સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો

May, 2023

સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો  : બંગાળમાં સાગરદિગ્ધીમાંથી ધાતુનાં અનુપમ વિષ્ણુશિલ્પો. કૉલકાતાના બંગીય સાહિત્ય પરિષદ મ્યુઝિયમમાં સંગૃહીત ષડ્ભુજ વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ ભારતીય શિલ્પના વિશિષ્ટ નમૂના તરીકે પ્રખ્યાત છે.

ષડ્ભુજ શિલ્પમાં વિષ્ણુએ શંખ, ચક્ર, ગદા, પદ્મ ઉપરાંત ગરુડધ્વજ અને હાથી ધારણ કરેલ છે. દેવના મુકુટની પાછળ આવેલ આભામંડળમાં સાત નાગપુરુષોનાં શિલ્પો કોતરેલાં છે. દેવના શંક અને ચક્ર આયુધ પુરુષો તરીકે બંને બાજુએ ઊભેલા છે. તેમની જમણી બાજુએ પીઠિકા પર ઉપાસક પુરુષની મૂર્તિ તથા શિલ્પની પાછળની બાજુએ એક નાનકડો લેખ કોતરેલો છે. આ શિલ્પ 12મી સદીનું મનાય છે. અહીંથી હૃષીકેશ સ્વરૂપનું આ સમયનું મળેલું શિલ્પ ઉત્તમ કોટિનું છે. વિષ્ણુના આ સ્વરૂપે ધારણ કરેલાં કમલસ્થિત આયુધો બંગીય મૂર્તિવિધાન પદ્ધતિનાં દ્યોતક છે. સંભવતઃ હિંદુ શિલ્પવિધાનમાં આ પદ્ધતિ બંગાળમાં પ્રચલિત બૌદ્ધ ધર્મની પરંપરાને અનુલક્ષીને અપનાવવામાં આવી હોય તેમ જણાય છે. આ શિલ્પમાં વિષ્ણુ ભગવાન બુદ્ધની મૂર્તિની પરંપરા પ્રમાણે મહારાજ લીલા મુદ્રામાં બેઠેલા છે. સિંહનાદ બુદ્ધની મૂર્તિઓમાં આ મુદ્રા ખાસ વપરાય છે. વિષ્ણુએ ઉપલા બંને હાથોમાં અનુક્રમે ચક્ર અને ગદા ધારણ કર્યાં છે. નીચલા ડાબા હાથ વડે પદ્મ ધારણ કર્યું છે, પરંતુ તેમનો જમણો હાથ, જે ઘણું કરીને વરદ મુદ્રામાં છે, તે બુદ્ધના ચિન્મુદ્રાની જેમ છાતી સુધી ઉપર લીધેલો છે. આમ આ શિલ્પ પર બૌદ્ધ ધર્મની વ્યાપક અસર જણાય છે.  હિંદુ મૂર્તિશિલ્પો પર બંગાળના તાંત્રિક બૌદ્ધ સંપ્રદાયની થયેલી સ્પષ્ટ અસરનું આ શિલ્પ એક ઉત્તમ ઉદાહરણ છે.

પ્રવીણચંદ્ર પરીખ