સાઇનેરેરિયા

January, 2007

સાઇનેરેરિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક પ્રજાતિ. પુષ્પવિક્રેતાઓ (florists) માટે સાઇનેરેરિયા તરીકે જાણીતી આ પ્રજાતિની બધી જાતિઓને હવે Senecio પ્રજાતિ હેઠળ મૂકવામાં આવી છે. કેનેરીના ટાપુઓની વતની Senecio cruentas સાથે સેનેસીઓની અન્ય જાતિઓના સંકરણથી ઉદ્ભવતી તે જાતિઓ છે. તે શિયાળામાં થતી એકવર્ષાયુ (annual) શાકીય વનસ્પતિઓ છે.

મધ્યમ ઊંચાઈએ અથવા વધારે ઊંચાઈએ આ સારી રીતે થાય છે. આમાં બે મુખ્ય જાતો છે. નીચી જાતનાં (30થી 40 સેમી. ઊંચી) પર્ણો મોટાં અને આકર્ષક હોય છે. પુષ્પ મોટાં અને ભપકાદાર રંગનાં હોય છે અને થડમાંથી નીકળતા રેસા જેવી સુંદરતાને લીધે એ વધારે આકર્ષક લાગે છે. બીજી જાત(60 સેમી.થી 70 સેમી. ઊંચી)નાં પુષ્પ નાનાં પણ ખૂબ આકર્ષક ભપકાદાર રંગોવાળાં હોય છે.

મોટેભાગે તેને કૂંડામાં જ ઉછેરવામાં આવે છે. તેનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે. પુષ્પનિર્માણ પછી છોડને નીચેથી (2થી 3 સેમી. છોડીને) કાપી નાખવામાં આવે છે. આ રહેલા ભાગમાંથી બીજી ઋતુમાં નવી ડાળીઓ ફૂટીને પુષ્પો બેસે છે.

તેનાં બીજ ખૂબ જ નાનાં અને નાજુક હોય છે. તેમને ખૂબ સંભાળપૂર્વક કૂંડામાં રોપવામાં આવે છે. ચપટીમાં પકડી શકાય એટલાં પાનો ફૂટ્યાં પછી એને ધીરેથી બીજા કૂંડામાં જુદાં જુદાં રોપવામાં આવે છે. એ બરોબર જામી જાય ત્યારે એને કાયમના કૂંડામાં એક એક રોપવામાં આવે છે. આ બધાંમાં ખાતર-પાણી વ્યવસ્થિત હોવાં ખૂબ જ જરૂરી છે. છોડ ઉપર ક્યારેક ક્યારેક પાણી છાંટવાથી છોડ સારા રહે છે. છોડ ઉપર જીવાત જેવું જણાય તો તમાકુનું પાણી છાંટવાથી એવા ઉપદ્રવો જતા રહે છે.

બી રોપ્યા પછી 4થી 5 માસમાં પુષ્પનિર્માણ થાય છે. પુષ્પનિર્માણ બે-ત્રણ માસ ટકે છે. પુષ્પો એકાકી અથવા ઝૂમખામાં હોય છે.

છોડને એકદમ તડકામાં રાખવાથી અથવા તદ્દન છાંયામાં રાખવાથી તેને પુષ્પ બરોબર બેસતાં નથી. શક્ય હોય ત્યાં સુધી સવારના તડકામાં એને મૂકીને પછી ત્યાંથી લઈ લેવાય છે અને આછા છાંયામાં મૂકવામાં આવે છે.

પ્રદર્શનમાં મૂકવા માટે મોટેભાગે છોડ ઉપર ફૂલની એક જ ડાળી રાખવામાં આવે છે, જેથી તેને પોષણ સારું મળે છે અને પુષ્પ ખૂબ આકર્ષક લાગે છે.

મ. ઝ. શાહ