્ય નદીઓમાં બુધેલી (ટોરડા, જેતપુર), મેશ્ર્વો (શામળાજી) અને વાત્રક (બાયડ) છે. હિંમતનગરના હાપા નજીક સુરસાગર સરોવર તથા ઈડર પાસે રાણી તળાવ જાણીતાં છે. જિલ્લાનાં ઘણાં ગામો અને નગરોમાં અનેક તળાવો અને વાવો આવેલાં છે.
સાબરકાંઠા જિલ્લો
ખેતી–પશુપાલન : જિલ્લાના મુખ્ય કૃષિપાકોમાં ઘઉં, મકાઈ, જુવાર, બાજરી, ડાંગર, તુવેર, ચણા, મગ, અડદ, કપાસ, મગફળી તેમજ તેલીબિયાંનો સમાવેશ થાય છે. જ્યાં નદીયોજનાઓ છે ત્યાં સિંચાઈનો લાભ મળે છે, બાકી કૂવા અને વરસાદ પર આધાર રાખવો પડે છે. સાબરમતી પરના ધરોઈ બંધથી આજુબાજુનાં ગામોમાં નહેરો મારફતે સિંચાઈનો લાભ મળી રહે છે.
ગાય, બળદ, ભેંસ, ઘેટાંબકરાં, ગધેડાં, ઊંટ, ઘોડા, ટટ્ટુ અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. મરઘાં-બતકાંનો ઉછેર પણ થાય છે. પશુઓની સાર-સંભાળ માટે પશુ-દવાખાનાં, ચિકિત્સાલયો, કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો તથા પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રો આવેલાં છે. હિંમતનગર ખાતે મરઘાં-બતકાં-ઉછેર-કેન્દ્ર વિકસાવાયું છે. જિલ્લામાં આશરે 750 જેટલી દૂધમંડળીઓ છે, તે હિંમતનગર ખાતે સ્થપાયેલી સાબર ડેરીને દૂધનો પુરવઠો પૂરો પાડે છે. સાબર ડેરીમાં દૂધ અને દૂધની જુદી જુદી પેદાશો તૈયાર થાય છે. હિંમતનગર, પ્રાંતિજ, ખેડબ્રહ્મા, ભિલોડા અને મેઘરજ તાલુકાઓમાં માછીમારીનો વ્યવસાય ચાલે છે. જિલ્લામાં 7 મત્સ્ય-સહકારી મંડળીઓ આવેલી છે.
ઉદ્યોગ–વેપાર : જિલ્લો કપાસ-ઉત્પાદનમાં મોખરે હોવાથી કાપડ-ઉદ્યોગમાં ઘણા લોકો કામ કરે છે. બીજા ક્રમે ખાદ્યપ્રક્રમણની પેદાશો આવે છે. આ બંને ઉદ્યોગોમાં જિલ્લાના આશરે 85 % લોકો રોકાયેલા છે. જિલ્લાના આશરે 12 % લોકો સમારકામ, અધાત્વિક ખનિજ-પેદાશો, કાગળ અને કાગળની પેદાશો, મુદ્રણકામ અને પ્રકાશનમાં રોકાયેલા છે. જિલ્લામાં કાપડ-ઉદ્યોગ, ખાદ્યપ્રક્રમણ, સમારકામ, અધાત્વિક ખનિજ પેદાશો, કાગળ કાગળની પેદાશો, પ્રકાશન-મુદ્રણ, યંત્રસામગ્રી-ઓજારો તથા રસાયણો રાસાયણિક પેદાશો માટેના એકમો કાર્યરત છે.
જિલ્લામાં દવાઓ, કીટનાશકો, સાબુ, સિંગતેલ, મકાઈની પેદાશો, ગોળ, આઇસક્રીમ, પૅકિંગનો સામાન, ચામડાં, ઍલ્યુમિનિયમનાં વાસણો, વીજળીનો સામાન, રૂ અને રૂની ગાંસડીઓ, સ્ટેશનરી, રમકડાં અને ક્રૉકરીનું ઉત્પાદન લેવાય છે.
ઉપર્યુક્ત ઉત્પાદનની પેદાશો ઉપરાંત માછલી, મીઠાઈ, દૂધ, કપાસ, બીડીઓ અને કઠોળની નિકાસ તથા મગફળી, કાપડ, લાકડાં, સિમેન્ટ, ચા, ઉપભોગની ચીજવસ્તુઓ, વાસણો, ડીઝલ-પેટ્રોલ, કટલરી, ચિનાઈ માટી, લોખંડનો સામાન અને રાસાયણિક ખાતરોનો વેપાર ચાલે છે, જે પૈકી ઘણીખરી વસ્તુઓની આયાત થાય છે.
પરિવહન : જિલ્લામાં 19 જેટલાં રેલમથકો સહિત 186 કિમી. લંબાઈના રેલમાર્ગો આવેલા છે. સડકમાર્ગોની લંબાઈ આશરે 2,500 કિમી. જેટલી છે; તે પૈકી 93 કિમી.ના રાષ્ટ્રીય ધોરી માર્ગો, 367 કિમી.ના રાજ્ય ધોરી માર્ગો, 562 કિમી.ના જિલ્લામાર્ગો, 557 કિમી.ના અન્ય તથા 885 કિમી.ના ગ્રામમાર્ગો છે. જિલ્લાનાં કુલ 1,363 ગામડાંમાંથી 1,194 ગામોને રાજ્ય-પરિવહનની બસસેવાનો લાભ મળે છે.
પ્રવાસન : હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાનું વડું વહીવટી મથક છે. ભૌગોલિક સ્થાન : 23° 36´ ઉ. અ. અને 79° 58´ પૂ. રે.. તે જિલ્લાની મધ્યમાં પશ્ચિમ તરફ આવેલું છે. 1411-1443 દરમિયાન થઈ ગયેલા સુલતાન અહમદશાહ પહેલાએ 1426માં આ સ્થળ વસાવેલું, ત્યારે તેનું નામ અહમદનગર હતું. તે વખતના ઈડરના દેશી રાજ્યના રાજવી મહારાજા હિંમતસિંહજીએ અહમદનગરનું નામ બદલી હિંમતનગર રાખી, દેશી રાજ્ય ઈડરની રાજધાની ત્યાં ખેસવેલી. આ શહેરમાં પાંચ જૈન મંદિરો – બે દિગંબર અને ત્રણ શ્વેતાંબર, ભોલેશ્વર અને ઝરણેશ્વર મહાદેવ, જૂના દરબારગઢ નજીક મહામંદિર તથા શહેરમાં સ્વામિનારાયણ-મંદિર અને ગાયત્રી-મંદિર આવેલાં છે. આ શહેરમાં ત્રણ વાવો છે, તે પૈકીની જૂનામાં જૂની વાવ કાજીની વાવડી છે. તે રેલવેપુલ અને સડકપુલ વચ્ચે આવેલી છે, તેની અંદરની ભીંતો પર અભિલેખો કોતરેલા જોવા મળે છે. હિંમતનગર રેલજંક્શન પણ છે. અહીંથી એક ફાંટો ખેડબ્રહ્મા તરફ અને બીજો ઉદેપુર તરફ જાય છે.
ઈડર : તાલુકામથક. જૂના વખતનું રજવાડું. આજે તે મહત્ત્વનું વેપારી-મથક બની રહેલું છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં ઇડરિયો ગઢ (કિલ્લો), ગઢની પાછળના ભાગમાં ડુંગરો વચ્ચે આવેલાં બાવન દેરીઓ ધરાવતાં જૈનમંદિરો, રૂઠી રાણીનો (એકદંડિયો) મહેલ, રણમલની ચોકી, સ્વામિનારાયણનું મંદિર, ચંદનગુફા, રાજચંદ્રવિહાર તથા નવા જૈનમંદિર સહિતના રાણી તળાવનો સમાવેશ થાય છે. વર્ષો પહેલાં પહાડોની હારમાળા વચ્ચે ઘેરાયેલું ઈડર આજે વિસ્તરીને ઠીક ઠીક મોટું બની રહેલું છે અને તાલુકાનું ખરીદ-વેચાણનું મુખ્ય મથક બન્યું છે.
હાપા : ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વનાં ગણાતાં કેટલાંક પ્રાચીન સ્મારકો અહીંના ગઢવાલ નજીક ખંડિયેર હાલતમાં જોવા મળે છે. નજીકમાં એક રામજીમંદિર અને સુરસરોવર આવેલાં છે.
લિંભોઈ : ઇડરિયો ગઢ અને શ્વેતાંબર જૈન દેરાસર ધરાવતા ડુંગરના પાછળના ભાગમાં ઈડરના દેશી રાજ્ય વખતનું જૂનું કળનાથ (મૂળ નામ કણ્વનાથ) મહાદેવનું મંદિર આવેલું છે. તે જૂના ઈડર રાજ્યનાં પંચરત્નો – પાંચ રત્નસમાં સ્થળો (ઈડરે પંચરત્નાનિ ભૃગુ:, બ્રહ્મા, ગદાધર; ચતુર્થં કલનાથશ્ચ પંચમં ભુવનેશ્વર:.) – પૈકીનું એક ગણાય છે. અહીં ઠંડું અને ચોખ્ખું પાણી આપતી વાવ આવેલી છે.
બડોલી–ભદ્રેસર : આ બંને ગામ ઈડરથી થોડાક કિમી.ને અંતરે આવેલાં છે. બડોલીમાં હેપડી માતાનું મંદિર છે. ત્યાં લકવાપીડિત દર્દીઓને રોગમુક્તિ મળતી હોવાની માન્યતા છે. અહીં એક શિવાલય તેમજ સ્વામિનારાયણનું મંદિર છે. નજીકમાં ઘુવાઈ અને વેકરી નદીનું સંગમસ્થળ છે, જ્યાં નારાયણેશ્વર મહાદેવનું મંદિર છે. ઘુવાઈ-કાંઠે વસેલા ભદ્રેસર ગામમાં ભદામેશ્વરનું એક રમણીય મંદિર તથા અંબાજીનું મંદિર આવેલાં છે. ત્યાં દર વર્ષે આસો નવરાત્રિની અષ્ટમીએ હવન થાય છે. વળી આ ગામની નજીક ઘુવાઈ નદી પર ગુહાઈ બંધ બાંધવામાં આવ્યો છે. જળાશયની ડૂબમાં ગયેલાં ગામોની પુનર્વસાહતોનાં નામ ‘રામાયણ’ અને ‘મહાભારત’ અપાયાં છે !
ખેડબ્રહ્મા : અમદાવાદ-પ્રાંતિજ મીટરગેજ રેલમાર્ગ પરનું અંતિમ રેલમથક. આ સ્થળ અંબાજી મંદિર (દાંતા-અંબાજીની તુલનાએ નાના અંબાજી) તથા ભારતમાં વિરલ ગણાતી બ્રહ્માજીની મૂર્તિ ધરાવતા મંદિર માટે યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. અહીં નજીકમાં ભૃગુઋષિનો આશ્રમ છે તથા કોટેશ્વર-પંખેશ્વર (પક્ષેન્દ્રનાથ) મહાદેવના મંદિર પાસે હરણાવ-કોસામ્બી-ભીમાક્ષી નદીઓનું સંગમ સ્થાન છે. ભૃગુઋષિના આશ્રમની સામે વાવ તથા ક્ષીર-જંબા માતાનું મંદિર, હાટકેશ્વર મંદિર અને જૈન-મંદિરો આવેલાં છે. આ બધાં મંદિરો ભૂતકાળની સ્મૃતિરૂપ છે. બ્રહ્માજીના મંદિરનું સ્થાપત્ય બારમી સદીનું હોવાનું મનાય છે.
અંદ્રોખ : અતિઆકર્ષક પ્રવેશદ્વાર ધરાવતું એક પંચશિવાલય અહીં આવેલું છે. આ મંદિર પુરાતનકાળનું ગણાતું હોવાથી પુરાતત્વખાતા તરફથી તેને એક રક્ષિત સ્મારક તરીકે જાળવી રખાયું છે.
ઉભરાણ : આ ગામની નજીકમાં સુરપાણેશ્વર (શૂલપાણીશ્વર) મહાદેવનું મંદિર આવેલું છે. તે ઉજાણીસ્થળ પણ છે.
વીરેશ્વર : તે ઈડર-વિજયનગરને રસ્તે ઈડરથી આશરે 25 કિમી.ને અંતરે આવેલું આ વિસ્તારનું ખૂબ જ જાણીતું સ્થળ છે. અહીં પર્વતની તળેટીમાં મહાદેવનું મંદિર છે. ત્યાં ઊમરાના ઝાડના મૂળમાંથી પાણી ઝરે છે, જે મંદિર માટે ઉપયોગમાં લેવાય છે. તે પાણી થોડા અંતર બાદ અદૃશ્ય બની જાય છે. આ સ્થળ ઉજાણીનું સ્થળ પણ છે. અહીંથી થોડા કિમી.ના અંતરે પોળોનાં પ્રાચીન મંદિરો ખંડિયેર રૂપે જળવાયેલાં છે. અહીં હરણાવ નદી પર એક બંધ બાંધવામાં આવેલો છે.
આંબલિયારા : આ સ્થળ નીલકંઠેશ્વર મહાદેવના મંદિર તથા એક જૂની મુસ્લિમ કબર માટે જાણીતું છે. એમ કહેવાય છે કે અહીં એક ભોંયરું છે, જે અહીંથી થોડાક કિમી. દૂર આવેલા અમદાવાદ જિલ્લાના બહિયલ ગામે નીકળે છે.
બાયડ : બાયડ ગામમાં વાત્રક નદી કાંઠે ધારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
આભાપુર : 1100માં બંધાયેલ સારણેશ્વર મહાદેવના મંદિરના કારણે જાણીતું સ્થળ. મંદિર ગામની બહારના ભાગમાં આવેલું છે. અલાઉદ્દીન ખલજીના ભાઈ અલફખાને પાટણ પરના હુમલા વખતે આ મંદિરનો નાશ કરેલો. અહીં નજીકમાં જ 15મી સદીમાં બંધાયેલું કહેવાતું એક સૂર્યમંદિર અને એક શિવાલય પણ છે. આ બંને મંદિરોને રક્ષિત મંદિરો તરીકે જાહેર કરાયેલાં છે. આ ઉપરાંત અહીં ખંડિયેર હાલતમાં લાખેણાનાં જૈનમંદિરો પણ છે. આ પૈકી 1500ના અરસામાં બંધાયેલું એક દિગંબર જૈનમંદિર પણ છે. સારણેશ્વર મંદિર નજીક એક સતી માતાનું મંદિર તેમજ પીરની બે દરગાહો આવેલી છે. આ પીર પ્રત્યે હિન્દુ-મુસ્લિમ બંને આદરભાવ રાખે છે.
શામળાજીનું મંદિર, સાબરકાંઠા
શામળાજી (ગઢડા શામળાજી) : ગુજરાત-રાજસ્થાનની સરહદ નજીક હિંમતનગર-ઉદેપુર માર્ગ પર ગુજરાતનું આ પ્રસિદ્ધ યાત્રાધામ આવેલું છે. આ સ્થળનું જૂનું નામ ગઢડા શામળાજી હતું. અહીંના શામળિયાજી(કૃષ્ણ)ના મંદિરમાં કાળા આરસમાંથી કંડારેલી પૂરા કદની શ્યામવર્ણી મૂર્તિ પધરાવેલી છે. આ મંદિર આશરે 500 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. મંદિરનું સ્થાપત્ય વિશિષ્ટ પ્રકારનું છે.
વસ્તી : 2001 મુજબ સાબરકાંઠા જિલ્લાની વસ્તી 20,83,416 જેટલી છે, તે પૈકી સ્ત્રી-પુરુષોનું પ્રમાણ લગભગ સરખું છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું સંખ્યાપ્રમાણ અનુક્રમે 90 % અને 10 % જેટલું છે. જિલ્લામાં હિન્દુ-મુસ્લિમ-જૈનો વિશેષ છે; જ્યારે શીખ, બૌદ્ધ અને ખ્રિસ્તીઓનું પ્રમાણ ઓછું છે. જિલ્લામાં ગુજરાતી, હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. સાક્ષરતાનું પ્રમાણ 50 % જેવું છે. અહીંનાં મોટાભાગનાં નગરોમાં કૉલેજ-શિક્ષણની સગવડ છે. બધાં જ નગરોમાં અને મોટાભાગનાં ગામોમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ આવેલી છે. કેટલાંક નગરોમાં પ્રૌઢશિક્ષણની પણ વ્યવસ્થા છે. જિલ્લામાં 20થી વધુ કૉલેજો છે. અહીં હૉસ્પિટલો, ચિકિત્સાલયો, કુટુંબ-નિયોજન-કેન્દ્રો, પ્રાથમિક સ્વાસ્થ્ય-કેન્દ્રો-ઉપકેન્દ્રો, પ્રસૂતિગૃહો અને બાળકલ્યાણ-કેન્દ્રોની સુવિધા છે. 489 જેટલા સમાજસ્વાસ્થ્ય-સેવકો સેવાકાર્યમાં રોકાયેલા છે. આ ઉપરાંત ક્ષયચિકિત્સાલયોની પણ જિલ્લામાં વ્યવસ્થા છે. હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, માલપુર, મોડાસા, પ્રાંતિજ, તલોદ ખાતે ચિકિત્સાલયોની સારી વ્યવસ્થા છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 10 તાલુકા, 10 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 8 નગરો અને 1,368 (23 વસ્તીવિહીન) ગામડાં છે.
ઇતિહાસ : સાબરકાંઠા જિલ્લાનું વડું વહીવટી મથક હિંમતનગર છે. આ સ્થળ સુલતાન અહમદશાહ પહેલાએ 1426માં ઈડરના રાવને કાબૂમાં રાખવા માટે વસાવેલું અને તેને અહમદનગર નામ આપેલું. 1848માં ઈડરના રાજવીને તે સોંપી દેવાયું. તે પછી ઘણા સમય બાદ મહારાજા હિંમતસિંહજીએ તેનું નામ બદલીને હિંમતનગર કર્યું અને ઈડરના દેશી રાજ્યની રાજધાની ઈડરથી બદલીને હિંમતનગર ખાતે ખેસવી.
ઇડરિયો ગઢ
ઈડર (પ્રાચીન નામ ઇલ્વદુર્ગ) તેના ઇડરિયા ગઢ માટે આખા ગુજરાતમાં જાણીતું છે. ઈડર ત્યાંના ડુંગરોની શ્રેણીની તળેટીમાં વસેલું છે. ઈડરનું દેશી રાજ્ય મૂળ પરિહાર રાજપૂતોએ ઊભું કરેલું. તેમણે ચિતોડના વર્ચસ્ હેઠળ ઘણી પેઢીઓ સુધી ઈડર પર શાસન કરેલું. બારમી સદીના અંતભાગમાં ઈડર-નરેશે પૃથ્વીરાજ ચૌહાણને મુસ્લિમો સામેના યુદ્ધમાં મદદ કરેલી. તેમાં થાણેશ્વર (1193) ખાતે હાર થતાં ઈડર-નરેશ મરાયેલા. ત્યારપછી ઈડરનું રાજ્ય હાથી સોઢ નામના કોળીના હાથમાં ગયું. તેનો પુત્ર શામળિયો સોઢ ગાદીએ આવેલો, તે સોનંગજી નામના રાઠોડ કુંવર દ્વારા મરાયેલો. આ રીતે ઈડરનો કબજો સોનંગજીને હસ્તક આવ્યો. ત્યારથી રાવવંશની શરૂઆત થઈ. રાવવંશે તે પછી ઘણી પેઢીઓ સુધી અહીં શાસન કર્યું. ત્યારે સાબરકાંઠાના આ વિસ્તારમાં વિજયનગરનું પણ રાજ્ય હતું, તે ઈડરના રાજ્ય સાથે ભેળવી દેવાયેલું.
તે પછીથી આંબલિયારા, મોહનપુર, માલપુર, બાયડ અને સાદરા એજન્સીનાં રાજ્યો સાબરકાંઠા જિલ્લામાં ભળતાં ગયાં. આ રીતે આ સાબરકાંઠા જિલ્લો 29 દેશી રાજ્યોનો બન્યો. પ્રાંતિજ અને મોડાસા તાલુકા પહેલાં અમદાવાદ જિલ્લામાં હતા, તે પણ ઉમેરાયા.
1956માં મુંબઈનું દ્વિભાષી રાજ્ય બન્યું, ત્યારે પણ આ જિલ્લો હતો અને 1960માં ગુજરાતનું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યા પછી પણ આ જિલ્લો એમ જ રહ્યો છે.
ગિરીશભાઈ પંડ્યા