સાન્તી, તિતો (જ. 1536, સાન્સે પોલ્ક્રો, ઇટાલી; અ. 1602, ઇટાલી) : ‘મૅનરિઝમ’ શૈલીમાં ચિત્રણા કરનાર ઇટાલિયન ચિત્રકાર. ફ્લૉરેન્સમાં મૅનરિસ્ટ ચિત્રકાર બ્રૉન્ઝિનો પાસેથી તાલીમ લઈ સાન્તીએ રોમ જઈ ચિત્રકાર તાદિયો જુકારો સાથે પોપ પૉલ ચોથા માટે વૅટિકનમાં ભીંતચિત્રો આલેખ્યાં.
તિતો સાન્તી
1564માં પાછા ફર્યા બાદ સાન્તીનાં ચિત્રોમાંનો પ્રકાશ વેનેશિયન શૈલીને અનુસરતો એકસરખો પથરાયેલો જોવા મળે છે. એમનાં શ્રેષ્ઠ ચિત્રોમાં સમાવેશ પામે છે : ‘સપર ઍટ ઍમૉસ’ (1574) અને ‘વિઝન ઑવ્ સેંટ થૉમસ ઍક્વિનસ’ (1593). ‘કાઉન્ટર રિફૉર્મેશન’ – ક્રાંતિના આદર્શોને ચિત્રકલામાં મૂર્તિમંત કરનાર ચિત્રકારોમાં તેમનું સ્થાન આગળ પડતું છે.
અમિતાભ મડિયા