સાઓ ફ્રાન્સિસ્કો (નદી) : પૂર્વ બ્રાઝિલમાં આવેલી નદી. તે સાન ફ્રાન્સિસ્કો નામથી પણ ઓળખાય છે. આ નદી મિનાસ જેરાઇસ રાજ્યમાંથી નીકળે છે, ત્યાંથી તે ઈશાન તરફ વહી પૂર્વનો વળાંક લે છે. તે પછી બહિયા અને પર્નાન્મ્બુકો રાજ્યો વચ્ચેની સીમા રચે છે, ત્યારપછી તે અગ્નિ દિશા તરફ વહેતી રહીને છેવટે ઍટલૅંટિક મહાસાગરમાં ઠલવાય છે. મૂળથી મુખ સુધીની તેની લંબાઈ 3,199 કિમી. જેટલી છે.
ઉપરવાસમાં જ્યાં તે મિનાસ જેરાઇસમાંનો પહાડી વિસ્તાર છોડે છે ત્યાં તે ધોધ અને પ્રપાતોની રચના કરે છે. તે પછીના વિસ્તારમાં આ નદીનો પટ પહોળો બને છે. મધ્ય વિભાગના તેના જળપ્રવાહમાં 1,400 કિમી.ના અંતર માટે નૌકાવિહાર થઈ શકે છે; પરંતુ ઍટલૅંટિકથી ઉપરવાસ તરફના 320 કિમી. માટે ફરીથી તે ઝડપી વેગવાળી અને પથરાળ પટવાળી બની રહે છે.
ગિરીશભાઈ પંડ્યા