સાજડ : દ્વિદળી વર્ગમાં આવેલા કૅમ્બ્રિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Terminalia alata Heyne ex Roth syn. T. tomentosa Wight & Srn. (સં. અસન, રક્તાર્જુન; હિ. ઐન, આસન, સાજ; બં. આસન; મ. ઐન; ગુ. સાજડ, સાડરો; તે. તાની; ત. કારામર્દા; ક. સાદડા, કેપુપત્તિ; વ્યાપારિક નામ લ્યોરેલ) છે. તે એક મોટું, પર્ણપાતી, સીધા પ્રકાંડવાળું, પ્રસારિત શાખાઓ અને ભારે પર્ણમુકુટ (crown) ધરાવતું, 32 મી.48.7 મી. ઊંચું અને 4 મી.5.5 મી.ના ઘેરાવાવાળું વૃક્ષ છે. તે હિમાલયમાં કાંગરાથી પૂર્વ તરફ આસામના ગોઅલપારા વિભાગ સુધી અને દક્ષિણમાં સમગ્ર ભારતીય દ્વીપકલ્પ(Indian peninsula)માં 1,200 મી.ની ઊંચાઈ સુધી થાય છે. છાલ ભૂખરીથી થોડી કાળી હોય છે. તે ઊંડી ઊભી તિરાડો અને આડી ફાટો ધરાવે છે. પર્ણો સાદાં, એકાંતરિક કે ઉપસંમુખ (subopposite), ચર્મિલ (coriaceous), અંડાકાર-લંબચોરસ (ovate-oblong) કે ઉપવલયી-લંબચોરસ (elliptic-ovate) હોય છે અને તલસ્થ ભાગે 12 ગ્રંથિઓ ધરાવે છે. પુષ્પો ઝાંખાં-પીળાં અને કક્ષીય કે અગ્રીય શુકી(spike)માં ગોઠવાયેલાં હોય છે. ફળો સપક્ષ, 5 સેમી. લાંબાં, 5 પહોળી પાંખોવાળાં, મોટાં અને લાલ-બદામી હોય છે.
સાજડ ઊંડી, ફળદ્રૂપ અને કાંપમય (alluvial) મૃદામાં સૌથી વધુ કદ પ્રાપ્ત કરે છે. છીછરી અને ફળદ્રૂપતાવિહીન મૃદામાં ખાસ કરીને પર્વતીય ભૂમિમાં પુષ્કળ પ્રમાણમાં થવા છતાં તે કુંઠિત રહે છે. તેને કઠણ માટીવાળી ભૂમિ અનુકૂળ છે, જ્યાં તે મોટા ખાડાઓમાં કે પંકિલ ભૂમિની ફરતે ધાર પર જૂથોમાં થાય છે. તે કાળી કપાસની મૃદા પર મુક્તપણે ઊગે છે. કેટલાંક સ્થાનોએ કંકરિત (laterite) ભૂમિ પર વિપુલ પ્રમાણમાં થાય છે, છતાં ત્યાં પણ તેની વૃદ્ધિ કુંઠિત હોય છે. સાજડ રેતાળ ગોરાડુ મૃદામાં થતો નથી. તેના નૈસર્ગિક વસવાટમાં મહત્તમ છાયા-તાપમાન 35° સે.-48.8° સે. અને લઘુતમ તાપમાન 0° સે.થી 15.5° સે. અને વાર્ષિક વરસાદ 75 સેમી.થી 380 સેમી. જેટલો હોવો જરૂરી છે.
સાજડ ઉષ્ણકટિબંધીય ભેજવાળાં પર્ણપાતી અને શુષ્ક પર્ણપાતી જંગલોમાં થાય છે. તેના સામાન્ય સહચારીઓમાં સાલ (Shorea robusta) અને સાગ(Tectona grandis)નો સમાવેશ થાય છે. તે પ્રકાશાપેક્ષિત (light-demander) છે અને છાંયડામાં તેની વૃદ્ધિ ઝડપથી દબાય છે. તેનું મૂળતંત્ર ઊંડું હોય છે. તેનાં મૂળ જ્યાં ખુલ્લાં થયાં હોય ત્યાં તે કેટલીક વાર અતિ અલ્પ સંખ્યામાં મૂલ-અંત:ભૂસ્તારી (root-suckers) ઉત્પન્ન કરે છે. મધ્યમ કદનાં વૃક્ષો ઝાડીવન (coppice) અને ઠૂંઠાં (pollard) સારાં બનાવે છે; પરંતુ 1.2 મી.થી વધારે ઘેરાવો ધરાવતાં વૃક્ષોની ઝાડીવન બનાવવાની ક્ષમતા ઘટી જાય છે. બીજાંકુરો શુષ્કતાસહિષ્ણુ (drought-tolerant) હોય છે, પરંતુ તેઓ હિમસંવેદી (frost-sensitive) છે. વનસ્પતિની વૃદ્ધિ થતાં તે હિમરોધી (frost-resistant) બને છે, પરંતુ પર્ણોને ઝડપી અસર થાય છે અને તેઓ સામાન્યત: નાશ પામે છે. સાજડ અગ્નિ-સહિષ્ણુ (fire-tolerant) હોય છે, બીજ ફેબ્રુઆરી-માર્ચમાં પાકે છે, છતાં એપ્રિલમેમાં ભૂમિ પર પડતાં બીજ સૌથી સારાં હોય છે. તેઓ 1 કિગ્રા.માં 400-700 હોય છે. તેમનું અંકુરણ અને છોડનો વિકાસ અનુક્રમે 35 %-70 % અને 27 % હોય છે.
પુનર્જનન (regeneration) : પ્રથમ વરસાદે સીધી વાવણી અને ધરુવાડિયામાંથી આરોપણ (transplanting) – બંને સફળ પદ્ધતિઓ છે. સૌથી સારી પદ્ધતિ સીધી વાવણીની અને મૂળ અને પ્રરોહના કટકારોપણની છે. સમગ્ર બીજાંકુરનું આરોપણ સામાન્યત: સંતોષકારક પરિણામ આપતું નથી. જો બીજાંકુરનું સફળ આરોપણ કરવાનું હોય તો તેનું સોટીમૂળ ઘણું લાંબું હોવું જરૂરી છે. ખેડેલી મૃદામાં સીધી વાવણી સારી સફળતા આપે છે. વરસાદ પછી તેની વાવણી કરવામાં આવે છે અને નાજુક રોપાઓ પર સીધો સૂર્યપ્રકાશ ટાળવામાં આવે છે. એક વર્ષના બીજાંકુરમાંથી ચોમાસા પહેલાં ઠૂંઠાં(stump)નું વાવેતર એપ્રિલના પ્રથમ છાંટણાં બાદ કરવામાં આવે છે. આ પદ્ધતિ ચોમાસામાં જલાક્રાન્ત (water-logged) બનતા વિસ્તારના પુનર્જનન માટે સારી ગણવામાં આવે છે. કંઠપ્રદેશેથી 2 સેમી. વ્યાસવાળાં ઠૂંઠાં યોગ્ય છે. આ જાતિના વૃક્ષારોપણ દરમિયાન પ્રથમ વર્ષે બે વાર અને બીજા વર્ષે એક વાર નીંદણ (weeding) કરવું જરૂરી છે.
છાંયાવાળા ધરુવાડિયામાં રોપા તૈયાર કરવા માટે 7.5 સેમી. × 8.5 સેમી.ના અંતરે માર્ચ-એપ્રિલમાં એકત્ર કરેલાં બીજ વાવવામાં આવે છે. બીજને મૃદામાં બીજના વ્યાસ જેટલી ઊંડાઈએ અડધાં ખુલ્લાં રહે તે રીતે રોપવાં લાભદાયી છે. 25 અઠવાડિયાંમાં બીજાંકુરણ થાય છે. ધરુવાડિયામાં નિયમિત સિંચન અને નીંદણ જરૂરી છે. ચોમાસાની શરૂઆતમાં રોપાઓ આરોપણ માટે તૈયાર થાય છે.
જંગલમાં હરણ અને સૂવર દ્વારા સાજડની ખૂબ ખરાબ રીતે ચરાઈ થાય છે. સાજડને ચેપ લગાડતી ફૂગ આ પ્રમાણે છે : Daedalea flavida (સફેદ પોચો સડો), Fomer melanosporus (સફેદ ઠૂંઠાનો સડો), Ganoderma lucidum (પોચો સડો અને ઠૂંઠાનો સડો), Irpex flavus, Polyporus hirsutus અને Trametes straminea (સફેદ ઠૂંઠાનો સડો). જોકે આ ફૂગથી કોઈ ગંભીર નુકસાન થતું નથી. સાજડ પર કેટલાક વિપત્રકો (defoliators) પણ આક્રમણ કરે છે, પરંતુ નુકસાન ભાગ્યે જ ગંભીર હોય છે. સાજડને લાગુ પડતી કેટલીક મહત્ત્વની જીવાતો આ પ્રમાણે છે : Metamastria hyrtaca, Dasychira mendosa અને Prodenia litura.
સાજડ ભારતમાં લગભગ જુદી જુદી આબોહવાકીય અને મૃદીય (edaphic) પરિસ્થિતિમાં બધે થતો હોવાથી તેની વૃદ્ધિ એક સ્થળેથી બીજે સ્થળે જુદી જુદી જોવા મળે છે. સૌથી ઝડપી વૃદ્ધિ કેરળ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે; જ્યાં 100 વર્ષમાં તે 40-60 સેમી. વ્યાસ અને 30-35 મી.ની ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ઓરિસા અને મધ્ય પ્રદેશમાં ઓછી વૃદ્ધિ જોવા મળે છે; જ્યાં તે તેટલા જ સમયમાં 30-38 સેમી. વ્યાસ અને 20-23 મી.ની ઊંચાઈ પ્રાપ્ત કરે છે. વાર્ષિક વલયો 3-12 પ્રતિ 2.5 સેમી. ત્રિજ્યાએ હોય છે અને ઘેરાવામાં વાર્ષિક વધારો 1.3-5.3 સેમી. જેટલો થાય છે.
રસકાષ્ઠ (sapwood) આછા પીળાશ પડતા સફેદ રંગનું હોય છે અને તેમાંથી અંત:કાષ્ઠ(heartwood)નું સંક્રમણ અચાનક થાય છે, છતાં તે અત્યંત સ્પષ્ટ હોય છે. અંત:કાષ્ઠનો રંગ ઘેરી પાતળી રેખાઓ સહિત આછા બદામીથી માંડી ઘેરો બદામી કે બદામી કાળો હોય છે અને ઘણી વાર વધારે ઘેરા રંગની સુંદર પટ્ટિત (banded) સ્વરૂપે રેખાઓ જોવા મળે છે. કેટલીક વખતે કાષ્ઠ કાળા રંગની રેખાઓ સહિત ભૂખરું હોય છે. કાષ્ઠ ઝાંખાથી માંડી કેટલેક અંશે ચળકતું, જાડા ગઠનવાળું અને સારા એવા પ્રમાણમાં સીધું-કણમય (straight-grained), મધ્યમસર ભારેથી માંડી ભારે (વિ. ગુ. 0.707-0.94, વજન 737-761 કિગ્રા./ઘમી.), મજબૂત અને ઘણું કઠોર હોય છે અને ઘણીવાર કુંતલમય કણો અને અંતર્ગ્રથિત (interlocked) કણો જોવા મળે છે. ઇમારતી કાષ્ઠ સારા એવા પ્રમાણમાં ટકાઉ હોય છે; ખુલ્લી પરિસ્થિતિમાં તે મધ્યમસરનું ટકાઉ હોય છે. વેધકો (borers) સામે રક્ષણ મેળવવા કાષ્ઠ પરથી છાલ કાઢી લઈ જંગલમાં ખુલ્લામાં (છાંયામાં નહિ) થપ્પીઓ બનાવવામાં આવે છે. કાષ્ઠના સંગ્રહ અને થપ્પીઓની સ્થિતિ અનુકૂળ હોય તો ઊધઈ અને ફૂગ માટે ઘણાં વર્ષો સુધી અવરોધક રહે છે; પરંતુ જો પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો સડો ઝડપથી થાય છે. કાષ્ઠ પર કરેલી ગ્રેવયાર્ડ કસોટી મુજબ, મધ્યપ્રદેશનું કાષ્ઠ 91 માસ સુધીનું સરેરાશ જીવન ધરાવે છે. ચિકિત્સારહિત રેલવે-સ્લીપર 5-7 વર્ષ સુધી અને ચિકિત્સા આપેલ રેલવે-સ્લીપર તેથી ઘણું વધારે લાંબું ટકે છે. અંત:કાષ્ઠને પ્રતિરોધી (antiseptic) ચિકિત્સા આપી શકાય છે; પરંતુ તેનો હંમેશાં સંપૂર્ણ પ્રવેશ થતો નથી. સેલ્ક્યોર વડે ચિકિત્સા આપેલ કાષ્ઠ ગ્રેવયાર્ડ કસોટી મુજબ 70 માસ સુધી અને ચિકિત્સા નહિ આપેલ કાષ્ઠ માત્ર 32 માસ સુધી જ ટકે છે.
કાષ્ઠ સંશોષણ માટે અત્યંત ઉચ્ચતાપસહ (refractory) હોય છે. તેનું ક્લિન-સંશોષણ (klin-seasoning) પણ થઈ શકે છે. સામાન્ય રીતે સીધા કણમય કાષ્ઠનું કરવત-કામ સહેલું હોય છે. તે સારી રીતે પરિષ્કૃત (finished) કરી શકાય છે. કઠોર અને ત્રાંસા કણમય કાષ્ઠનું કરવત-કામ અને પરિષ્કૃતિ (finishing) મુશ્કેલ હોય છે. કાષ્ઠનાં છોડિયાં સહેલાઈથી નીકળે છે અને તે પૉલિશ સારી રીતે ગ્રહણ કરે છે. ઇમારતી કાષ્ઠની સાગના, તે જ ગુણધર્મોની ટકાવારીના સંદર્ભમાં તુલનાત્મક ઉપયુક્તતા (suitability) આ પ્રમાણે છે : વજન 124-143; પાટડાનું સામર્થ્ય 87-114; પાટડાની દુર્નમ્યતા (stiffness) 96-114; સ્તંભની ઉપયુક્તતા 90-110; આઘાત-અવરોધક ક્ષમતા 98-129; આકારની જાળવણી 65-77; અપરૂપણ (shear) 100-110; સપાટી-કઠોરતા (surface-hardness) 77152; વિપાટન-ગુણાંક (splitting-coefficient) 70-90; ખીલો કે પેચના ગ્રહણનો ગુણધર્મ 119-134.
ભારતમાં સદીઓથી સાજડનો ઇમારતી કાષ્ઠ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. તે સામર્થ્ય અને સામાન્ય ઉપયોગોમાં ઉત્તર ભારતમાં સાલ પછી અને દક્ષિણ ભારતમાં સાગ પછી તરત આવે છે. બધાં મહત્ત્વનાં ભારતીય ઇમારતી કાષ્ઠોમાં તેનો વપરાશ સૌથી વધારે, સાર્વત્રિક રીતે થાય છે. તે મકાનોનાં બાંધકામ, સ્તંભ, સાંધાઓ, તરાપા, બારી-બારણાંનાં માળખાં, ગાડાં, રમકડાં, રાચરચીલું, ઑઇલ-મિલ, ચોખા છડવા માટેનાં સાંબેલાં, એંજિન-બ્રેક-બ્લૉક, વીજળીનાં આવરણો, સુથારીકામમાં, અગાસી બનાવવામાં, રેલવે-વૅગનનું તળિયું બનાવવામાં, રેલવે-સ્લીપર, કૃષિવિદ્યાનાં ઓજારો, સાધનોના હાથાઓ, સુશોભિત પ્લાયવૂડ, ટેલિગ્રાફ કે વીજળીના થાંભલાઓ બનાવવામાં ઉપયોગી છે. તેનો અગ્નિરોધી (fire-proof) મકાન બનાવવામાં ઉપયોગ થાય છે.
તેના માવામાંથી વીંટાળવાના કાગળ કે લખવાના અને છાપવાના કાગળ બનાવવામાં અને સાલની સાથે મિશ્ર કરી(80 : 20)ને દૃઢ-કાષ્ઠ (hardwood) બનાવવામાં આવે છે. તેની સૌથી ટોચ પર આવેલી શાખાઓ અને ભાંગી ગયેલાં થડ બળતણ અને કોલસો બનાવવામાં ઉપયોગી છે. કાષ્ઠ તરીકે તેનું ઉષ્મીયમાન (calorific value) ઊંચું હોય છે. રસકાષ્ઠ 5,047 કૅલરી, 9,048 બી.ટી.યુ. અને અંત:કાષ્ઠ 5,373 કૅલરી, 9,672 બી.ટી.યુ.. તેની બાષ્પનશક્તિ 12.73 [1 કિગ્રા. કાષ્ઠ 100° સે. તાપમાને 12.73 કિગ્રા. પાણીનું બાષ્પન કરે છે.] હોય છે. અંત:કાષ્ઠમાં ટોમેન્ટોસિક ઍસિડ (C30H48O6) નામનો નવો ટ્રાઇટર્પિન કાબૉર્ક્સિલિક ઍસિડ હોય છે.
‘ટાસાર’ રેશમના કીડાઓ (Antheraea mylitta) તેનાં પર્ણોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. કુમળાં પર્ણો અશુદ્ધ પ્રોટીન અને કૅલ્શિયમથી ભરપૂર હોય છે અને તેનો ચારા માટે ઉપયોગ કરવામાં આવે છે. પર્ણનું શુષ્કતાને આધારે એક રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : અશુદ્ધ પ્રોટીન 12.72 %, ઈથર-નિષ્કર્ષ 1.44 %, અશુદ્ધ રેસો 16.90 %, ભસ્મ 10.2 %, કૅલ્શિયમ 3.11 %, ફૉસ્ફરસ 0.37 %, મૅગ્નેશિયમ 1.57 %, ક્લોરિન 0.49 %, સલ્ફર 0.68 %, પોટૅશિયમ 0.98 % અને સોડિયમ 0.07 %. અન્ય એક રાસાયણિક વિશ્ર્લેષણ મુજબ તે સ્ટાર્ચ 15.0 %, કુલ શર્કરા 8.0 % અને રિડ્યુસિંગ શર્કરા 2.4 % ધરાવે છે.
છાલ આર્થિક કિંમતની દૃષ્ટિએ વિપુલ પ્રમાણમાં પ્રાપ્ય હોવા છતાં તેનો વ્યાપારિક ધોરણે ઓછો ઉપયોગ થાય છે. છાલમાં વધારેમાં વધારે 18.7 % જેટલું ટેનિન હોય છે. ટેન-નિષ્કર્ષનો રંગ લાલ = 2.2 અને પીળો = 3.9 હોય છે. તે ચામડાને કમાવવા માટેનું સસ્તું દ્રવ્ય છે અને બાવળ(Acacia nilotica)ની અવેજીમાં વાપરવામાં આવે છે. તેનો નિષ્કર્ષ સૂતર, ઊન, રેશમ અને શણના રેસાઓ રંગવા માટે ઉપયોગી છે. તેનો કાગળને અને તેના માવાને રંગવામાં ઉપયોગ થાય છે. વપરાયેલી છાલમાંથી ઑક્સેલિક ઍસિડ મેળવવામાં આવે છે.
છાલ કડવી અને સ્તંભક (styptic) હોય છે અને મૂત્રલ (diuretic) અને હૃદ્-બલ્ય (cardiotonic) ગુણધર્મો ધરાવે છે. છાલનો કાઢો અતિસાર(diarrhoea)માં લેવાય છે. તે ચાંદાં ઉપર પણ લગાવાય છે.
વૃક્ષ જેલ જેવા પ્રવાહીનો સ્રાવ કરે છે, જે સુકાઈને આછા-પીળા કે બદામી રંગના ગુંદરમાં પરિણમે છે. ગુંદરનો ઉપયોગ રેચક (purgative) અને આસંજક (adhesive) તરીકે થાય છે. શુદ્ધ ગુંદરમાં D-ગૅલેક્ટોઝ, L-એરેબિનોઝ, D-ઝાયલોઝ, L-રહેમ્નોઝ અને D-ગ્લ્યુક્યુરોનિક ઍસિડ હોય છે અને તેમનો મોલર ગુણોત્તર 21 : 15 : 10 : 1 : 23 છે.
પર્ણો અને ફળોમાંથી ગૅલિક, ઇલેજિક, ચિબ્યુલિનિક અને ચિબ્યુલિક ઍસિડ તથા કોરિલેજિન અને β-સિટોસ્ટેરોલ અલગ કરવામાં આવે છે.
આયુર્વેદ અનુસાર સાજડની ધોળી અને કાળી એમ બે જાત થાય છે. આગંતુક જખમ પર ધોળા સાજડની છાલની થેપલી કરી તે જખમ ઉપર બાંધતાં જલદી ભરાઈ આવે છે. નાના વાછરડાને રોગ થાય ત્યારે સાજડની કુમળી માંજર ખવડાવવામાં આવે છે. તજા-ગરમી ઉપર સાજડની માંજર, બોરડીનાં પર્ણો અને આમળાં એકત્રિત કરી વાટી તેનો રસ હાથ અને પગને તળિયે ઘસવામાં આવે છે. ફોલ્લો ફોડવા માટે તેના પર સાજડની છાલ અને કાળી તુલસીના રસમાં ચોખાના કુશકા નાખી તેમાં ખટાશ ઉત્પન્ન થાય ત્યારે તેની પોટલી બાંધવામાં આવે છે. પક્ષાઘાત પર સાજડની રાખ બાંધવામાં આવે છે. તેથી તે ભાગ ગરમ થતાં તેનું જડત્વ દૂર થાય છે. કફ ઉપર સાજડની રાખ મધમાં આપવામાં આવે છે.
બળદેવભાઈ પટેલ