સાદિકઅલીખાં (?)

January, 2008

સાદિકઅલીખાં (?) : વીણા તથા સૂરસિંગારના વિખ્યાત કલાકાર. તેમના પિતા બહાદુરહુસેનખાં પણ આ બંને વાદ્યોના કુશળ કલાકાર હતા. સાદિકઅલીખાંએ તેમના પિતા પાસેથી આ બંને વાદ્યો વગાડવાની શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેઓ કંઠ્ય સંગીતમાં પણ નિપુણ હતા. રામપુર નવાબ સાહબજાદા હૈદરઅલીખાંએ સાદિકઅલીખાંને પોતાના ગુરુ સ્થાને પ્રસ્થાપિત કર્યા હતા. સાદિકઅલીએ ઘણી બંદિશોની રચના કરી હતી. દિલ્લીના નવાબ વાજિદઅલી શાહ ગાદીનો ત્યાગ કર્યા પછી 1856માં જ્યારે કોલકાતા જતા રહ્યા ત્યારે સાદિકઅલીખાં પણ તેમની સાથે કોલકાતા જતા રહ્યા હતા. બાકીનું જીવન તેમણે ત્યાં જ વિતાવ્યું હતું.

રામપુરના નવાબ ઉપરાંત તેમના કેટલાક શિષ્યોએ પણ સંગીત-ક્ષેત્રે નામના પ્રાપ્ત કરી હતી.

તેમના વિશે પ્રમાણભૂત ગણાય એવી અન્ય કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે