સાન્તો ડોમિન્યો : વેસ્ટ ઇન્ડિઝના હિસ્પાન્યોલા ટાપુના પશ્ચિમ ભાગમાં હૈતી અને પૂર્વ ભાગમાં ડોમિનિકન પ્રજાસત્તાક – એવા જે બે દેશો આવેલા છે, એ પૈકી ડોમિનિકન પ્રજાસત્તાક દેશનું પાટનગર અને મુખ્ય બંદર. તે 19° 30´ ઉ. અક્ષાંશવૃત્ત અને 70° 42´ પ. રેખાંશવૃત્ત પર ટાપુના દક્ષિણકાંઠે સમુદ્રસપાટીથી આશરે 17 મી.ની ઊંચાઈએ વસેલું છે.

કોલંબસ પાર્ક, સાન્તો ડોમિન્યો

ઈ. સ. 1930ના ભયંકર ‘હરિકેને’ (ચક્રવાતે) જૂના પાટનગરનો નાશ કર્યો હતો, તે પછીથી હાલનું આ નવું પાટનગર આધુનિક શૈલીથી અને આયોજનપૂર્વક બાંધવામાં આવેલું છે; તેથી પશ્ચિમ ગોળાર્ધનાં સુંદર શહેરોમાં તેની ગણના થાય છે. તે સડક તથા રેલમાર્ગે દેશના અન્ય ભાગો સાથે તેમજ જળમાર્ગે અને હવાઈ માર્ગે પડોશી દેશો સાથે સંકળાયેલું છે. અહીં ખાદ્યપ્રક્રમણ, કાપડ તથા દારૂ ગાળવાને લગતા ઉદ્યોગો મુખ્ય છે. આ નગરનાં જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્રમે 24° સે. તથા 27° સે. તેમજ વાર્ષિક સરેરાશ વરસાદનું પ્રમાણ 1,417 મિમી. જેટલાં રહે છે. આ મહાનગરની વસ્તી આશરે 27,10,000 (2000) જેટલી છે.

બિજલ શં. પરમાર