સાઉં ટમે અને પ્રેન્સિપ (Sa o Tome´ and Principe)

January, 2007

સાઉં ટમે અને પ્રેન્સિપ (Sa o Tome´ and Principe) : બે મુખ્ય અને અનેક નાના ટાપુઓથી બનેલો આફ્રિકી દેશ. ભૌ. સ્થાન : તે બંને આશરે 0° થી 0° 25´  ઉ. અ. અને 6° 27´ થી 6° 45´ પૂ. રે. તથા 1° 30´થી 1° 45´ ઉ. અ. અને 7° 15´થી 7° 25´ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ ટાપુઓ 964 કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. દેશનું નામ આ બે મુખ્ય ટાપુનાં નામ પરથી અપાયેલું છે. પશ્ચિમ આફ્રિકાની મુખ્ય ભૂમિ પરના ગૅબનના લિબરવિલેથી પશ્ચિમ તરફ આશરે 290 કિમી.ના અંતરે રહેલા આ ટાપુઓ ગિનીના અખાતમાં આવેલા છે. આ દેશની વસ્તી 2000 મુજબ આશરે 1,49,000 જેટલી છે, તે પૈકી સાઉં ટમેની વસ્તી 1,25,200 તથા પ્રેન્સિપની વસ્તી 5,900 જેટલી છે.

સાઉં ટમે ટાપુ પ્રેન્સિપ ટાપુ કરતાં ઘણો મોટો છે, તે દેશનો અંદાજે 85 % જેટલો વિસ્તાર આવરી લે છે તથા દેશની લગભગ 95 % વસ્તી તેમાં વસે છે. દેશની આશરે 58 % વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે અને તેઓ બધા ખેતીના વ્યવસાયમાં રોકાયેલા છે. સાઉં ટમે ટાપુની મધ્યમાં આવેલું સાઉં ટમે શહેર મોટામાં મોટું હોવા ઉપરાંત દેશનું પાટનગર પણ છે. તે દેશની ખેતપેદાશોનું વેપારી મથક અને જહાજી સેવાનું મથક પણ છે. આ દેશને 208 કિમી. લંબાઈનો દરિયાકિનારો મળેલો છે.

ભૂપૃષ્ઠ : આ બંને ટાપુઓનું ભૂપૃષ્ઠ મૃત (નિષ્ક્રિય) જ્વાળામુખીઓથી બનેલું છે. સાઉં ટમે ટાપુનો પશ્ચિમ ભાગ ઉગ્ર ઢોળાવવાળું ભૂપૃષ્ઠ ધરાવે છે અને સમુદ્રસપાટીથી એકાએક ઊંચકાઈ આવેલા હોય એવું સ્થળદૃશ્ય દર્શાવે છે. સાઉંને કાંઠે જંગલો ઊગી નીકળેલાં છે, તેની અંતરિયાળ ભૂમિનો મધ્યભાગ બેસાલ્ટ ખડકોથી બનેલો છે. મધ્ય ભાગથી પૂર્વ કિનારા સુધીની ભૂમિ ક્રમે ક્રમે આછા ઢોળાવવાળી બનતી જાય છે. અહીંની જ્વાળામુખી-ભસ્મથી રચાયેલી દળદાર જમીનો ફળદ્રૂપ છે. પ્રેન્સિપ ટાપુની ભૂમિરચના પણ સાઉં ટમેની ભૂમિરચનાને મળતી આવે છે. પિકો દ સાઉં ટમે અહીંનું સર્વોચ્ચ (2,024 મીટર) શિખર છે.

બંને ટાપુઓ વિષુવવૃત્તની જોડાજોડ ઉત્તર તરફ આવેલા છે. દેશની આબોહવા જૂનથી ઑગસ્ટ સુધી ગરમ અને સૂકી રહે છે, જ્યારે સપ્ટેમ્બરથી મે સુધી તે ગરમ, ભેજવાળી રહે છે. સરેરાશ વાર્ષિક તાપમાન નીચાણવાળા ભાગોમાં 25° સે. અને ઊંચાણવાળા ભાગોમાં 18° સે. જેટલું રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 410 મિમી. જેટલો પડે છે.

સાઉં ટમે અને પ્રેન્સિપ

અર્થતંત્ર : દેશનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી અને માછીમારી પર આધારિત છે. દેશમાં ઉત્પાદનના તેમજ ખાણના એકમો તદ્દન ઓછા છે. ખાદ્ય પેદાશો તથા ઔદ્યોગિક સાધનસામગ્રી માટે દેશને માત્ર આયાત પર આધાર રાખવો પડે છે. મોટાભાગની આયાત એંગોલા, જર્મની, પોર્ટુગલ અને સ્પેનમાંથી થાય છે.

દેશની ખેડાણયોગ્ય ભૂમિનો 90 % ભાગ કૃષિ કંપનીઓને હસ્તક છે, તેઓ વિશાળ કદનાં ખેતરો ધરાવે છે. બાકીની 10 % ખેડાણયોગ્ય ભૂમિ અંદાજે 11,000 જેટલા નાના ખેતમાલિકો પાસે છે. અહીંની મુખ્ય કૃષિપેદાશોમાં કેળાં, કોકો, નાળિયેર, કૉફી, કોપરાં તથા દૂધપેદાશોનો સમાવેશ થાય છે. ખેડૂતો પશુપાલન પણ કરે છે. કોકો અહીંની મુખ્ય નિકાસી ચીજ છે. સાઉં ટમે અને પ્રેન્સિપમાં આશરે 290 કિમી.ના રસ્તાઓ છે. અહીંનું હવાઈમથક સાઉં ટમે શહેરની નજીકમાં આવેલું છે.

વહીવટી વ્યવસ્થા : સાઉં ટમે અને પ્રેન્સિપ પ્રજાસત્તાક દેશ છે. લોકો રાષ્ટ્રીય સંસદની ચૂંટણી કરે છે. ધારાસભા પ્રમુખની વરણી કરે છે. પ્રમુખ વડાપ્રધાનની નિયુક્તિ કરે છે. વડાપ્રધાન પ્રધાનમંડળની રચના કરે છે. પ્રધાનમંડળ વડાપ્રધાનને વહીવટી કાર્યોમાં મદદરૂપ બને છે.

લોકો : દેશના આશરે 70 % મૂળ અશ્વેત લોકો આફ્રિકા અને યુરોપિયનોમાંથી ઊતરી આવેલી મિશ્ર પ્રજા છે. તેઓ ક્રિયોલ નામથી ઓળખાય છે. આ લોકો જ ટાપુઓના મૂળ વતની ગણાય છે. આફ્રિકાની મુખ્ય ભૂમિમાંથી તેમજ આફ્રિકી ટાપુદેશ કેપવર્ડેમાંથી આવીને અહીં વસેલા લોકો બીજા ક્રમે આવે છે. યુરોપિયનો દેશની કુલ વસ્તીની તદ્દન ઓછી ટકાવારી ધરાવે છે. યુરોપિયનો ઓછા હોવા છતાં મોટાં ખેતરો ધરાવે છે, કેટલાક યુરોપિયનો તકનીકી કૌશલ્યની કે વહીવટી નોકરીઓ કરે છે. ક્રિયોલ વસ્તીનો મોટો ભાગ નાનાં ખેતરોના ખેતમાલિકો, ધંધાદારીઓ, માછીમારો કે શ્રમિકોનો બનેલો છે. દૂધપેદાશો મેળવવા કેટલાક ખેડૂતો પશુપાલન પણ કરે છે. આફ્રિકી મુખ્ય ભૂમિ તેમજ કેપવર્ડેમાંથી આવેલા લોકો મોટેભાગે મજૂરીનું કામ કરે છે, તેમના પૈકી કેટલાક ઓછા પગારની નોકરીઓ પણ કરે છે.

દેશમાં બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી મુખ્ય ભાષા પોર્ટુગીઝ છે. સેંકડો વર્ષોથી તે બોલાતી આવી છે. ઘણાખરા ક્રિયોલ લોકો તેમજ યુરોપિયનો પોર્ટુગીઝ ભાષાને મળતી આવતી બોલી બોલે છે. અહીંના લગભગ બધા જ લોકો રોમન કૅથલિક ધર્મ પાળે છે. આફ્રિકી ભૂમિખંડમાંથી તથા કેપવર્ડેમાંથી આવેલા લોકો તેમની પોતાની ભાષા બોલે છે અને પોતાનો ધર્મ પાળે છે. દેશનાં ધારાધોરણ મુજબ અહીંના દરેક બાળકે પ્રાથમિક શિક્ષણ પૂરું કરવું ફરજિયાત છે, તેમ છતાં મોટાભાગનાં બાળકો પૂરું ભણતાં નથી, બહુ જ ઓછાં બાળકો માધ્યમિક શિક્ષણ લે છે.

ઇતિહાસ : પોર્ટુગીઝ ખોજ-અભિયાનોના યુગ દરમિયાન, 1470માં સાઉં ટમે અને પ્રેન્સિપના ટાપુઓ શોધી કાઢવામાં આવેલા. તે વખતે આ ટાપુઓ વસ્તીવિહીન હતા. 1485ના અરસામાં પોર્ટુગલે તેમના ગુનેગારો, દેશનિકાલ થયેલા લોકો તથા અન્ય વસાહતીઓને મોકલવા શરૂ કરેલા. અહીં આવેલા લોકોએ યુરોપમાં જેની ખૂબ જ માંગ હતી તે ખાંડનું ઉત્પાદન કરવાનું ચાલુ કર્યું. શેરડીના ઉત્પાદનમાં મજૂરીનું કામ પુષ્કળ પહોંચતું હોવાથી તેમજ દેશમાં શ્રમિકોની અછત વરતાતી હોવાથી પોર્ટુગીઝોએ આફ્રિકામાંથી ગુલામોને આયાત કરવાનું શરૂ કર્યું. આ કારણે આ દેશ થોડા જ વખતમાં ખાંડના ઉત્પાદનમાં આગળ પડતું સ્થાન ભોગવતો થઈ ગયો.

સોળમી સદીના મધ્ય ભાગમાં સાઉં ટમે ટાપુ પર કામ કરતા ગુલામોએ શેરડીના ખેતમાલિકો સામે બળવો કર્યો, તે ગાળા દરમિયાન ખાંડનું ઉત્પાદન ઘટી ગયું. આ જ સમયગાળામાં આફ્રિકી ગુલામોનો વેપાર પણ વિકસ્યો હતો. અહીં ગુલામો લવાતા અને તેમને અહીંથી જ અમેરિકા ખાતે તેમજ અન્યત્ર મોકલવામાં આવતા.

સત્તરમી અને અઢારમી સદીમાં સાઉં ટમે ટાપુ પર ડચ અને ફ્રેન્ચનાં શાસન રહેલાં, પરંતુ પોર્ટુગીઝોએ તેના પર ફરીથી કબજો મેળવી લીધેલો. ઓગણીસમી સદીમાં, પોર્ટુગીઝોએ અહીંના ટાપુઓ પર કૉફી અને કોકોનું વાવેતર શરૂ કર્યું. તેમણે આ પાકો માટે પણ ગુલામોનો મજૂરો તરીકે ઉપયોગ શરૂ કરેલો.

ઓગણીસમી સદીમાં પોર્ટુગલ તેમજ અન્ય દેશોએ ગુલામીની પ્રથા રદ કરી; પોર્ટુગીઝો આફ્રિકાની મુખ્ય ભૂમિમાંથી અનુબંધિત મજૂરી કરનારાઓને લઈ આવ્યા. તેમની પાસે ખૂબ સખ્તાઈથી કામ લેવાતું, તેથી તેઓ ઓગણીસમી અને વીસમી સદી દરમિયાન વખતોવખત અસફળ બળવા કરતા રહ્યા. પોર્ટુગીઝ ટુકડીઓએ બળવા વખતે સેંકડો મજૂરોની હત્યા કરી. આ ઘટના ત્યાંના ઇતિહાસમાં બટેપા હત્યાકાંડ (Batepa massacre) તરીકે જાણીતી છે.

વીસમી સદીની મધ્યમાં સાઉં ટમે અને પ્રેન્સિપમાં ઘણા લોકોએ પોર્ટુગીઝ શાસન હઠાવવાની માંગણી શરૂ કરી. તેમના પ્રયાસોના પરિણામે છેવટે 1975માં જુલાઈની 12મી તારીખે આ ટાપુઓ સ્વતંત્ર બન્યા. આમ છતાં તેમણે પોર્ટુગીઝો સાથે અને પોર્ટુગલ સાથે મજબૂત સંબંધો જાળવી રાખ્યા છે. આ બંને ટાપુઓ પર હવાઈ મથક અને માર્ગ બાંધકામ માટે પોર્ટુગલ તરફથી ધિરાણ મળેલું છે.

સાઉં ટમે (શહેર) : સાઉં ટમે અને પ્રેન્સિપનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌ. સ્થાન : 0° 20´ ઉ. અ. અને 6° 44´ પૂ. રે.. આફ્રિકાની મુખ્ય ભૂમિથી પશ્ચિમ તરફ આવેલા સાઉં ટમે ટાપુના ઈશાન કિનારા પર તે વસેલું છે. સાઉં ટમે અને પ્રેન્સિપની કૃષિપેદાશોનું તે વેપારીમથક તેમજ જહાજી સેવાનું કેન્દ્ર છે. પાટનગર નજીક તેનું હવાઈ મથક પણ આવેલું છે.

1470માં પોર્ટુગીઝોએ આ ટાપુ શોધી કાઢેલો અને તે પછી આશરે 1500ના ગાળામાં આ શહેર વસાવેલું.

ગિરીશભાઈ પંડ્યા