સાન ઍન્ટોનિયો : યુ.એસ.માં આવેલું ઐતિહાસિક શહેર. ભૌગોલિક સ્થાન : 29° 25´ ઉ. અ. અને 98° 29´ પ. રે.. ઇતિહાસના સંદર્ભમાં જોતાં, સાન ઍન્ટોનિયો સ્પેન, મેક્સિકો અને સ્વતંત્ર ટેક્સાસ પ્રજાસત્તાકની હકૂમત હેઠળ રહેલું. 1836માં અહીં લડાયેલી ઐતિહાસિક બનેલી ‘એલેમો’ની લડાઈની યાદમાં આ શહેર ‘એલેમો સિટી’ નામથી પણ જાણીતું બન્યું છે.

સાન ઍન્ટોનિયો શહેરનું એક વિહંગ-શ્ય

સાન ઍન્ટોનિયો શહેર યુ.એસ.ના નૈર્ઋત્ય ભાગના સાંસ્કૃતિક અને વેપારી મથક તરીકે મહત્વ ધરાવે છે. સાન ઍન્ટોનિયોનો વિસ્તાર યુ.એસ.નાં મોટાં લશ્કરી મથકો રાખવા માટે પણ વિકસ્યો છે. આ શહેર મેક્સિકોની સરહદથી ઈશાનમાં આશરે 241 કિમી.ને અંતરે દક્ષિણ-મધ્ય ટેક્સાસનાં અસમતળ પ્રેરીનાં મેદાનોમાં આવેલું છે.

પાદરી ઍન્ટોનિયો ઑલિવર્સે આ સ્થળ પર જ્યારે ધર્મપ્રસારમથક સ્થાપ્યું ત્યારે (1718) સાન ઍન્ટોનિયો શહેરની પણ સ્થાપના કરેલી. સ્પૅનિશ સરકારે પણ ત્યાંનાં પૂર્વ ટૅક્સાસનાં ધર્મપ્રસારક મથકો તેમજ ઉત્તર મેક્સિકોમાંનાં તેનાં લશ્કરી થાણાં વચ્ચે વસાહત વિકસાવવા માટે આ સ્થળ પર પસંદગી ઉતારેલી. અગાઉનાં સ્પૅનિશ અભિયાનોના સભ્યોએ સંત ઍન્થનીની સ્મૃતિમાં આ વસાહતી સ્થળને ‘સાન ઍન્ટોનિયો’ નામ આપેલું.

સાન ઍન્ટોનિયો બેક્સર પરગણાની મધ્યમાં આવેલો આશરે 777 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. શહેરની હદમાં પાંચ સ્વતંત્ર વિભાગો આવેલા છે : એલેમો હાઇટ્સ, બાલ્કોન્સ હાઇટ્સ, કૅસલ હિલ્સ, ઑલ્મોસ પાર્ક અને ટેરેલ હિલ્સ. આ રીતે જોતાં, સાન ઍન્ટોનિયોનો મહાનગર વિસ્તાર 6545 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. મહાનગર વિસ્તારની કુલ વસ્તી આશરે 14 લાખ જેટલી છે (1999).

સાન ઍન્ટોનિયોના આશરે 92 % લોકો મૂળ યુ.એસ.ના નાગરિકો છે, તે પૈકીની અડધી સંખ્યા મેક્સિકન કે સ્પૅનિશ વંશની છે. શહેરની મોટાભાગની વસ્તી ઇંગ્લિશ અને સ્પૅનિશ બંને ભાષાઓ બોલે છે. અન્ય લોકો ઇંગ્લિશ, ફ્રેન્ચ, જર્મન, આયરિશ, ઇટાલિયન કે પૉલિશ-વંશી છે. વસ્તીના આશરે 7 % લોકો અશ્વેતો છે.

સાન ઍન્ટોનિયો શહેરમાં ઘણી ઝૂંપડપટ્ટીઓ આવેલી છે, તેઓ મોટેભાગે તો મધ્ય વિસ્તારની પશ્ચિમમાં રહે છે, તેમાં ઘણા મૅક્સિન અમેરિકનો વસે છે.

સાન ઍન્ટોનિયોના અર્થતંત્રમાં લશ્કરી, સ્વાસ્થ્યસંભાળ તેમજ પ્રવાસન-પ્રવૃત્તિઓનો મોટો ફાળો છે. શહેરમાં આવેલાં લશ્કરી મથકોમાં લશ્કરના આશરે 44,000 માણસો તથા 35,000 જેટલા નાગરિકો રહે છે. યુ.એસ.ની પાંચમી ભૂમિસેનાનું મુખ્યમથક ફૉર્ટ સામ હ્યુસ્ટન પણ સાન ઍન્ટોનિયો ખાતે છે.

સાન ઍન્ટોનિયોમાં જોવા મળતી તબીબી તેમજ વૈજ્ઞાનિક સંશોધન-સુવિધાઓને કારણે આ શહેર નૈર્ઋત્ય યુ.એસ.નું પ્રધાન સ્વાસ્થ્યસંભાળ કેન્દ્ર તથા વૈજ્ઞાનિક મથક બની રહેલું છે. સાઉથ ટૅક્સાસ મેડિકલ સેન્ટરમાં હૉસ્પિટલો, સંશોધન-કેન્દ્રો તથા યુનિવર્સિટી ઑવ્ ટૅક્સાસ હેલ્થ સાયન્સ સેન્ટર વગેરે જેવી ત્રીસ જુદી જુદી સુવિધાઓ ઉપલબ્ધ છે. દેશમાં મહત્તમ ઉપલબ્ધ લશ્કરી-તબીબી સુવિધાઓમાં ફૉર્ટ સામ હ્યુસ્ટન ખાતેનું બ્રૂક આર્મી મેડિકલ સેન્ટર તેમજ લેકલૅન્ડ ઍર ફોર્સ બેઝ ખાતેની વિલફૉર્ડ હૉલ હૉસ્પિટલનાં સ્થાન મોખરે ગણાય છે. સાન ઍન્ટોનિયોમાંનું સાઉથવેસ્ટ રિસર્ચ સેન્ટર સરકાર તેમજ ઉદ્યોગો માટે સંશોધનકાર્ય કરે છે.

નૈર્ઋત્ય યુ.એસ.ના વિસ્તાર માટે સાન ઍન્ટોનિયો સંમેલનોપરિષદો ભરવા માટેનું મહત્વનું સ્થળ છે. સંમેલનો તેમજ પ્રવાસનને કારણે અહીં દર વર્ષે એક કરોડથી વધુ મુલાકાતીઓની અવરજવર રહે છે. શહેરના અર્થતંત્રમાં અહીંની ઉત્પાદનપ્રવૃત્તિ તથા છૂટકજથ્થાબંધ વેપારપ્રવૃત્તિનો ફાળો પણ અગત્યનો છે. આજુબાજુના પ્રદેશમાં થતી જુદી જુદી ખેતપેદાશો અહીંથી અન્યત્ર મોકલાય છે. શહેરની ઉત્પાદકીય પેદાશોની મેક્સિકો ખાતે નિકાસ થાય છે. સાન ઍન્ટોનિયો વિસ્તારમાં અંદાજે ઉત્પાદન કરતા 1,300 જેટલા એકમો આવેલા છે, ઉત્પન્ન થતી પેદાશોમાં હવાઈ જહાજના પુરજાઓ, કાપડ, વીજાણુ યંત્રસામગ્રી, ખાદ્યપેદાશો, ખાતર, દવાઓ, તેલક્ષેત્ર માટેનાં સાધનો, ખનિજતેલ પેદાશો અને અન્ય પેદાશોનો સમાવેશ થાય છે.

ગિરીશભાઈ પંડ્યા