સાટાપદ્ધતિ : અર્થપરાયણ માનવીઓની પરસ્પરની દ્વિપક્ષી જરૂરિયાતોના સંદર્ભમાં વસ્તુઓનું મૂલ્ય નિર્ધારિત કરતા, નાણું અથવા તત્સમ માધ્યમની મદદ વિના એક વસ્તુના બદલામાં બીજી વસ્તુના સીધા આદાનપ્રદાન કે વિનિમયની પરંપરાગત પદ્ધતિ. આ પદ્ધતિમાં દરેક વસ્તુ બે પ્રકારનું મૂલ્ય ધરાવતી હોય છે : (1) વપરાશી મૂલ્ય અથવા તુષ્ટિગુણ મૂલ્ય, અને (2) વિનિમય-મૂલ્ય. જે વસ્તુ તુષ્ટિગુણ મૂલ્ય ધરાવે છે તે જ વસ્તુ પરસ્પરના આદાનપ્રદાનમાં કે અવેજીકરણમાં દાખલ થઈ શકે છે, અન્ય નહિ. અહીં ધારણા એ કરવામાં આવે છે કે વસ્તુનું અવેજીકરણ કરવા માગતા દરેક માનવીનું વર્તન બુદ્ધિગમ્ય અથવા તર્કશુદ્ધ છે. બીજું, દ્વિપક્ષી જરૂરિયાતોના અસ્તિત્વના સંદર્ભમાં જ્યારે કોઈ એક વસ્તુના અમુક એકમોની અવેજીમાં માનવી બીજી વસ્તુના અમુક એકમો સ્વીકારવા તૈયાર થાય છે ત્યારે તે અવેજીકરણમાં દાખલ થતી બંને વસ્તુઓનું પરસ્પરનું વિનિમય-મૂલ્ય વ્યક્ત કરે છે; દા.ત., પાંચ કિલો ઘઉંના બદલામાં એક મીટર કાપડનું અવેજીકરણ થતું હોય ત્યારે બંને વસ્તુઓ તુષ્ટિગુણ મૂલ્ય ધરાવતી હોય તો જ તેમની વચ્ચે અવેજીકરણ શક્ય બનશે. તેવી જ રીતે બંને વસ્તુઓ વચ્ચે અવેજીકરણનો આ દર (5 કિલો ઘઉં = 1 મીટર કાપડ) બંને વસ્તુઓનું વિનિમય-મૂલ્ય વ્યક્ત કરે છે. અહીં ઘઉં અને કાપડના અવેજીકરણની પ્રક્રિયામાં મધ્યસ્થી તરીકે નાણું કે અન્ય તત્સમ વસ્તુનો અભાવ હોય છે. દેખીતું છે કે સાટાપદ્ધતિ અથવા વસ્તુવિનિમય-પદ્ધતિ નાણાના આવિષ્કાર કે ઉદ્ભવ પહેલાં અસ્તિત્વ ધરાવતી વિનિમય-પદ્ધતિ છે, જોકે અંશત: આજે પણ તે કેટલાંક ક્ષેત્રોમાં જોવા મળે છે; દા.ત., જે અર્થતંત્રનું અથવા અર્થતંત્રના જે ભાગનું નાણાકરણ થયેલું નથી ત્યાં તથા આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં તે આજે પણ આંશિક રીતે અસ્તિત્વમાં છે.
સાટાપદ્ધતિમાં બીજી એક ધારણા અભિપ્રેત છે અને તે છે અધિશેષ ઉત્પાદનની. ઘઉંના બદલામાં કાપડ કે કાપડના બદલામાં ઘઉં લેવા માનવી ત્યારે જ તૈયાર થશે જ્યારે ખેડૂત પાસે પોતાની જરૂરિયાત કરતાં ઘઉંનો અધિશેષ જથ્થો ઉપલબ્ધ હશે તથા વણકર પાસે પોતાની કાપડની જરૂરિયાત કરતાં કાપડનો અધિશેષ જથ્થો ઉપલબ્ધ હશે. આ રીતે જોઈએ તો સાટાપદ્ધતિમાં પરસ્પરની દ્વિપક્ષી જરૂરિયાતના સંદર્ભમાં બે વસ્તુઓના અધિશેષ જથ્થાનું આદાનપ્રદાન કરવામાં આવે છે. શ્રમવિભાજન અને વિશિષ્ટીકરણને પરિણામે બંને વસ્તુઓના ઉત્પાદનમાં અધિશેષ જથ્થાનું સર્જન થાય છે. આમ, દ્વિપક્ષી જરૂરિયાતોનું અસ્તિત્વ અને વિનિમય માટે અધિશેષ જથ્થાની ઉપલબ્ધતા – આ બે સાટાપદ્ધતિની સફળતા માટે અભિપ્રેત શરતો ગણી શકાય.
માનવીની આર્થિક જરૂરિયાતો જે જમાનામાં મર્યાદિત હતી તે જમાનામાં બજારનું કદ અને વસ્તુઓ તથા સેવાઓનું સ્વરૂપ પણ મર્યાદિત હતું. આવા અર્થકારણમાં સાટાપદ્ધતિ દ્વારા વિનિમયની પ્રક્રિયા સરળતાથી સંપન્ન કરી શકાતી હતી; પરંતુ માનવીની જરૂરિયાતોમાં જેમ જેમ વધારો થવા લાગ્યો તેમ તેમ બજારના કદનું પણ વિસ્તરણ થવા માંડ્યું અને તેને લીધે સાટાપદ્ધતિની મર્યાદાઓ પણ છતી થવા લાગી. આ મર્યાદાઓમાં (1) બેવડી જરૂરિયાતોનું અનિવાર્ય અસ્તિત્વ; (2) દરેક વસ્તુ કે સેવાનું મૂલ્ય તટસ્થતાથી વસ્તુલક્ષી ધોરણોને આધારે સર્વમાન્ય રીતે નિર્ધારિત કરવાના માધ્યમનો અભાવ; (3) વસ્તુના મૂલ્યનો હ્રાસ કર્યા વિના તેના ભાગ કે પેટા ભાગ પાડવાની મુશ્કેલી; (4) અસ્કામતો ઊભી કરવાની કે તેમના સંગ્રહની મુશ્કેલીઓ; (5) ધિરાણ આપવા-લેવાની મુશ્કેલી અને (6) અમૂર્ત સેવાઓ(services)ની વેચાણપ્રક્રિયામાં નડતી મુશ્કેલીઓ નોંધપાત્ર છે.
સાટાપદ્ધતિની મર્યાદાઓ અને મુશ્કેલીઓને લીધે જ માનવના આર્થિક જીવનમાં નાણાંનો આવિષ્કાર થયો છે. નાણાંના ઉદ્ભવને લીધે સાટાપદ્ધતિની બધી જ મર્યાદાઓ દૂર થઈ છે અને તેથી અગ્નિ અને ચક્ર પછી નાણું એ માનવનો અત્યંત અગત્યનો આવિષ્કાર ગણવામાં આવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
હર્ષદ ઠાકર