સાપના ભારા (1936) : ગુજરાતના ગાંધીયુગીન મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીનો પ્રથમ એકાંકીસંગ્રહ. એમાં 11 સામાજિક એકાંકીઓ છે. આ સંગ્રહ ઉમાશંકરે એમના પિતાશ્રીને અર્પણ કરેલો છે અને તેમાં પ્રારંભે રામનારાયણ વિ. પાઠકનો પરિચયલેખ છે. એ પરિચયલેખમાં રા. વિ. પાઠકે ગુજરાતનાં મર્યાદિત નાટકસાહિત્યમાં આ એકાંકીઓને વિશિષ્ટ સ્થાનના અધિકારી ગણાવ્યાં છે.

આ નાટકો લખવાની શરૂઆત, ઉમાશંકરે જણાવ્યું છે તેમ, વિસાપુર જેલમાં કરેલી. એ ગાળામાં નાટકે ઉમાશંકરના ચિત્ત પર એવો કબજો જમાવેલો કે તેમને જ્યાં નજર નાખે ત્યાં નાટક દેખાતું હતું. આ સંગ્રહમાંનાં તેમનાં પહેલાં પાંચ નાટકો જૂન, 1932થી ઑગસ્ટ, 1932 સુધીનાં અને બાકીનાં છ 1933માં લખાયેલાં છે. 1932ના મેમાં ‘શહીદનું સ્વપ્ન’ લખ્યા પછી તુરત જૂનમાં ‘સાપના ભારા’ લખ્યું અને ‘નર્યા વાસ્તવલોક’માં મુકામ જમાવ્યો. ઉમાશંકરે પહેલી વાર ઉત્તર ગુજરાતની બોલીનો સર્જનાત્મક વિનિયોગ આ નાટકોમાં કર્યો. આ સંગ્રહમાંનાં મોટાભાગનાં નાટકોમાં ગ્રામીણ પરિવેશ છે. એમાં સામાજિક-આર્થિક વિષમતાનું, રૂઢિગ્રસ્તતાનું, શોષણનું, સ્વાર્થપરાયણતા ને દાંભિકતાનું મનોવેધક ચિત્રણ છે. આ નાટકોને કવિની દૃષ્ટિ ને હથોટીનો ઊંડો લાભ મળ્યો છે. તેથી આ નાટકોમાં જે પાત્ર-ઘટના-પરિસ્થિતિ છે તેને વેધક અને વ્યંજનાત્મક રીતે ઉપસાવે એવી લાઘવભરી ને મર્મીલી સંવાદરીતિનો પ્રભાવક રીતે વિનિયોગ થયો છે.

આ નાટ્યસંગ્રહનું શીર્ષક જેના આધારે અપાયું છે તે પહેલા એકાંકી ‘સાપના ભારા’ની કરુણગંભીર છાયા નર્મમર્મ, કટાક્ષ, વિનોદ વગેરેનાં બિન્દુઓ છતાં સમગ્ર સંગ્રહને આવરી લેતી જણાય છે. ‘સાપના ભારા’માં જાતીય શોષણનો ભોગ બનતી વિધવા નારીની કરુણિકા છે. ‘બારણે ટકોરા’માં આતિથ્યભાવનાનો અતિરેક સર્જતી વિષમતાનું મર્મસ્પર્શી નિરૂપણ છે. કલાત્મક સંદિગ્ધતાનો એના અંતમાં સરસ લાભ લેવાયો છે. ‘ઊડણ ચરકલડી’માં જે વર થવા પાત્ર હતો તેને જ અણવર તરીકે મળવાનું થતાં લગ્નોત્સુક કન્યાનો જે આશાભંગ થાય છે તેનું વેદનાકર નિરૂપણ છે. ‘ખેતરને ખોળે’ પારિવારિક ને સામાજિક સિતમમાં રહેંસાતી નારીની વેદનાનું ચિત્ર આપતું તો ‘શલ્યા’ પુત્રીજન્મ પ્રત્યેનો પારિવારિક અભિગમ દર્શાવતું નાટક છે. જેમ ‘સાપના ભારા’ તેમ ‘કડલાં’ આ સંગ્રહનું એક ઉત્તમ એકાંકી છે. એમાં ગામડામાં ધીરધારના નિમિત્તે થતા આર્થિક શોષણનું સચોટ નિરૂપણ છે. ‘પડઘા’માં રા. વિ. પાઠકને એકસાથે શહેરમાં ગામડું ને ગામડામાં શહેર દેખાય છે. એમાં બાલમાનસની એક ધ્યાનાર્હ બાજુ રજૂ થઈ છે. ‘દુર્ગા’ પુત્રૈષણાની સમસ્યા સાથે સંકળાયેલું, આ સંગ્રહમાં અલગ ભાત પાડતું એકાંકી છે. ‘ગાજરની પિપૂડી’ 1932-33ના વાતાવરણને અનુલક્ષીને લખાયેલું છે. તેમાં નક્કર પાયા વિનાની મહેચ્છાઓના ગુબ્બાર ઉડાવતી યુવાનોની ચેષ્ટાઓનું કટાક્ષાત્મક નિરૂપણ છે. આ નાટકમાં નગરનો પરિવેશ છે તે પણ ઉલ્લેખનીય બાબત છે. આ નાટકના અનુસંધાનમાં આ સંગ્રહનું છેલ્લું ‘વિરાટ જનતા’ પણ જોવા જેવું છે. એ નાટકમાં અહીંનાં અન્ય નાટકોનાં સૂચિત પાત્રોનો જે રીતે વિનિયોગ થયો છે એમાં ઉમાશંકરની ઊંચી પ્રતિની સર્જકતા સાથે નાટ્યપ્રયોગની નૂતનતા પણ પ્રતીત થાય છે. ઉમાશંકરે ‘ઢેડના ઢેડ ભંગી’માં વર્ગવૈષમ્યનો-અસ્પૃશ્યતાનો પ્રશ્ન છેક છેવાડાના વર્ગ સુધી કેવો વ્યાપેલો ને વકરેલો છે તેનું વાસ્તવિક ચિત્ર આપ્યું છે.

આ સંગ્રહમાં એકંદરે કારુણ્ય ને કરુણાનું વ્યાપક પ્રવર્તન જોઈ શકાય છે. લેખક ઉત્તમ એકાંકીકાર તરીકેની ક્ષમતા, વસ્તુસામગ્રીના ચયન, સંકલ્પન, પાત્રવિધાન, સંવાદ વગેરેમાં ઉત્કૃષ્ટપણે પ્રગટેલી જોઈ શકાય છે. જોકે પ્રખર નાટ્યવિદ જયંતી દલાલે આ એકાંકીઓની મંચનદૃષ્ટિએ કેવીક મર્યાદાઓ છે તે પણ દર્શાવી છે. આમ છતાં, ગુજરાતી એકાંકીની વિકાસયાત્રામાં ‘સાપના ભારા’ એક સીમાસૂચક સ્તંભ છે, એવું વ્યાપકપણે સ્વીકારાયું છે. આ સંગ્રહનાં અનેક નાટકો શાળા, કૉલેજની તથા અવેતન રંગભૂમિ પર સફળતાથી રજૂ થયાં છે. ઉમાશંકરની એકાંકીકાર તરીકેની પ્રતિષ્ઠા આ સંગ્રહથી બંધાઈ અને ગુજરાતીમાં એકાંકીસર્જનના કેટલાક મહત્ત્વના નમૂનાઓ ‘સાપના ભારા’ તેમજ ‘હવેલી’ નાટ્યસંગ્રહો દ્વારા પ્રાપ્ત થયા છે એ હકીકત છે. વળી ગુજરાતી એકાંકીનું કલાત્મક સ્વરૂપ ઘડી આપવામાં પણ આ એકાંકીઓનું મહત્વનું પ્રદાન છે. ‘સાપના ભારા’ને લોકોત્તરતા ને લોકપ્રિયતા બેય મળી શક્યાં છે એમ કહી શકાય.

ચંદ્રકાન્ત શેઠ