સાએથિયેસી

January, 2007

સાએથિયેસી : ત્રિઅંગી વનસ્પતિઓના ટેરોપ્સિડા વર્ગના ગોત્ર ફિલિકેલ્સમાં આવેલું વૃક્ષસ્વરૂપી હંસરાજ ધરાવતું કુળ. આ કુળનાં વૃક્ષ ક્યારેક 20 મી.થી 25 મી.ની ઊંચાઈ ધરાવે છે. Cyathea medullaris ન્યૂઝીલૅન્ડમાં નૈસર્ગિક રીતે થાય છે અને 6 મી.થી 15 મી. ઊંચાઈ ધરાવે છે. પ્રકાંડ અશાખિત હોય છે. ક્યારેક તે એક વાર દ્વિશાખી બને છે. મોટાભાગની પ્રજાતિઓમાં દ્વિ- કે ચતુષ્પિચ્છાકાર (bi- or quadripinnate) સંયુક્ત પર્ણો કુંતલાકારે ગોઠવાઈ ટોચ ઉપર પર્ણમુકુટ બનાવે છે. C. medullarisમાં પર્ણો 4 મી. લાંબાં હોય છે. C. sinulataમાં પર્ણો સાદાં, Alsophila taenitisમાં દ્વિપર્ણી અને A. phagopteroidesમાં એકપર્ણી સંયુક્ત પર્ણો હોય છે. પર્ણિકાનો શિરાવિન્યાસ દ્વિશાખી અને ખુલ્લો હોય છે. પર્ણો અગ્રવલિત (circinate) પર્ણવલન ધરાવે છે. પત્રાક્ષ ક્યારેક કંટકીય હોય છે. જમીનથી એકાદ મીટરની ઊંચાઈ સુધી પ્રકાંડ ઉપર શંકુ આકારે ઢગલાની જેમ અસ્થાનિક મૂળ સ્થાપિત થયેલાં હોય છે. અસ્થાનિક મૂળના ઉપરના ભાગે પ્રકાંડ લીસું, પરંતુ અગ્ર ભાગે ષટ્કોણીય દીર્ઘસ્થાયી પર્ણતલોનાં ક્ષતચિહ્નો (scars) જોવા મળે છે. પ્રકાંડ અને પત્રાક્ષ પર શલ્કીનું આવરણ આવેલું હોય છે. પ્રકાંડમાં જાલરંભ (dictyostele) જોવા મળે છે.

બીજાણુધાનીપુંજ (sorus) બહિ:સ્થ હોય છે અને પર્ણિકાની નીચેની સપાટીએ શિરાઓ ઉપર હોય છે. બીધાય(indusium)નો અભાવ હોય છે; (દા.ત., C. medullaris), અથવા બીજાણુધાનીપુંજને રક્ષણ આપતું પ્યાલાકાર બીધાય વિકાસ પામે છે (દા.ત., C. dealbate). જોકે C. medullarisમાં બહુકોષી રોમ બીધાયની જેમ રક્ષણાત્મક રચનામાં પરિણમે છે. બીજાણુધાનીને ફરતે ત્રાંસું લંબવર્તી સ્ફોટીવલય (annulus) અને સ્ફોટીમુખ (stomium) આવેલું હોય છે. તેનું સ્ફોટન અનુપ્રસ્થ ફાટ દ્વારા થાય છે. બીજાણુધાનીઓ સાથે રોમ મિશ્ર થયેલા હોય છે. જન્યુજનક પૃષ્ઠ-વક્ષ ચપટો, હૃદયાકાર, પૉલિપોડિયેસી કરતાં ટૂંકો અને પહોળો હોય છે. ખાંચ પાસે તે કેટલાક કોષોની જાડાઈ ધરાવે છે. જન્યુજનક પર બહુકોષી રોમ આવેલા હોય છે.

આકૃતિ : સાએથિયેસી. સાએથિયા : (અ) વૃક્ષસ્વરૂપ, (આ) બીજાણુપર્ણિકા, (ઇ) બીજાણુપર્ણિકાનો ઊભો છેદ, (ઈ) બીજાણુધાની.

સાએથિયેસી કુળની ત્રણ પ્રજાતિઓનું વિષુવવૃત્તીય પ્રદેશોમાં વિતરણ થયેલું છે. તે મુખ્યત્વે દક્ષિણ ગોળાર્ધમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ કુળમાં 700 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. Cyatheaની 300, Alsophilaની 300 અને Hemitaliaની 100 જાતિઓ નોંધાઈ છે. Cyathaeaમાં પ્યાલાકાર બીધાય જોવા મળે છે. બીડોમે ભારતમાં Cyathaeaની પાંચ જાતિઓનો ઉલ્લેખ કર્યો છે : C. brunoniana, C. spinulosa, C. hookerii, C. sinuata, અને C. walkeri. Alsophilaમાં બીધાય હોતું નથી. ભારતમાં તેની સાત જાતિઓ નોંધાઈ છે : A. latebrosa, A. glauca, A. ornata, A. andersoni, A. oldhamia, A. glabra અને A. crinata. Hemitaliaમાં તલસ્થ શલ્કી બીધાય હોય છે. કેટલીક અમેરિકન જાતિઓમાં શિરાઓનું શાખામિલન (anastomosis) જોવા મળે છે. ક્રિસ્ટેન્સને આ ત્રણ પ્રજાતિઓ ઉપરાંત Lophosoria quadripinnata અને Metaxya rostataને સાએથિયેસી કુળમાં મૂકેલ છે. આ બંને પ્રજાતિઓ એકજાતીય (monotypic) છે. Lophosoria પશ્ચિમી વિષુવવૃત્તીય પ્રદેશોમાં જંગલોમાં અને Metaxya દક્ષિણ અમેરિકાના વિષુવવૃત્તીય પ્રદેશમાંથી મળી આવે છે.

જૈમિન વિ. જોશી