સાપુતારા : ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં આવેલું સુવિકસિત ગિરિમથક. ભૌગોલિક સ્થાન : તે 20° 42´ ઉ. અ. અને 73° 37´ પૂ.રે. પર આવેલું છે. તે સહ્યાદ્રિ હારમાળામાં અંદાજે 1,000 મીટરની ઊંચાઈ ધરાવે છે. તે અમદાવાદથી 400 કિમી., વડોદરાથી 300 કિમી., સૂરતથી 135 કિમી. અને મુંબઈથી 255 કિમી. અંતરે આવેલું છે. ‘સાપુતારા’ નામનો અર્થ ‘સાપોનો નિવાસપ્રદેશ’ એવો થાય છે.

સાપુતારા મહદ્અંશે પહાડી ભૂપૃષ્ઠ ધરાવે છે. ગામની નજીકથી સર્પગંગા નામની નદી વહે છે. પશ્ચિમ ઘાટમાંથી નીકળતી આ નદીએ ઘણા વળાંકો રચ્યા છે. અહીંના ભૂપૃષ્ઠનું બંધારણ મધ્ય ક્રિટેસિયસથી પ્રારંભિક ઇયોસીન કાળગાળામાં પ્રસ્ફુટન પામેલા લાવાના ખડકોથી બનેલું છે, ત્યાં ડેક્કન ટ્રેપ રચનાના બેસાલ્ટ ખડકો પથરાયેલા છે. કેટલાક વિસ્તારમાં લાલ માટીનું તો અન્યત્ર ઘણે ઠેકાણે રેગર અથવા કાળી માટી(Regur or Black Cotton Soil)નું આવરણ પથરાયેલું જોવા મળે છે.

અહીંનું શિયાળા તથા ઉનાળાનું સરેરાશ વાર્ષિક તાપમાન અનુક્રમે આશરે 16° સે.થી 32° સે. રહે છે. તે ઊંચાઈ પર આવેલું હોવાથી નૈર્ઋત્યના મોસમી પવનો પ્રમાણમાં સારો વરસાદ આપે છે. અહીંનાં જંગલોમાં સાગ અને વાંસ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. તે ઉપરાંત ઇમારતી લાકડું આપતાં અન્ય વૃક્ષો પણ ઊગે છે. ઔષધીય વનસ્પતિ અહીંથી વિપુલ પ્રમાણમાં મળે છે.

સાપુતારા વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડવા માટે એક જળાશય તૈયાર કરવામાં આવેલું છે. તે 845 મીટરની ઊંચાઈએ આવેલું છે. ઋતુ અનુસાર તેમાં 5.2611 હેક્ટરથી 16.1888 હેક્ટર વિસ્તારમાં જળસંગ્રહ રહે છે. રાજ્યના મત્સ્યવિભાગ દ્વારા આ જળાશયમાં મત્સ્યઉછેર થાય છે. માછલાંનું વાર્ષિક ઉત્પાદન 10 ટનથી વધુ થાય છે. અહીં મધમાખી-ઉછેરકેન્દ્ર પણ વિકસાવવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યનું સુવિકસિત ગિરિમથક, સાપુતારા

અહીંનાં મુખ્ય સહેલગાહ-કેન્દ્રોમાં સાપુતારા સરોવર, રજ્જુમાર્ગ, વેલી વ્યૂ પૉઇન્ટ, સનસેટ પૉઇન્ટ, ટ્રાઇબલ મ્યુઝિયમ, લેક ગાર્ડન, સ્ટૅપ-ગાર્ડન તથા રોઝ-ગાર્ડનનો સમાવેશ થાય છે.

સાપુતારા ગિરિમથક ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોનાં મુખ્ય શહેરો સાથે સડકમાર્ગોથી સંકળાયેલું છે. વઘઈ-નાસિક માર્ગ અહીંથી પસાર થાય છે.

નીલેન્દ્ર ગ. દીક્ષિત