સાઇબિરિયા

January, 2007

સાઇબિરિયા : ઉ. એશિયાનો યુરલ પર્વતમાળાથી પૅસિફિક મહાસાગર સુધી વિસ્તરેલો રશિયાના તાબા હેઠળનો ભૂમિવિસ્તાર. તે આશરે 42° ઉ. થી 80° ઉ. અક્ષાંશવૃત્તો તેમજ આશરે 64° પૂ.થી 170° પશ્ચિમ રેખાંશવૃત્તો વચ્ચે આવેલો છે. તેના ઉત્તર ભાગમાં ઉ. ધ્રુવવૃત્ત (661° ઉ. અક્ષાંશવૃત્ત) પસાર થાય છે. તેના પૂર્વ છેડાના ભાગોને 180° રેખાંશવૃત્ત સ્પર્શે છે. જોકે તેના પૂર્વ છેડા પર બેરિંગની સામુદ્રધુની આવેલી છે (170° પ. રેખાંશવૃત્ત પર), ત્યાંથી આંતરરાષ્ટ્રીય દિનાંતરરેખા પસાર થાય છે. આંતરરાષ્ટ્રીય દિનાંતરરેખા 180° રેખાંશવૃત્ત પર આવે, તેમ છતાં અમુક પ્રદેશો અને દ્વીપોનું વ્યાવહારિક દૃષ્ટિએ સંકલન કરવા જતાં આ રેખાને અમુક જગ્યાએ (ખાસ કરીને દરિયામાં) વાંકીચૂકી દોરવામાં આવેલી છે. સાઇબિરિયાનો પ્રદેશ આશરે 13 કરોડ ચોકિમી. (50 લાખ ચો.માઈલ) વિસ્તારને આવરે છે. ગણ્યાંગાંઠ્યાં ક્ષેત્રો સિવાયના તેના મોટા ભાગના પ્રદેશો ડુંગરાળ, જંગલ-આચ્છાદિત તેમજ બિનવસવાટી છે.

સાઇબિરિયા

સાઇબિરિયાની પશ્ચિમ સીમાએ યુરલ પર્વતમાળા ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી છે, જે એશિયા અને યુરોપ ભૂમિખંડને વિભાજિત કરે છે. યુરલ પર્વતમાળાથી પશ્ચિમમાં યુરોપ ભૂમિખંડમાં રશિયાનો બાકીનો હિસ્સો આવેલો છે. સાઇબિરિયાની દક્ષિણ ભૂમિસીમાએ કઝાખિસ્તાન, ચીન અને મોંગોલિયા દેશો છે. સાઇબિરિયાની ઉત્તરસીમા હિમાચ્છાદિત આર્કટિક મહાસાગરની નીચી તટરેખાની બનેલી છે. આર્કટિકના ભાગ રૂપે કારા સમુદ્ર, લેપ્ટેવ સમુદ્ર, પૂર્વ સાઇબિરિયાનો સમુદ્ર, ચુકચી વગેરે સમુદ્રો આવેલા છે, જ્યારે તેમાં સેવેરનાયા ઝેમલ્યા, ન્યૂ સાઇબિરિયન, રેન્ગેલ (Wrangel) વગેરે ટાપુઓ જોવા મળે છે. સાઇબિરિયાની પૂર્વ સીમા પૅસિફિક મહાસાગરના ભાગ રૂપે આવેલા ઉપસમુદ્રોની તટરેખાની બનેલી છે. અહીં બેરિંગ તથા ઓખોત્સ્ક સમુદ્ર – એ પૅસિફિક મહાસાગરના ઉપસમુદ્રો છે. તેના દરિયાકાંઠા ભાગોમાં કામચત્કા તથા ચુકચી દ્વીપકલ્પો તેમજ સખાલીન, ક્યુરાઇલ (Kuril) વગેરે દ્વીપો આવેલા છે. જાપાનનો ઉત્તર ટાપુ પણ તેની પડોશમાં છે.

પ્રાકૃતિક રચના તથા જળપરિવાહ : નદીઓનાં થાળાં તથા ઉત્તરકિનારાનાં થોડાંક મેદાનોને બાદ કરતાં સાઇબિરિયાના બાકીના મોટાભાગના વિસ્તારો પહાડી ક્ષેત્રો ધરાવે છે. પ્રાકૃતિક રચનાની દૃષ્ટિએ જોઈએે તો સાઇબિરિયાને મુખ્યત્વે ચાર વિભાગોમાં વહેંચી શકાય, જેનું વર્ણન નીચે મુજબ છે : (1) પશ્ચિમ સાઇબિરિયાનાં મેદાનો : પશ્ચિમમાં મુખ્યત્વે ઑબ અને યેનિસી (Yenisei) નદીઓએ તેમજ તેમની ઉપનદીઓએ આ મેદાનોની રચના કરી છે. આ મેદાનો ઉત્તર તરફ ઢળતાં છે અને સરેરાશ 200 મી.ની ઊંચાઈ ધરાવે છે. વળી તે કાદવકીચડ અને જંગલયુક્ત છે. (2) મધ્ય સાઇબિરિયાનો ઉચ્ચપ્રદેશ : ઑબ-યેનિસી નદીઓનાં મેદાનોથી પૂર્વ બાજુએ આવેલો આ ઉચ્ચપ્રદેશ પૂર્વમાં છેક લીના (Lena) નદીની ખીણ સુધી વિસ્તરેલો છે. તેનો સામાન્ય ઢોળવ ઉત્તર દિશા તરફનો છે. તે સમુદ્રસપાટીથી લગભગ 200થી 2,000 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેના મધ્યના ગણ્યાગાંઠ્યા વિસ્તારો તેમજ દક્ષિણનાં પર્વતીય ક્ષેત્રો વિશેષ ઊંચાઈનાં છે. અહીંથી ઉદ્ભવતી અનેક નદીઓના જળપ્રવાહો છેવટે આર્કટિક મહાસાગરને મળે છે. (3) દક્ષિણ તથા પૂર્વનાં પહાડી ક્ષેત્રો : સાઇબિરિયાની દક્ષિણમાં તથા પૂર્વમાં પર્વતીય હારમાળાઓ વિસ્તરેલી છે જેમાં અનેક સક્રિય તથા નિષ્ક્રિય જ્વાળામુખીઓ છે. છેક દક્ષિણે આવેલા કઝાખિસ્તાન તથા ચીન સાથેના સીમાવિસ્તારોમાં અલ્તાઈ(Altai)ની ઊંચી ગિરિમાળા આવેલી છે. તેનું બેલુખા (Belukha) શિખર 4,506 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેની પૂર્વ તરફની સાયન (Sayan) ગિરિમાળાની પડોશમાં વિશાળ ધનુષાકારે બૈકલ (Baikal) સરોવર આવેલું છે, જે આશરે 636 કિમી. (400 માઈલ) લાંબું છે અને લગભગ 31,080 ચોકિમી. (12,000 ચો.માઈલ)ના વિસ્તારમાં પથરાયેલું છે. તે દુનિયાનું સૌથી વધુ ઊંડું સરોવર ગણાય છે. તેના મધ્ય ભાગે તેની ઊંડાઈ 1,620 મી. જેટલી છે. સરોવરથી પૂર્વ તરફ સ્ટેનોવૉય (Stanovoye) તથા યાબ્લોનૉવી (Yablonovy) હારમાળાઓ પથરાયેલી છે, જેનાં શિખરો 2,000 મી.થી વધુ ઊંચાઈ ધરાવે છે. આ હારમાળાઓથી છેક પૂર્વકાંઠા સુધીના પ્રદેશો ડુંગરાળ છે, પરંતુ વચ્ચે આમુર નદીનાં થાળાનાં મેદાનો નીચાં છે. વળી છેક પૂર્વકિનારે સિખોતે અલિન પર્વતમાળા વિસ્તરેલી છે. ઉત્તર-પૂર્વ સાઇબિરિયામાં લીના, કોલિમા, અનાદિર (Anadyr) વગેરે નદીઓનાં નીચાં થાળાંને બાદ કરતાં બાકીનો મોટો ભાગ અનેક પર્વતીય હારમાળાઓ તથા ઉચ્ચપ્રદેશોને આવરે છે. તે પૈકી વર્ખોયાન્સ્ક, ચેરસ્કી, કોલિમા, કોર્યાક, ચુકોત, ગિદાન, સ્રેડની (Srednny) વગેરે અગત્યની ગિરિમાળાઓ છે. તેમનાં ઊંચાં શિખરો હિમાચ્છાદિત રહે છે, જે પર્વતીય હિમનદીઓનાં ઉદ્ભવસ્થાન છે.

છેક પૂર્વ છેડે આવેલા કામચત્કા (Kamchatka) દ્વીપકલ્પ તથા ક્યુરાઇલ ટાપુઓ પહાડી ભૂપૃષ્ઠ ધરાવે છે. તેમાં જ્વાળામુખીય પર્વતો આવેલા છે. કામચત્કામાં 180 જ્વાળામુખીઓ છે, તેમાં 22 જેટલા સક્રિય છે. આ પૈકીનો મા. ક્લ્યુશેવસ્કાયા (Mt. Klyuchevskaya), સમગ્ર યુરેશિયાનો સર્વોચ્ચ જ્વાળામુખી ગણાય છે અને સમુદ્રસપાટીથી તેની ઊંચાઈ 4,850 મી. જેટલી છે. આ ઉપરાંત કામચત્કામાં સંખ્યાબંધ ગરમ પાણીના ફુવારા (geysers) ધરાવતી ખીણ વિખ્યાત છે. અહીં પ્રસ્થાપિત ભૂગર્ભીય ઉષ્મામથક (geothermal station) દ્વારા તાપવિદ્યુતનું ઉત્પાદન કરવામાં આવે છે. એવી જ રીતે ક્યુરાઇલ ટાપુઓમાં પણ 160 જેટલા જ્વાળામુખીઓ છે, તે પૈકીના 40 જ્વાળામુખી સક્રિય છે. (4) આર્કટિક મહાસાગરના તટપ્રદેશો : અહીં આવેલાં અલ્પ ડુંગરાળ ક્ષેત્રોને બાદ કરતાં બાકીના તટપ્રદેશો નીચાં મેદાનો ધરાવે છે. ખાસ કરીને નદીઓના મુખપ્રદેશોની આસપાસની ભૂમિ સપાટ છે. આ પ્રદેશો વર્ષના મોટાભાગના સમયમાં હિમાચ્છાદિત રહે છે. કિનારાની કેટલીક જમીનોનાં નીચલાં પડોમાં કાયમી હિમાવરણ(permafrost)ની અસરો જોવા મળે છે.

સાઇબિરિયામાં ઑબ, યેનિસી, લીના અને આમુર મોટી નદીઓ છે. આ ઉપરાંત ખતાન્ગા, યાના, ઇન્દિગિર્કા, કોલિમા, અનાદિર વગેરે અન્ય નદીઓ છે. આ પૈકીની પૂર્વમાં વહેતી આમુર નદી ઓખોત્સ્કના સમુદ્રને તેમજ દક્ષિણ-પૂર્વ કાંઠે વહેતી અનાદિર નદી બેરિંગ સમુદ્રને મળે છે. બાકીની બધી જ નદીઓ ઉત્તર તરફ વહીને આર્કટિક મહાસાગરને મળે છે.

ઑબ તથા યેનિસી આ બંને નદીઓનું ઉદ્ભવસ્થાન દક્ષિણમાં આવેલા ઊંચા અલ્તાઈ પર્વતોમાં રહેલું છે. તેઓ ઉત્તર-પશ્ચિમનાં વિશાળ થાળાંમાં વહીને આર્કટિક મહાસાગરને મળે છે. તેમના હેઠવાસના પ્રદેશો લગભગ નવેમ્બરથી જૂન સુધી હિમાચ્છિાદિત રહેતા હોવાથી આ સમય દરમિયાન તેમાં વહાણવટું થઈ શકતું નથી. તેમનાં થાળાંમાં  શંકુદ્રુમ જંગલો ઉપરાંત પંકભૂમિની વનસ્પતિ જોવા મળે છે. ઇર્તિશ, તાબોલ, ઇશિમ, તાઝ, ચુલિમ વગેરે ઑબની ઉપનદીઓ છે. નિઝન્યાયા તુંગુસ્કા, પદકામેન્નાયા તુંગુસ્કા, અંગારા વગેરે યેનિસીની મુખ્ય ઉપનદીઓ છે. આ નદીઓથી પૂર્વ તરફ જતાં લીના નદીની ખીણ આવે છે. તેનું મૂળ બૈકલ સરોવર પાસે આવેલું છે. ઍલ્ડન (Aldan), વિતિમ, વિલ્યુઇ વગેરે તેની ઉપનદીઓ છે.

યેનિસી અને લીના નદીઓ વચ્ચે ખતાન્ગા તથા ઑલેનેક નદીઓની ખીણો આવેલી છે. વળી ઉત્તર-પૂર્વમાં આવેલી અન્ય નદીઓમાં ઇન્દિગિર્કા (1,977 કિમી.) અને કોલિમા (2,600 કિમી.) આ બે નદીઓ અગત્યની છે. તેમણે આર્ક્ટિક કાંઠે વિશાળ મેદાનોની રચના કરી છે. છેક ઉત્તર-પૂર્વના છેડે અનાદિર (Anadyr) નદી પૂર્વ તરફ વહીને બેરિંગ સમુદ્રને મળે છે. પૂર્વ સાઇબિરિયામાં ચીન તથા રશિયાના કેટલાક ભાગનું સીમાંકન કરતી આમુર નદી અનેક ઉપનદીઓ ધરાવે છે. તે પૈકીની કેટલીક ઉપનદીઓનાં મૂળ ચીનમાં આવેલાં છે.

આબોહવા, કુદરતી વનસ્પતિ તથા પ્રાણીજીવન : સાઇબિરિયાની આબોહવા અતિશય શીત, વિષમ તથા ખંડીય છે. શિયાળામાં ઉત્તરકાંઠાના ટુન્ડ્ર પ્રદેશો ઠરી જાય છે. ઉત્તર કિનારે જાન્યુઆરીનું તાપમાન 30° સે.થી 50° સે. સુધી નીચે જાય છે, પરંતુ વસંત ઋતુમાં અહીં તાપમાન 4° સે. તેમજ પર્વતીય તળેટીના ભાગોમાં 14° સે. જેટલું રહે છે. અહીં વરસાદનું પ્રમાણ ખૂબ જ થોડું એટલે કે 150થી 200 મિમી. જેટલું હોય છે. ઓગળેલો હિમ તથા અન્ય ભેજને ગણતરીમાં લઈને અહીં વરસાદનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. ઑઇમ્યાકોન તથા વર્ખોયાન્સ્કનાં જાન્યુઆરીનાં સરેરાશ તાપમાન 50° સે. સુધી નીચે ઊતરી જાય છે. વળી કેટલાક દિવસો દરમિયાન તાપમાનનો આ આંક 70° સે. સુધી પણ નીચે રહે છે. મધ્ય સાઇબિરિયા સરેરાશ 600 મિમી. જેટલો વરસાદ મેળવે છે, પરંતુ પર્વતીય વિસ્તારોમાં તેનું પ્રમાણ વિશેષ હોય છે. દક્ષિણ સાઇબિરિયામાં જાન્યુઆરીમાં તાપમાન 16° સે.થી જુલાઈમાં 18° સે. સુધી એમ બદલાતાં રહે છે.

દૂર પૂર્વના વિસ્તારો ઉનાળાના મોસમી પવનોની અસર હેઠળ આવતાં આવા પવનો તથા ચક્રવાતો દ્વારા વાર્ષિક સરેરાશ 500-1000 મિમી. તેમજ કામચત્કા દ્વીપકલ્પ સરેરાશ 2,000 મિમી. જેટલો વરસાદ મેળવે છે. અહીં પાનખર ઋતુમાં ટાઇફૂન ચક્રવાતથી તેમજ છેક ઉત્તરના ભાગોમાં હિમ પડવાથી વરસાદ મળે છે. કેટલાંક ક્ષેત્રોમાં જોશબંધ શીતપવનો (હિમઆંધી) વાય છે.

ઉત્તરના આર્કટિક કાંઠે ટુન્ડ્ર વનસ્પતિ થાય છે. અહીં શેવાળ, લાઇકન્સ (lichens), ટૂંકું ઘાસ તથા નાના નાના છોડવાઓ ધરાવતી સાંકડી પટ્ટી પૂર્વ-પશ્ચિમ લંબાયેલી છે. તેની દક્ષિણે વિશાળ અને નિરંતર લીલાં શંકુદ્રુમ જંગલોનો વિસ્તાર છવાયેલો છે, જે ‘ટૈગા’ તરીકે ઓળખાય છે. આ જંગલો યુરલ પર્વતમાળાથી પૅસિફિક કાંઠા સુધી વિસ્તરેલાં છે. ઉત્તરમાં જંગલોનું પ્રમાણ આછું છે અને વધુ ઉત્તરમાં જતાં ટુન્ડ્રની વનસ્પતિમાં ભળી જાય છે. સામાન્ય રીતે ‘ટૈગા’ જંગલો ઉત્તર-દક્ષિણ ત્રણ પેટાપ્રકારોમાં વહેંચાયેલાં છે. ઉત્તરના પટ્ટામાં મુખ્યત્વે ફર (fir) તથા સાઇબિરિયન સીડર(Siberian cedar)નાં વૃક્ષો છે. મધ્યસ્થ પટ્ટામાં સાઇબિરિયન સીડર અને પાઇનવૃક્ષો આગળ પડતાં છે, જ્યારે દક્ષિણનો પટ્ટો 60 % સ્પ્રુસ (spruce), તેમજ 40 % ફર, સાઇબિરિયન સીડર બર્ચ (birch) અને આસ્પન(aspen)નાં વૃક્ષો ધરાવે છે.

પશ્ચિમના ઑબ નદીના થાળાના હેઠવાસમાં તથા મધ્ય વાસમાં ઉનાળાની શરૂઆતમાં પૂરનાં પાણી વિશાળ વિસ્તારોમાં ફેલાઈ જાય છે; જેથી શંકુદ્રુમ જંગલોની નીચેના સ્તરમાં કાદવકીચડનાં જંગલો ઊગી નીકળેલાં છે. યેનિસી નદીના ખીણવિસ્તારથી પૂર્વમાં સ્ટેનોવૉય હારમાળા સુધી શિયાળો સખત અને આકરો હોવાથી એવી વિષમ પરિસ્થિતિમાં દહુરિયન લાર્ચ(Dahurian larch)નાં વૃક્ષો થાય છે, જે પાનખર વૃક્ષનાં લક્ષણો ધરાવે છે. વળી વચ્ચે વચ્ચે સાઇબિરિયન ફર, સ્કૉટ પાઇન (Scot pine) અને સ્ટોન પાઇન (stone pine) ઊગે છે. છેક દૂર પૂર્વની પર્વતમાળાઓ તથા કિનારાના દ્વીપો શંકુદ્રુમ જંગલોથી આચ્છાદિત છે. અહીં પણ દહુરિયન લાર્ચ આગળ પડતું વૃૃક્ષ છે. સાથે સાથે અન્ય વૃક્ષો પણ જોવા મળે છે. આમુર નદીથી ઉત્તરના વિસ્તારોમાં મિશ્ર જંગલો પથરાયેલાં છે; જેમાં ઓક, એલ્મ, મૅપલ, લાઇમ (lime) વગેરેનાં વૃક્ષો મુખ્ય છે.

સાઇબિરિયાના દક્ષિણ તથા દક્ષિણ-પશ્ચિમના અલ્પ ભાગો સ્ટેપ્સના ટૂંકા ઘાસના વિસ્તારો ધરાવે છે, જે આજે તેના અત્યંત સમૃદ્ધ ખેતીકીય અને ઔદ્યોગિક પ્રદેશો બન્યા છે.

સાઇબિરિયાના ઉત્તરના ટુન્ડ્ર પ્રદેશમાં ધ્રુવીય શિયાળ અને રીંછ, લેમિન્ગ્ઝ (Lemmings), રેન્ડિયર વગેરે પ્રાણીઓ તેમજ વિવિધ પક્ષીઓ જોવા મળે છે. દૂર પૂર્વમાં ચિત્તા, ભૂખરાં અને કાળાં રીંછ, હરણ, કૂતરા, કસ્તૂરી મૃગ, રેન્ડિયર, એલ્ક (Elk) તેમજ વિવિધ પ્રકારના સર્પો થાય છે. વળી અહીં વનમોર (Pheasant), બતક તથા બીજાં અનેક પ્રકારનાં પક્ષીઓની જાતો પણ છે. સાઇબિરિયામાં જંગલ-આધારિત અનેક પ્રકારની પ્રવૃત્તિઓ તેમજ તેને લગતા ઉદ્યોગોનો વિકાસ થયો છે. લાકડાં કાપવાથી માંડીને રેન્ડિયર-ઉછેર, તથા રૂંવાં (fur) ધરાવતાં જાનવરને ફસાવીને તેમનો શિકાર કરવાની પ્રવૃત્તિ મોટા પાયા પર ચાલે છે.

ખેતી તથા પશુપાલન : દક્ષિણ સાઇબિરિયાની સ્ટેપ્સભૂમિમાં ખાસ કરીને બૈકલ સરોવરથી પશ્ચિમમાં વિસ્તૃત ખેતી તથા પશુપાલનપ્રવૃત્તિ કરવામાં આવે છે. અહીં મુખ્યત્વે ઘઉં, જવ, ઓટ, સોયાબીન તથા અન્ય તેલીબિયાં, સુગરબીટ, કપાસ, ફ્લૅક્સ, ફળો અને શાકભાજી તેમજ અન્ય પાકો લેવાય છે. ખેતીની સાથે સાથે માંસ અને ડેરીપેદાશો (દૂધ, માખણ, પનીર વગેરે) તથા ઊન મેળવવા માટે પશુસંવર્ધન-પ્રવૃત્તિ થાય છે. અહીં પશુઓ માટે ચરિયાણ તથા સૂકા ઘાસ માટેનાં ફાર્મ (pastures and  hayfields) આવેલાં છે. વળી લીના નદી સાથે વિલ્યુઇ તથા ઍલ્ડન નદીઓ સંગમ પામે છે. તે પ્રદેશમાં પશુપાલન (મુખ્યત્વે અશ્વપાલન) પણ કરવામાં આવે છે.

દૂર પૂર્વમાં આમુર તથા તેની ઉપનદીઓની ખીણોમાં ખેતી કેન્દ્રિત થયેલી છે. ત્યાં મુખ્યત્વે વસંતના ઘઉં, ઓટ, બટાટા, સોયાબીન, શાકભાજી વગેરે પાકો લેવાય છે. વળી અલ્પ પ્રમાણમાં ડાંગરની ખેતી પણ થાય છે. માંસ અને ડેરીપેદાશો માટેની સ્થાનિક જરૂરિયાતો માટે પશુસંવર્ધન તથા તેની સાથે સાથે અલ્પ માત્રામાં અશ્વસંવર્ધન પણ કરવામાં આવે છે.

દૂર પૂર્વના પ્રદેશો લાંબો સમુદ્રતટ ધરાવે છે, જ્યાં મત્સ્યપ્રવૃત્તિનો સારો વિકાસ સધાયો છે. અહીં વિવિધ પ્રકારનાં માછલાં, કરચલા, મૃદુકાય (molluscs) તેમજ અન્ય સમુદ્રજીવો તથા વનસ્પતિ વગેરેના ભંડારો આવેલા છે.

ખનીજ અને ઊર્જાસંસાધનો તેમજ ઉદ્યોગો : સાઇબિરિયાની ભૂમિમાંથી અનેક પ્રકારનાં ખનીજો મેળવાય છે. ખાસ કરીને કોલસો, લોખંડ, કલાઈ, મૅંગેનીઝ, ખનીજ-તેલ અને કુદરતી વાયુ, સોનું, તાંબું, ટંગસ્ટન, પ્લૅટિનમ, પારો, અબરખ, મીઠું, હીરા, ઍસ્બેસ્ટૉસ ગ્રૅફાઇટ, બૉક્સાઇટ, મોલિબ્ડેનમ, નિકલ, ઍન્ટીમની વગેરે ખનીજો અગત્યનાં છે.

સાઇબિરિયાના દ. પશ્ચિમ ભાગમાં કુઝનેત્સ્ક (Kusnetsk) નામનું કોલસાનું સમૃદ્ધ થાળું (basin) આવેલું છે. આ સિવાય અન્યત્ર કુઝબાસ, તુંગુસ્કા, લીના, તાઇમીર, ઝીરિયાન્સ્કી, દ. યાકુત (S. Yakut), ચૌન-ચુકોત્કા વગેરે અગત્યનાં કોલસાક્ષેત્રો છે. વળી ખાબરૉવ્સ્ક વ્લાડિવૉસ્ટૉક, સખાલીન દ્વીપ, કામચત્કા દ્વીપકલ્પ, અનાદિર નદીનો હેઠવાસ વગેરે છૂટાછવાયા વિસ્તારોમાંથી પણ કોલસો મેળવાય છે.

ખનીજતેલ અને કુદરતી વાયુની વિશાળ અનામતો મુખ્યત્વે ઑબ નદીના હેઠવાસના થાળામાં આવેલી છે. આ અનામતોનો પટ્ટો છેક આર્કટિક મહાસાગરના કાંઠા સુધી વિસ્તરેલો છે. આ ઉપરાંત લીના નદીના ઉપરવાસમાં, વિલ્યુઇ (Vilyui) નદીખીણમાં, સખાલીન ટાપુના ઉત્તર ભાગમાંથી પણ ખનીજતેલ અને કુદરતી વાયુ મેળવવામાં આવે છે. યુરેન્ગૉઇ(Yurengoi)સ્થિત કુદરતી વાયુની વિશાળ અનામતો વિશ્વમાં ગણનાપાત્ર છે.

સાઇબિરિયાનાં પહાડી ક્ષેત્રોમાં વહેતાં નદીનાળાં જળવિદ્યુત-ઉત્પાદન માટે મહત્ત્વની ભૂમિકા પૂરી પાડે છે. ઑબ, યેનિસી, અંગારા, ઇર્તિશ વગેરે નદીઓનાં વહેણ પર બંધો બાંધીને જળવિદ્યુતમથકો પ્રસ્થાપિત કરવામાં આવ્યાં છે. ઑબ નદી પર નૉવોસિબિર્સ્ક ખાતે સૌપ્રથમ જળવિદ્યુતમથક સ્થપાયું. યેનિસી નદી પર ક્રાસ્નોયાર્સ્ક તથા સયાનો-શુશેન્સ્કાયા; અંગારા નદી પર ઇર્કુટ્સ્ક (બૈકલ સરોવર પાસે), ઉસ્ત-ઇલિમ (Ust-Ilim) તેમજ બૉગુચૅની તથા કોલિમા નદી પર કોલિમા (Kolyma) વિદ્યુતમથકો આવેલાં છે. આ ઉપરાંત દૂર પૂર્વમાં ઝેયા વિદ્યુતમથક તેમજ બિલિબિનો (Bilibino) ખાતે એક અણુવિદ્યુતમથક પણ કાર્યરત છે. આ સિવાય બધાં જ મોટાં નગરો તાપવિદ્યુતમથક ધરાવે છે.

દ. સાઇબિરિયામાં ઉદ્યોગો માટેનો જરૂરી કાચો માલ જેવો કે ખનીજસંપત્તિ, ખેતી તથા પશુપેદાશો, લાકડાં, રેસા વગેરે પ્રચુર માત્રામાં મળે છે. સાથે સાથે સંચાલનશક્તિનાં સાધનો જેવાં કે કોલસો તેમજ જળ અને તાપવિદ્યુત પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે; જેથી અહીં મોટા પાયા પરના લોહ-પોલાદ-ઉદ્યોગ તેમજ અન્ય વિવિધ ઉદ્યોગોનો વિકાસ થયો છે. મોટાભાગનાં ઔદ્યોગિક કેન્દ્રો ટ્રાન્સ-સાઇબિરિયન રેલવેની આસપાસ આવેલાં છે અને આ ઉદ્યોગોનો પટ્ટો ઑબ નદીના ઉપરવાસથી માંડીને છેક પૂર્વકિનારા સુધી લંબાયેલો છે. અહીં હળવાથી માંડીને ભારે ઉદ્યોગો પ્રસ્થાપિત થયેલા છે. ખાસ કરીને લોહ-પોલાદ તથા અન્ય ધાતુપ્રક્રિયા, રસાયણો, પ્લાસ્ટિક, રબર, માનવસર્જિત રેસા, કાપડ (સુતરાઉ, લિનન, ઊની તથા રેશમી), રાસાયણિક ખાતરો, ખેતીને લગતાં તથા અન્ય વાહનો, વિવિધ પ્રકારના ભારે ઇજનેરી ઉદ્યોગો, હવાઈ જહાજ, મશીન-ટુલ્સ અને અન્ય યંત્રો, મશીન-બાંધકામ (Machine-building), ખાદ્ય-પ્રક્રમણ, મત્સ્ય તથા દરિયાઈ જીવો, પગરખાં, કાગળ તથા કાગળનો માવો, સિમેન્ટ, કાષ્ઠ-રસાયણો, રૂંવાં વગેરેને લગતા ઉદ્યોગો મુખ્ય છે.

સ્વેર્ડલૉવ્સ્ક, ચેલિયાબિન્સ્ક, ઓમ્સ્ક, ટોમ્સ્ક, નૉવોસિબિર્સ્ક, ત્યુમેન (Tyumen), બર્નૌલ, નૉવોકુઝનેટ્સ્ક, ક્રાસ્નોયાર્સ્ક, અન્ગાર્સ્ક, ઇર્કુટ્સ્ક, યાકુટ્સ્ક, વ્લાડિવૉસ્ટૉક, ખાબરૉવ્સ્ક, બ્રાત્સ્ક (Bratsk), પેટ્રોપાવ્લૉવ્સ્ક વગેરે અગત્યનાં ઔદ્યોગિક કેન્દ્રો છે.

પરિવહન તથા વ્યાપાર : ઉત્તર સાઇબિરિયાના મોટાભાગના વિસ્તારોમાં વિષમ કુદરતી પરિસ્થિતિને લીધે ભૂમિ-પરિવહનનાં સાધનોનો લગભગ અભાવ છે. રેલ અને સડકમાર્ગો માત્ર દક્ષિણ સાઇબિરિયામાં આવેલા છે, આમ છતાં નદીઓના જળમાર્ગો દ્વારા માનવી અને માલસામાનની હેરફેર ઠીક ઠીક પ્રમાણમાં થાય છે. જોકે નદીઓના ઉત્તર આર્કટિક કાંઠા તરફના તેમના હેઠવાસના પ્રદેશો શિયાળામાં થીજી જતા હોવાથી તે સમયગાળા પૂરતી જળવ્યવહારની સગવડો ખોરવાઈ જાય છે.

પશ્ચિમમાં સોવિયેત રશિયાના પાટનગર મૉસ્કોથી શરૂ થતો ટ્રાન્સ સાઇબિરિયન રેલમાર્ગ દક્ષિણ સાઇબિરિયામાં થઈને છેક પૂર્વકાંઠે આવેલા વ્લાડિવૉસ્ટૉક સુધી લંબાયેલો છે. આ મુખ્ય રેલમાર્ગ તથા તેના અલ્પ ફાંટાઓ માનવી તથા માલસામાનની હેરફેર કરવા માટે ખૂબ જ અગત્ય ધરાવે છે. વળી રેલમાર્ગની સમાંતરે સડકમાર્ગ પણ આવેલો છે, પણ સડકમાર્ગ વચ્ચે તૂટકતૂટક બને છે. આ સિવાય પૂર્વમાં યાકુત્સ્કને જોડતા સડકમાર્ગનો પણ વિકાસ થયો છે. દક્ષિણ સાઇબિરિયામાં મુખ્ય ઔદ્યોગિક મથકોને સાંકળતી કુદરતી વાયુ તથા ખનીજતેલનું વહન કરતી પાઇપલાઇનો નાખવામાં આવી છે. સખાલીન ટાપુ અને નજીકના પ્રદેશોને સાંકળતી પાઇપલાઇન પણ કાર્યરત છે.

સાઇબિરિયામાં પૅસિફિક તથા આર્કટિકકાંઠે તેમજ નદીઓના કાંઠા પર અનેક બંદરો સ્થાપવામાં આવ્યાં છે. જોકે ઉત્તરના આર્કટિકકાંઠાનાં બંદરો શિયાળામાં ઠરી જાય છે. ઉસ્ત-કામચત્સ્ક, પેટ્રોપાવલૉવ્સ્ક-કામચત્સ્કી, ઓખા, ખોલ્મ્સ્ક, વ્લાડિવૉસ્ટૉક, વાનિનો, નાખોદ્કા, નૅગેવો વગેરે પૅસિફિકકાંઠાનાં બંદરો છે. આર્કટિક મહાસાગરકાંઠાનાં બંદરોમાં ડ્યુડિન્કા, ઇગાર્કા, તિક્સી, ક્રાઇ લેસૉવ (Krai Lesov), પેવેક (Pevek) વગેરે બંદરો અગત્યનાં છે. ઑબ નદી પરનાં અગત્યનાં બંદરોમાં નૉવોસીબિર્સ્ક, સાલેખાર્દ, તોબાલ્સ્ક, ઓમ્સ્ક, સુરગુત, ત્યુમેન વગેરેનો સમાવેશ થાય છે. અબાકન, ક્રાસ્નોથાર્સ્ક, અબાલાકોવા, બ્રાત્સ્ક, ઇર્કુત્સ્ક વગેરે યેનિસી નદીકાંઠાનાં બંદરો છે. લીના નદી પર યાકુત્સ્ક, લેન્સ્ક; ઑસેત્રૉવો (Osetrovoe) તેમજ આમુર નદી પર બ્લાગોવેશચેન્સ્ક (Blagoveshchensk), ખાબરૉવ્સ્ક (Khabarovsk), કૉમ્સોમૉલ્સ્ક (Komosmolsk) વગેરે બંદરો અગત્ય ધરાવે છે.

સાઇબિરિયામાં હવાઈસેવાઓનો સારો વિકાસ સધાયો છે. દૂરદૂરનાં એકાકી ક્ષેત્રો અને ખરાબ પરિસ્થિતિવાળા પ્રદેશો તેમજ અગત્યનાં શહેરો તથા બંદરોને હવાઈસેવાઓના લાભો મળતા થયા છે. વળી અહીં રેડિયોસ્ટેશનો તથા ટેલિવિઝન-સંચાર-વ્યવસ્થાની જાળ (network) માટે ઉપગ્રહોની સેવાઓ ઉપલબ્ધ છે. વધુમાં સાઇબિરિયાના મોટાભાગના પ્રદેશોને ટેલિફોન સેવાઓથી સાંકળવામાં આવ્યા છે.

વસ્તી અને વસાહતો : સાઇબિરિયા, લગભગ 310 લાખ લોકો(2004)ની વસ્તી ધરાવે છે. તેમાં તેના દક્ષિણ-પશ્ચિમ તથા દક્ષિણના વિસ્તારો સવિશેષ વસ્તીવાળા છે, જ્યાં શહેરો તથા શહેરી વસ્તીનું કેન્દ્રીકરણ થયેલું છે. અહીં ઉત્પાદન, પરિવહન અને સંચારવ્યવસ્થા, શૈક્ષણિક તથા સાંસ્કૃતિક, સામાજિક, રાજકીય અને બીજી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે. સાઇબિરિયાનો મોટો ભાગ પહાડી છે. ઉત્તર તથા મધ્ય સાઇબિરિયાના પ્રદેશો જંગલ-આચ્છાદિત છે. વળી ઉત્તરના આર્કટિકકાંઠાના પ્રદેશો અતિશીત આબોહવા ધરાવે છે અને વર્ષનો મોટો ભાગ હિમાચ્છાદિત રહે છે, જેથી તેના ઉત્તર અને મધ્ય ભાગોમાં વસ્તીનું પ્રમાણ અલ્પ છે. જોકે હવે જેમ જેમ વિકાસ સધાતો જાય છે, તેમ તેમ સાઇબિરિયાની વસ્તી ધીમી ગતિથી વધતી જાય છે. આજે તેની સરેરાશ વસ્તીગીચતા દર ચોકિમી.એ બે વ્યક્તિ જેટલી હોવાનો અંદાજ છે.

સોવિયત મહાન તેના સ્તાલિન ઈ. સ. 1953માં મૃત્યુ પામ્યા, ત્યાં સુધી સાઇબિરિયામાં બાંધકામ-પરિયોજનાઓ પૂર્ણ કરવા માટે અહીં માનવીઓને વસવાટ કરવાની ફરજ પાડવામાં આવતી હતી. આ માટે સરકારે ઊંચા પગારો, સારાં રહેઠાણો, લાંબી રજાઓ વગેરેની જાહેરાતો આપીને શ્રમિકોને અહીં આકર્ષવા માટે પ્રયત્નો કરેલા; તેમ છતાં કેટલાક શ્રમિકો અલ્પ સમય વિતાવીને સારી રહેણીકરણી ધરાવતા દેશના અન્ય હિસ્સામાં સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હોવાના દાખલા મળી આવે છે.

સાઇબિરિયામાં સૌથી વિશેષ વસ્તી રશિયન લોકોની છે. રશિયનો ઉપરાંત બીજાં અનેક છૂટાંછવાયાં સ્થાયી જાતિજૂથો પણ અહીં નિવાસ કરે છે. મોંગોલ તથા તુર્કી જાતિજૂથો જેવાં કે બુર્યત, તુવિનિયન, યાકુત વગેરે મૂળભૂત રીતે અહીં વસવાટ કરે છે. અન્યત્ર જોઈએ તો ઑબ તથા યેનિસી નદીખીણો વચ્ચેના ભાગોમાં નેન્ત, સેલ્કુપ, ખાન્તી વગેરે; યેનિસી નદીના મધ્યવાસના પૂર્વ ભાગોમાં એવેન્ક; લીના નદીની ઉપનદીઓની ખીણોમાં યાકુત્સ તથા ડૉલ્ગન લોકો નિવાસ કરે છે. બૈકલ સરોવરકાંઠે પશ્ચિમમાં અલ્તાઈ તાર્તાર તથા કારાગાસ્સ તેમજ પૂર્વમાં બુર્યત લોકો વસવાટ કરે છે. આર્કટિક મહાસાગરના કિનારાના વિસ્તારોમાં સેમોયેડ તથા બીજાં અનેક જાતિજૂથો રહે છે. અહીંના યુકાગીર લોકોની મુખ્ય પ્રવૃત્તિ શિકાર છે. છેક ઉત્તર-પૂર્વ છેડે કોર્યાક (Koryaks) અને ચુકસી (Chukchi) લોકો શિકાર કરીને પોતાનો નિર્વાહ ચલાવે છે.

આશરે 70 % સાઇબિરિયન લોકો શહેરોમાં વસે છે અને બાકીના ગ્રામવિસ્તારોમાં રહે છે. શહેરી વસાહતીઓ ખાસ કરીને ગીચોગીચ નાના નાના ફ્લૅટોમાં નિવાસ કરે છે. ઘણા ગ્રામવાસીઓનું જીવન સાદી રહેણીકરણીવાળું છે. શહેરી વસ્તી મુખ્યત્વે ઔદ્યોગિક તથા વ્યાપારિક પ્રવૃત્તિઓ દ્વારા રોજી મેળવે છે. સાઇબિરિયાનું સૌથી મોટું નગર નૉવોસીબિર્સ્ક છે. અન્ય મોટાં નગરોમાં ચેલ્યાબિન્સ્ક (Chelyabinsk), ક્રાસ્નોયાક્ર્સ (Krasnoyarks), ઓમ્સ્ક (Omsk) અને સ્વેર્ડલૉવ્સ્ક(Sverdlovsk)નો સમાવેશ થાય છે.

ઐતિહાસિક ભૂમિકા : આજથી આશરે 2.5 લાખથી પણ વધુ વર્ષો પહેલાં અહીં માનવીનો વસવાટ હોવાનું માનવામાં આવે છે. આ પછી આ પ્રદેશમાં વર્ષો પૂર્વેથી એશિયાની તાર્તાર (Tartars) નામની વિચરતી જાતિના લોકો વસવાટ કરતા હતા. ઈ. સ. 1200માં શરૂઆતનાં વર્ષોમાં મૉંગોલિયન શહેનશાહ ચંગીઝખાને સ્ટેપ્સના દક્ષિણના ભાગો પર કબજો મેળવ્યો અને તેણે ઉત્તરનાં જંગલોમાં વસવાટ કરતી અનેક આદિવાસી પ્રજાઓને હાંકી કાઢી.

સૌપ્રથમ યુરલ પર્વતો પાર કરીને રશિયનોએ સાઇબિરિયામાં પ્રવેશ કર્યો. ઈ. સ. 1581માં યેર્માર્ક નામના સાહસિકની રાહબરી હેઠળ રશિયન કૉસૅક લોકોની ટુકડીઓએ તાર્તાર પ્રદેશ [આજનો તૉબોલ્સ્ક (Tobolsk)ની નજીકનો વિસ્તાર] જીતી લીધો. આ પછી તેમણે ઝડપભેર જમીન તથા જળમાર્ગે પૂર્વ તરફ પ્રયાણ કર્યું અને ઈ. સ. 1640માં પૅસિફિક મહાસાગર તટ પરના ઑખોટ્સ્ક (Okhotsk) સુધી પહોંચી ગયા. આ પ્રદેશમાં રૂંવાં એકત્ર કરતા સ્થાનિક નિવાસીઓ પાસેથી તેમણે કર રૂપે અમુક રકમ લેવાની શરૂઆત કરી.

ઈ. સ. 1700માં રશિયનોએ લગભગ સમગ્ર સાઇબિરિયાના પ્રદેશ પર કબજો મેળવ્યો. ઈ. સ. 1922 પહેલાં સોવિયેત સંઘ(U.S.S.R.)નું નામ રશિયા હતું. ઈ. સ. 1900ની શરૂઆતમાં રાષ્ટ્રીય સરકાર દ્વારા સાઇબિરિયામાં નવા નવા ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી તેની સાથે સાથે આ પ્રદેશમાં વસાહતોની સ્થાપના કરવાનું કાર્ય પણ થતું રહ્યું. ઈ. સ. 1930થી દેશની સરકારે સાઇબિરિયામાંથી કોલસો, ખનીજ-તેલ અને કુદરતી વાયુ તેમજ અન્ય ખનીજસંપત્તિનું ઉત્ખનનકાર્ય શરૂ કર્યું. વર્ષો સુધી સોવિયેત શાસકો દ્વારા ગુનેગારો અને રાજકીય કેદીઓને સાઇબિરિયાના દૂરદૂરનાં ક્ષેત્રોમાં મોકલવામાં આવતા અને તેમાંના ઘણાને ખાણો, કારખાનાં કે રેલવેમાં કામ કરવાની ફરજ પણ પાડવામાં આવતી હતી.

બીજા વિશ્વયુદ્ધ (ઈ. સ. 1939થી 1945) દરમિયાન જર્મન લશ્કરના સંભવિત હુમલાથી થતા નુકસાનથી બચાવવા માટે યુરોપીય સોવિયેત સંઘમાંથી સેંકડો કારખાનાં અને હજારો શ્રમિકોને સાઇબિરિયામાં લઈ જવામાં આવ્યાં.

જાપાનનાં લોહ-પોલાદનાં કારખાનાં માટે જરૂરી એવો કોલસો મેળવવા માટે ઈ. સ. 1974માં સોવિયેત સંઘ અને જાપાન  આ બંને દેશો વચ્ચે પૂર્વ સાઇબિરિયામાં કોલસાની ખાણ શરૂ કરવાનો કરાર કરવામાં આવ્યો. આ જ વર્ષે આશરે 300 કિમી. લંબાઈ ધરાવતા બૈકલઆમુર મુખ્ય રેલમાર્ગ બાંધવાની શરૂઆત થઈ. આ રેલમાર્ગ બૈકલ સરોવર અને કૉમ્સોમૉલ્સ્ક (Komsomolsk) વચ્ચે આવેલો છે. કૉમ્સોમૉલ્સ્ક, એ ખાબરૉવ્સ્કથી આશરે 320 કિમી.ના અંતરે ઉત્તર દિશામાં આવેલું છે. આ રેલમાર્ગ ઈ. સ. 1984માં ખુલ્લો મૂકવામાં આવ્યો.

બિજલ પરમાર