સાઇસ (Sais) : નાઇલ નદીના ત્રિકોણપ્રદેશના ગુલાબની પાંખડીઓની જેમ પથરાયેલા ફાંટાઓ પર આવેલું ઇજિપ્તનું પ્રાચીન શહેર. પ્રાચીન નામ ‘સાઇ’. ‘સાઇ’ પરથી ગ્રીક નામ ‘સાઇસ’ થયેલું છે. તેનું અરબી નામ ‘સા અલ-હજૂર (હગર)’ છે. આ સ્થળે યુદ્ધની દેવી નાઇથ(Neith)નું પવિત્ર તીર્થ આવેલું હતું.

ઈ. પૂ.ની આઠમી સદીમાં દક્ષિણ ઇજિપ્ત પર કાબૂ મેળવવા લિબિયાનો રાજકુમાર તેફનાખ્ત કુશાઇટ લોકો જોડે લડેલો, પરંતુ તે ઈ. પૂ. 713-712માં હારી ગયેલો. તે પછી ઈ. પૂ. 671માં ઍસિરિયાએ કુશાઇટ લોકોને હરાવ્યા. ત્યારબાદ સાઇટ (Saite) રાજકુમારોએ ત્રિકોણપ્રદેશ પર કાબૂ મેળવી લીધેલો. ઈ. પૂ. 664-609માં સામતિક (Psamtik) પહેલાએ, પોતાના ઉપરી અધિકારીઓને કાઢી મૂકીને સમગ્ર ઇજિપ્ત જીતી લીધું (ઈ. પૂ. 656). આમ, સામતિક પહેલાના સમયમાં સાઇસ પાટનગર બન્યું. એ વખતે ભૂમધ્ય સમુદ્રના પ્રદેશ અને આફ્રિકાના વેપારથી સાઇ સમૃદ્ધ બનેલું; એટલું જ નહિ, એ સમય દરમિયાન તે ઇજિપ્તનાં મહત્ત્વનાં શહેરો પૈકીનું એક ગણાતું હતું. આજે આ સ્થળે વસતા લોકો કપાસનું વાવેતર કરે છે.

ગિરીશભાઈ પંડ્યા