સાઓ પાવલો : બ્રાઝિલના પૂર્વ કિનારે આશરે 23° 32´ દ. અ. તથા 46° 37´ પ. રે. પર આવેલું સાઓ પાવલો રાજ્યનું મહાનગર, વહીવટી મથક અને દેશનું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર. તે સમુદ્રકાંઠાથી આશરે 65 કિમી. દૂર આંતરિક ભાગમાં સમુદ્રસપાટીથી લગભગ 795 મી.ની ઊંચાઈએ આવેલું છે. શરૂઆતમાં તે એક નાના કસબારૂપે હતું, પણ પછી કૉફી-ઉદ્યોગનું મહત્ત્વનું બજારકેન્દ્ર બન્યું અને ક્રમશ: વિકસિત થઈને એક મોટા ઔદ્યોગિક કેન્દ્રમાં પરિણમ્યું છે. આમ થવા માટે કેટલાંક કારણો જવાબદાર છે : અહીંનું સરેરાશ વાર્ષિક તાપમાન 18° સે. અને કુલ વાર્ષિક વરસાદનું પ્રમાણ 1,287 મિમી. જેટલું છે. ટૂંકમાં, અહીંની શીતળ અને નરમ આબોહવા માનવવસવાટ માટે સાનુકૂળ અને આકર્ષક છે. વળી નજીકમાંથી જ વિપુલ પ્રમાણમાં જળવિદ્યુતપુરવઠો પ્રાપ્ત થાય છે. વધુમાં ભૂમિ અને હવાઈ પરિવહનસેવાઓની અત્યુત્તમ સુવિધાઓ તેમજ સૅન્ટસ (Santos) જેવા દેશના અગત્યના અને મોટા બંદર સાથેના જોડાણને લીધે તે દેશનું મહત્ત્વનું ઔદ્યોગિક મથક બન્યું છે.
દેશનું આશરે અર્ધા ભાગનું ઔદ્યોગિક ઉત્પાદન કરતું આ મહાનગર, વૈવિધ્યસભર અને શ્રેણીબદ્ધ ઔદ્યોગિક એકમો ધરાવે છે. અહીં ખાદ્ય પદાર્થોથી માંડીને ફર્નિચર તથા કાગળથી માંડીને પ્લાસ્ટિક – એમ ઘણી બધી ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે. આ નગરમાં દેશની આશરે 80 % યંત્રસામગ્રી, વીજ અને વીજાણુ-ઉપકરણો અને રબરનો સરસામાન બને છે; જ્યારે દેશમાં કાપડ, રસાયણો તથા ફાર્માસ્યુટિકલ પેદાશોમાં તેનો ઉત્પાદનફાળો 60 % જેટલો છે. વળી તે ખનીજતેલ-શોધન તથા મોટરવાહન જેવા વિશાળ પાયા પરના ઉદ્યોગો પણ ધરાવે છે. આ મહાનગર ભૂમિમાર્ગો દ્વારા દેશના અન્ય ભાગોને જોડે છે. વળી તે દેશના વિવિધ પ્રદેશો અને દુનિયાના અનેક દેશો સાથે હવાઈ માર્ગે સંકળાયેલું છે. આજે તે સંખ્યાબંધ ગગનચુંબી સંકુલો તથા ઇમારતો ધરાવે છે.
આ મહાનગરની વસ્તી આશરે 98.4 લાખ (1996) જેટલી છે, પણ તે પૈકીની લગભગ 33 % વસ્તી ઝૂંપડપટ્ટીવાળા નિવાસોમાં વસવાટ કરે છે.
બિજલ શં. પરમાર