સાઇપાન : ઉત્તર મરિયાના ટાપુઓના યુ. એસ. કૉમનવેલ્થના ભાગરૂપ ટાપુ. 1962થી પશ્ચિમ પૅસિફિક મહાસાગરમાં યુ. એસ. ટ્રસ્ટ ટેરિટરી ઑવ્ ધ પૅસિફિક આઇલૅન્ડ્ઝનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : તે 15° 12´ ઉ. અ. અને 145° 45´ પૂ. રે. આજુબાજુનો 122 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે.
પહાડી ભૂપૃષ્ઠ ધરાવતા આ ટાપુની લંબાઈ 23 કિમી. અને મહત્તમ પહોળાઈ 9 કિમી. જેટલી છે. માઉન્ટ તાગ્પોચાઉ અહીંનું ઊંચામાં ઊંચું (466 મીટર) સ્થળ છે. ટાપુની બંને બાજુઓ પર પહોળા દરિયાઈ ભાગો (મૅગિસિયેન અથવા લાઉલાઉ અખાત અને તાનાપાગ બારુ) વિસ્તરેલા છે. નૈર્ઋત્ય તરફ સાઇપાન ખાડી છે. ખાડીની પેલી પાર આશરે 71 ચોકિમી. વિસ્તાર ધરાવતો ટિનિયન ટાપુ આવેલો છે.
અહીંની મુખ્ય પેદાશ કોપરાં છે. અન્ય પેદાશોમાં કસાવા, રતાળુ સૂરણ, બ્રેડફ્રૂટ અને કેળાંનો સમાવેશ થાય છે. અહીંના બંદર પર વેપારી ગોદી છે તથા ટાપુ પર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ છે. સાઇપાનની વસ્તી 2,000 મુજબ 48,300 જેટલી હોવાની ગણતરી મુકાયેલી છે.
1565થી 1899 સુધી આ ટાપુ સ્પૅનિશ સાર્વભૌમત્વ હેઠળ, 1899થી 1914 સુધી જર્મન હકૂમત હેઠળ તથા 1914થી 1944 સુધી જાપાની વર્ચસ્ હેઠળ રહેલો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1944માં યુ.એસ.નાં દળોએ તેનો કબજો મેળવેલો. આ યુદ્ધના છેલ્લા કાળગાળા દરમિયાન તેનો લશ્કરી હવાઈ મથક તરીકે ઉપયોગ કરવામાં આવેલો. 1953થી 1962 સુધી તેના પર યુ.એસ.ના નૌકાદળનો અધિકાર રહેલો. 1981થી આ ટાપુએ તેનો વહીવટ સંભાળી લીધો છે.
ટ્રસ્ટ ટેરિટરીનું મુખ્ય મથક કૅપિટલ હિલ પર છે, જ્યાંથી પશ્ચિમી ખાડી સરોવર પર નજર રાખી શકાય છે. અહીંના ચલન કનોઆ ખાતે નૉર્ધર્ન કૉમનવેલ્થનું મુખ્ય મથક આવેલું છે.
ગિરીશભાઈ પંડ્યા