સાતી, આરી (જ. 1866, હોમ્ફલૂ, ફ્રાન્સ; અ. 1925, પૅરિસ, ફ્રાન્સ) : આધુનિક ફ્રેન્ચ સંગીતકાર અને સંગીતનિયોજક. ફ્રેન્ચ પિતા અને સ્કૉટિશ માતાના તે સંતાન. 1878માં પૅરિસ કૉન્ઝર્વેટરીમાં સંગીતનો અભ્યાસ તેમણે શરૂ કર્યો. પરંતુ તેમાં તેમને ન કોઈ આનંદ આવ્યો, ન કોઈ તેમનો વિકાસ થયો કે ન કશું તે શીખવા પામ્યા. તેથી તેમણે એ અભ્યાસ પડતો મૂકી પૅરિસમાં કાફે અને રેસ્તોરાંઓમાં પિયાનોવાદનનું કામ શરૂ કર્યું. 1888માં વિખ્યાત ‘મોંમાર્ત્ર કેબેરે’માં પિયાનોવાદક તરીકે તેમણે કામ કર્યું. 1891માં તેમની મુલાકાત વિખ્યાત ફ્રેન્ચ સંગીતકાર અને સંગીતનિયોજક દેબ્યુસી સાથે થઈ. એ જ વર્ષે તેઓ ‘કૅથલિક રોઝિક્રુચિયન’ સંપ્રદાયમાં જોડાયા અને એ માટે ધાર્મિક કૃતિઓ લખી. પહેલેથી જ સાતીની રચનાઓમાંથી તેમની પેઢીના અને અનુગામી પેઢીના ફ્રેન્ચ સંગીતકારો પ્રેરણા પામતા રહ્યા. સંગીતકાર દોની રૂસોમાંથી પ્રેરણા મેળવી 1890માં તેમણે લખેલી રચના ‘જિમ્નોપેડી’માં વિસંવાદી (dissonant) સ્વરોનો તેમણે રસોદ્દીપન માટે ઉપયોગ કરેલો છે. 1905માં સંગીતશાળા ‘સ્કોલા કોન્ટારુમ’માં તે સંગીતકારો દીન્દી અને રૂસેના શિષ્ય તરીકે જોડાયા. 1910થી તેઓ સમગ્ર યુરોપમાં એક અનુકરણીય અને આદરણીય સંગીતકાર તરીકે પંકાયા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી બે ફ્રેન્ચ સંગીતમંડળો ‘ધ સિક્સ’ અને ‘સ્કૂલ ઑવ્ આર્કુઈ’ની સ્થાપના તેમણે કરી. જ્યૉ કોકતોનું પ્રોડક્શન, પિકાસોની મંચસજ્જા તથા માસિનેની કોરિયોગ્રાફી ધરાવતા બૅલે ‘પરેડ’(1917)માં તેમણે સંગીત આપ્યું. આ સંગીતમાં જાઝ અને ફ્રેન્ચ લોકસંગીતની અસર વરતાઈ આવે છે.
આરી સાતી
એકલ (solo) માનવકંઠો અને ઑર્કેસ્ટ્રા માટેની તેમની રચના ‘સૉક્રેટિસ’(1918)માં પ્લૅટોના સંવાદોને તેમણે સંગીતબદ્ધ કર્યા છે. આ ઉપરાંત ‘થ્રી પેરશેપ્ડ પીસિઝ’ નામની તેમની રચનાએ પછીની પેઢીના આવાં ગાર્દે સંગીતકારો માટે પથનિદર્શન કર્યું છે. તેમાં સિસોટી, સાઇરન અને ટાઇપરાઇટરનો સંગીત-વાદ્યો તરીકે ઉપયોગ થયો છે. વીસમી સદીના ફ્રેન્ચ સંગીતકારોને વાગ્નરથી પ્રભાવિત ઇમ્પ્રેશનિઝમમાંથી મુક્ત કરવાનું શ્રેય સાતીને મળે છે. એ સંગીતકારોને સાતીએ સાદગીપૂર્ણ, સંયમશીલ શૈલી તરફ વાળ્યા.
અમિતાભ મડિયા