સાન બર્નાર્ડિનો ઘાટ : જર્મન-ઇટાલિયન પર્વતીય ઘાટ. અગ્નિ સ્વિટ્ઝર્લૅન્ડના લેપોન્ટાઇન આલ્પ્સમાં તે 2,065 મીટરની ઊંચાઈ પર આવેલો છે. 941 સુધી તો તેની જાણકારી ન હતી, પરંતુ એવું માનવામાં આવે છે કે તે પ્રાગ્-ઐતિહાસિક કાળમાં પણ વપરાશમાં હતો. આ ઘાટ પરથી પસાર થતો માર્ગ ઉત્તર તરફનાં હિન્ટરહાઇન નદીખીણમાં આવેલાં હિન્ટરહાઇન અને સ્પ્લુજેન ગામોને દક્ષિણ તરફ આવેલાં મોઇસા નદીખીણમાં આવેલાં મેસોકો અને બેલિંન્ઝોના નગરોને જોડે છે. ઘાટની તદ્દન નજીક દક્ષિણમાં આવેલું સાન બર્નાન્ડિનો ગામ આખુંય વર્ષ ચાલતા લોકપ્રિય વિશ્રામસ્થાન તરીકે જાણીતું છે. આ ઘાટ હેઠળનું 6 કિમી. લાંબું બોગદું 1967માં ખુલ્લું મૂકવામાં આવેલું છે. તેને લીધે બંને બાજુની અવરજવર સરળ થઈ ગઈ છે. 15મી સદીના પૂર્વાર્ધમાં અહીં ઉપદેશક તરીકે કામ કરતા સિયેનાના સંત બર્નાર્ડિનોના માનમાં આ ઘાટને એમનું નામ અપાયેલું છે.
ગિરીશભાઈ પંડ્યા