સાન લુઈ પોટોસી (San Luis Potosi) : મધ્ય મૅક્સિકોમાં આવેલું રાજ્ય, રાજ્યનું પાટનગર, કૃષિમથક અને ખાણમથક. ભૌગોલિક સ્થાન : રાજ્ય : 22° 30´ ઉ. અ. અને 100° 30´ પ. રે. પાટનગર : 22° 09´ ઉ. અ. અને 100° 59´ પ. રે. આ શહેર મૅક્સિકો શહેરથી વાયવ્યમાં 362 કિમી.ને અંતરે આવેલું છે. તે સાન લુઈ પોટોસી રાજ્યનું પાટનગર છે.
આ શહેરમાં 17મી સદીનાં સ્પૅનિશ-શૈલીનાં ચર્ચ, જાહેર ઇમારતો તેમજ મકાનો આવેલાં છે. અહીંના ઘણા લોકો નજીકમાં આવેલી સોના, ચાંદી અને સીસાની ખાણોમાં કામ કરે છે. તે રેલમથક અને હવાઈ મથક પણ છે. મૅક્સિકો શહેર તથા યુ.એસ.ના ટૅક્સાસના ઈગલ ઘાટ વચ્ચેના માર્ગ પર આ શહેર વસેલું છે.
આ શહેરના ઉદ્યોગોમાં આટાની અને સુતરાઉ કાપડની મિલો, ચામડું કમાવાના એકમો, હવાઈ યાનો તથા પીણાં બનાવવાના એકમો, રાચરચીલાનાં કારખાનાં, ધાતુ-સંશોધન માટેનાં કારખાનાં તેમજ ધાતુગાળણના એકમોનો સમાવેશ થાય છે.
1995 મુજબ આ શહેરની વસ્તી 7,81,964 જેટલી છે. (સાન લુઈ પોટોસી રાજ્યની વસ્તી અને વિસ્તાર અનુક્રમે 22,47,042 (1997) અને 63,778 ચોકિમી. જેટલાં છે.
ગિરીશભાઈ પંડ્યા