સાગર : મધ્યપ્રદેશના મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 50´ ઉ. અ. અને 78° 43´ પૂ. રે.ની આજુબાજુનો 10,252 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઝાંસી (ઉ. પ્ર.) જિલ્લો, પૂર્વમાં દમોહ જિલ્લો, દક્ષિણે નરસિંહપુર, નૈર્ઋત્યમાં રાયસેન, પશ્ચિમે વિદિશા, વાયવ્યમાં ગુના તથા ઈશાનમાં છતરપુર જિલ્લા આવેલા છે. જિલ્લામથક સાગર જિલ્લાની મધ્યમાં આવેલું છે. જિલ્લાનું નામ જિલ્લામથક સાગર પરથી પડેલું છે, જ્યારે શહેરનું નામ તેની મધ્યમાં આવેલા ‘સાગર’ નામના જળાશય પરથી પડેલું છે.
અસ્થિર સાધન શ્રમના એકમો (ક્રમશ:) | કાપડનું સીમાંત ઉત્પાદન (મીટરમાં) | કાપડની મીટર દીઠ બજાર કિંમત (રૂ.) | સીમાંત ઉત્પાદકતા (રૂપિયામાં) |
4 | 10 | 50 | 500 |
5 | 8 | 50 | 400 |
6 | 6 | 50 | 300 |
7 | 4 | 50 | 200 |
8 | 3 | 50 | 150 |
સાગર (મધ્યપ્રદેશ)
ભૂપૃષ્ઠ : જિલ્લાનો સમગ્ર ભાગ નર્મદા નદીની ઉત્તર તરફ માળવાના ઉચ્ચપ્રદેશની અગ્નિ ધાર પર આવેલો છે. નર્મદાનો ખીણપ્રદેશ જિલ્લાની દક્ષિણ તરફના ઉગ્ર સમુત્પ્રપાતો-(escarpments)થી અલગ પડે છે. ઉત્તર છેડાનું ધસાણ નદીપટ નજીકનું ભૂપૃષ્ઠ 354 મીટર અને નૈર્ઋત્ય તરફનું નહારમાઉ શિખર 683 મીટરની ઊંચાઈ ધરાવે છે. વાયવ્ય તરફનો ખુરાઈ તાલુકો ખેતીલાયક મેદાની ભૂપૃષ્ઠવાળો છે. આ મેદાની પ્રદેશ ઉગ્ર ઢોળાવવાળી ટેકરીઓની શ્રેણીથી અલગ પડી જાય છે. જિલ્લાના ભૂપૃષ્ઠનું પ્રધાન લક્ષણ અહીંની પાંચ સમાંતર નદીખીણોથી રચાયેલું છે. આ બધા ખીણપ્રદેશોથી સમૃદ્ધ ખેતીપ્રદેશ રચાયો છે. જિલ્લાની મોટાભાગની વસાહતો આ ખીણપ્રદેશોની આજુબાજુ આવેલી છે.
જંગલો : રાજ્યભરમાં આ જિલ્લો વિસ્તૃતપણે જંગલ-આચ્છાદિત છે; જોકે હવે જંગલો માત્ર પહાડી વિસ્તારો પૂરતાં સીમિત છે, ત્યાં કાયમી ખેતી માટે અનુકૂળ સ્થળો નથી. અહીંનાં જંગલો ઉત્તર અયનવૃત્તીય ખરાઉ પ્રકારનાં છે. અહીં સાગનાં તેમજ મિશ્ર પ્રકારનાં જંગલો જોવા મળે છે. ટ્રૅપ ખડકોથી બનેલી ટેકરીઓ પર સાગનાં વૃક્ષો જોવા મળે છે, પરંતુ ઢોળાવો પર તેમનું પ્રમાણ ઓછું છે. વિંધ્ય રચનાના રેતીખડકો છે ત્યાં મિશ્ર જંગલો આવેલાં છે. અહીં સાગ, ટીમરુ, આમળાં, અચર, બેલ, સેમલ, ભીરા, ખેર, અમલતાસ, અર્જુન, કુંભી, મહુડો અને જાંબુડો જેવાં વૃક્ષો જોવા મળે છે. જ્યાં વૃક્ષોનું પ્રમાણ ઓછું છે ત્યાં ઘાસ ઊગી નીકળે છે.
જળપરિવાહ : જિલ્લાનો જળપરિવાહ ઉત્તર અને ઈશાનતરફી ઢોળાવવાળો બની રહેલો છે. આ વિસ્તારમાં ગંગાની સહાયક નદીઓ વહે છે. જિલ્લાની દક્ષિણ સરહદથી માત્ર 10 કિમી.ને અંતરે નર્મદા નદી વહેતી હોવાથી, બાકીનો બધો સ્રાવ-વિસ્તાર ગંગાને મળતી સહાયક નદીઓથી બનેલો છે. બીના (વીણા), ધસાણ, બેવાસ, સોનાર અને બામનેર નામની પાંચ નદીઓ અહીં વહે છે. રતનગઢ નજીકનો સ્થાનિક દૃષ્ટિએ મહત્ત્વનો રમણીય જળધોધ પ્રવાસીઓ માટેનું વિહારધામ બની રહેલો છે. બેતવા નદી સાગર અને ગુના જિલ્લા વચ્ચેની સીમા રચે છે. એ જ રીતે સાગર અને ઝાંસી વચ્ચેની સીમા ધસાણ નદીથી બનેલી છે.
11મી સદીમાં લાખા વણજારાએ અહીં એક સરોવર બંધાવેલું. તેને કાંઠે આ નગર વસેલું. સ્થાનિક લોકો માટે તે સ્નાનઘાટ અને કપડાં ધોવાના ઘાટ તરીકે ઉપયોગમાં લેવાય છે. આ જળાશયમાં કમળ અને શિંગોડાં વવાય છે.
ખેતી : ઘઉં, ડાંગર, ચણા, મગફળી અને જુવાર અહીંના મુખ્ય કૃષિપાકો છે. નહેરો, તળાવો અને કૂવા ખેતીની સિંચાઈનો મુખ્ય સ્રોત છે. ગાયો અને ભેંસો અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે.
ઉદ્યોગો : આ જિલ્લામાં બીડી-ઉદ્યોગ સિવાય બીજા કોઈ વિશિષ્ટ પ્રકારના ઉદ્યોગો વિકસ્યા નથી. તેલ-મિલોના, હાથસાળના તેમજ સુતરાઉ કાપડના એકમો સાગર શહેરમાં તથા તેની આજુબાજુનાં નજીકનાં ગામડાંમાં વિકસ્યા છે. આ જિલ્લામાંથી બીડીની નિકાસ થાય છે; જ્યારે કાપડ, કેરોસીન, લોખંડ, ચોખા, ઘઉં, ખાંડની આયાત થાય છે.
પરિવહન–પ્રવાસન : મધ્ય રેલવિભાગના બીના કટની રેલમાર્ગ પર સાગર રેલમથક આવેલું છે. દિલ્હી-ચેન્નાઈ માર્ગ પર સાગર બીનાથી 75 કિમી. દૂર આવેલું છે. જિલ્લામાં સડકમાર્ગોની સગવડ સારી છે. સાગરથી પૂર્વ તરફ દમોહ અને જબલપુર આવેલાં છે, જ્યારે ઉત્તર તરફના સડકમાર્ગ પર ઝાંસી અને ગ્વાલિયર તથા નૈર્ઋત્ય તરફ ભોપાલ આવેલાં છે.
એરણ, ખીમલાસા, અબચાંદ, ગઢપહેરા, રાતગઢ, સનોઢા, દેવરી, ગઢકોટા અને ધમોની અહીંનાં મહત્ત્વનાં ગણાતાં પ્રવાસસ્થળો છે. સાગરનો ઝોડા ઉત્સવ અને ગઢકોટાનો પશુમેળો મહત્ત્વના ગણાય છે. આ ઉપરાંત, નીલકંઠ મેળો, ગઢપહેરા મેળો, ફુલ્લરનો મેળો, પંઢરીનાથનો મેળો, જૈન મેળો તથા સંક્રાંતિ, વસંતપંચમી, હરસિદ્ધદેવી, નવરાત્રી, રામનવમી, રથયાત્રાના ઉત્સવો અહીં યોજાય છે.
વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 20,21,783 જેટલી છે. તે પૈકી આશરે 55 % પુરુષો અને 45 % સ્ત્રીઓ છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 70 % અને 30 % જેટલું છે. જિલ્લામાં હિન્દુ-મુસ્લિમ વસ્તી વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈનોની વસ્તી ઓછી છે. હિન્દી અહીંની મુખ્ય ભાષા છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 40 % જેટલું છે. જિલ્લાનાં 62 % ગામોમાં શૈક્ષણિક સંસ્થાઓની સગવડો છે. અહીં 15 કૉલેજો, 100 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 270 માધ્યમિક શાળાઓ, 1,300 પ્રાથમિક શાળાઓ છે. સાગર યુનિવર્સિટી અહીંની જાણીતી યુનિવર્સિટી છે. જિલ્લાનાં મોટાભાગનાં શહેરોમાં તબીબી સેવા-સુવિધાઓ ઉપલબ્ધ છે. સાગર ખાતે સિવિલ હૉસ્પિટલ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 7 તાલુકા અને 11 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 13 શહેરો અને 2,091 (213 વસ્તીવિહીન) ગામો છે.
ઇતિહાસ : સાગર જિલ્લાના મુખ્ય મથક સાગર શહેરનો ઇતિહાસ અંદાજે 1660ના વર્ષની યાદ અપાવે છે. તે વર્ષે નિહાલ શાહના વંશજ ઉદન શાહે સાગરના આજના સ્થળ નજીક નાનો કિલ્લો બાંધેલો અને તેની નજીકમાં પરકોટા નામનું ગામ વસાવેલું. આ ગામ આજે સાગર શહેરનો એક ભાગ બની રહેલું છે. 1818માં જિલ્લાનો મોટો ભાગ પેશ્વા બાલાજીરાવ બીજાએ બ્રિટિશ સરકારને સોંપી દીધેલો. તે પછી 1860 સુધીમાં જિલ્લાના બીજા ભાગો પણ બ્રિટિશ સરકારની હકૂમત હેઠળ આવેલા. બ્રિટિશ શાસન હેઠળ સાગર તેમજ નજીકના વિસ્તારોમાં સરહદી દૃષ્ટિએ રાજકીય ફેરફારો થતા રહેલા. સાગરનો વિસ્તાર બુંદેલખંડના પોલિટિકલ એજન્ટ હેઠળ મુકાયો. 1820, 1835, 1842 અને 1853માં ફરીફરીને ફેરફારો થતા રહ્યા. 1861માં સાગર અને તેની નજીકના વિસ્તારો તેમજ નાગપુરનું રાજ્ય ‘સેન્ટ્રલ પ્રોવિન્સ’ બન્યું. 1863-64માં તેને જબલપુર રેવન્યૂ-વિભાગમાં ભેળવી દેવાયું. 1981ની વસ્તીગણતરી વખતે તેનો અલગ મહેસૂલી વિભાગ બનાવાયો છે. આજે તે મધ્યપ્રદેશ રાજ્યનો એક જિલ્લો છે અને સાગર તેનું જિલ્લામથક છે.
ગિરીશભાઈ પંડ્યા