સાકરિયા, બદ્રીપ્રસાદ

January, 2007

સાકરિયા, બદ્રીપ્રસાદ (. 1896, બલોતારા-બાડમેર, તે વખતનું જોધપુર રાજ્ય; . ?) : રાજસ્થાની લેખક. તેમણે તેમનું આખું જીવન શબ્દકોશ તૈયાર કરવાના ઉદ્દેશથી જૂનાં પાઠ્યપુસ્તકોનો અભ્યાસ અને સંપાદન કરવામાં સમર્પિત કર્યું હતું. તેમના ‘રાજસ્થાની-હિંદી શબ્દકોશ’ નામક પ્રતિષ્ઠિત ગ્રંથના 3 ભાગ પૈકી પ્રથમ ભાગનું પ્રકાશન જયપુર સ્થિત પ્રકાશકે 1977માં અને બીજા બે ભાગનું ત્યારબાદ ટૂંક સમયમાં પ્રગટ કર્યું હતું. વિવેચકોએ આ ગ્રંથની ભારે પ્રશંસા કરેલી. તેમાં લેખકે સંખ્યાબંધ લોકભોગ્ય શબ્દોનો સમાવેશ કર્યો છે.

તેઓ સંશોધનાત્મક સામયિક ‘રાજસ્થાન ભારતી’ના સંપાદન સાથે સંકળાયેલા હતા. બિકાનેર ખાતે સાદૂલ રાજસ્થાની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈને તેમણે એલ. પી. ટેસ્સિટૉરી, પૃથ્વીરાજ રાઠોડ અને મહારાણા કુંભા પર તે સામયિકના ખાસ અંકો પ્રગટ કર્યા. તે પણ ખૂબ પ્રશંસા પામ્યા. ‘મુહાટા નૈનસી રી ખ્યાત’(4 ભાગ)ના સંપાદનથી તેમને સારી એવી ખ્યાતિ પ્રાપ્ત થઈ. આ ગ્રંથ 1960-67 દરમિયાન રાજસ્થાન સ્ટેટ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, જોધપુરે પ્રગટ કર્યો હતો. તેમણે સંપાદન કરેલ અન્ય ગ્રંથોમાં ‘હરિરસ’ ખાસ ઉલ્લેખનીય છે.

તેમના પ્રદાન બદલ ઘણી સંસ્થાઓ તરફથી ઇનામો અને ચંદ્રકોથી તેમને સન્માનિત કરાયા હતા. તેમનું આખું જીવન રાજસ્થાની સાહિત્ય પાછળ સમર્પિત કરવા બદલ રાજસ્થાની ભાષા સાહિત્ય તથા સંસ્કૃતિ અકાદમી (બિકાનેર) તરફથી તેમને શ્રેષ્ઠ વિદ્વાનની પદવી આપવામાં આવી હતી.

બળદેવભાઈ કનીજિયા