સાધુ હીરાનંદ (જ. 23 માર્ચ 1863, હૈદરાબાદ; અ. 14 જુલાઈ 1893, બાન્કીપુર, બિહાર) : સિંધી કેળવણીકાર, સંત અને સમાજસેવક. પિતા શૌકીરામ આડવાણીના બીજા પુત્ર અને સાધુ નવલરામના ભાઈ.
તેઓ મૅટ્રિક થયા બાદ ઉચ્ચ અભ્યાસાર્થે કોલકાતા ગયા. 13 ઑક્ટોબર 1883ના રોજ કૉલેજમાં તેમણે આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોને આવરી લઈ આદર્શોન્મુખ શ્રમયુક્ત નિયમિત જીવન જીવવાના સંકલ્પથી ‘પ્રેમકુટિર’ નામના વિદ્યાર્થીમંડળની સ્થાપના કરી. કોલકાતામાં તેઓ રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવતાં તેમના આજીવન અનુયાયી બની રહ્યા. વળી, તેઓ સ્વામી વિવેકાનંદ, નંદલાલ સેન અને કશ્યપચંદ્ર સેનના પરિચયમાં આવ્યા.
ફેબ્રુઆરી 1884માં તેઓ પોતાના વતન હૈદરાબાદ, સિંધમાં પાછા ફર્યા. અંગ્રેજ સરકાર તરફથી મળતા ઉચ્ચ અધિકારીના હોદ્દાનો તેમણે અસ્વીકાર કર્યો. પરમહંસના આદર્શોને સિંધમાં મૂર્તિમંત કરવાનો તેમણે નિર્ધાર કર્યો. દયારામ ગિદુમલના આગ્રહથી તેમણે ‘સિંધ ટાઇમ્સ’ અને ‘સિંધ સુધાર’ નામક વર્તમાનપત્રોનું સંપાદનકાર્ય સ્વીકાર્યું.
ત્યારબાદ આજીવન બ્રહ્મચારી એવા હીરાનંદે કરાંચીમાં ‘ટ્વિન’ (twine) નામક સંસ્થાની સ્થાપના કરી. તેનો ઉદ્દેશ ચારિત્ર્યવાન નવયુવકો તૈયાર કરવાનો હતો. પછી તેમણે ‘યુનિયન અકાદમી’નો પાયો નાખ્યો. સામાજિક સુધારા લાવવા તેમણે ‘સુધાર સભા’ની રચના કરી. તેનો હેતુ સંગઠન, ભ્રાતૃભાવના, સમભાવ અને સેવાભાવ કેળવીને નવીન સમાજની રચના કરવાનો હતો. તેમણે મંધેપીરમાં રક્તપિત્તો માટે દવાખાનું શરૂ કર્યું. મદિરાપાન વિરોધી ઝુંબેશ શરૂ કરી. સિંધમાં કન્યા-કેળવણી માટેના પ્રયાસો હાથ ધર્યા. ભાઈ નવલરામ સાથે ‘નવલરામ અકાદમી’ની રચના કરી.
1892માં હૈદરાબાદમાં કૉલેરા ફાટી નીકળ્યો. હીરાનંદ હોમિયોપથીની દવાઓ સાથે ઘેર ઘેર ઘૂમ્યા અને સેવા બજાવી. સેવા અને માનવતા તેમના જીવનનો ધર્મ બની રહ્યો. તેઓ એક સારા સિતારવાદક હતા. પ્રાત:કાળે અને સંધ્યાકાળે તેઓ ભજનો ગાતા, પ્રાર્થના કરતા. તેમણે લખેલા આધ્યાત્મિક લેખો સિંધી સાહિત્યની મૂડી બની રહ્યા છે.
સમાજમાં શિક્ષણનો પ્રસાર, સુધારા માટેના પ્રયાસો, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય નવચેતના ઉજાગર કરવાનાં કાર્યો તેમજ તેમની નિરાડંબર, સાદગીપૂર્ણ જીવનપ્રણાલીને કારણે તેઓ સિંધના પ્રેરણાને પ્રકાશ આપનાર આત્મા સમા બની રહ્યા અને લોકો તેમને ‘સાધુ’ના ઉપનામથી સંબોધતા થયા.
પરમહંસની માંદગીના સમાચાર મળતાં જ તેઓ કોલકાતા પહોંચી ગયા હતા. પરમહંસે તેમને આશીર્વાદ આપતાં કહ્યું, ‘હીરાનંદ તું આવ્યો છે ? મને ખાતરી હતી. મારી અંતિમ ઘડીઓમાં મારા બંને હાથ (હીરાનંદ અને નરેન્દ્ર) મારી પાસે જ રહેશે.’
‘સિંધનો આત્મા’ (‘સોલ ઑવ્ સિંધ’) નામક તેમનું જીવનચરિત્ર અંગ્રેજીમાં પ્રગટ થયું છે.
જયંત રેલવાણી