સાઇડિંગ સ્પ્રિંગ ઑબ્ઝર્વેટરી (siding spring observatory) અને માઉન્ટ સ્ટ્રૉમલો ઑબ્ઝર્વેટરી (mount stromlo observatory), ઑસ્ટ્રેલિયા

January, 2007

સાઇડિંગ સ્પ્રિંગ ઑબ્ઝર્વેટરી (siding spring observatory) અને માઉન્ટ સ્ટ્રૉમલો ઑબ્ઝર્વેટરી (mount stromlo observatory), ઑસ્ટ્રેલિયા : પ્રકાશિક ઉપકરણો (optical instruments) ધરાવતી ઑસ્ટ્રેલિયાની એક પ્રમુખ ચાક્ષુષીય એટલે કે પ્રકાશિક (optical) વેધશાળા. તેની માતૃસંસ્થા માઉન્ટ સ્ટ્રૉમલો વેધશાળા છે. બંને વેધશાળાઓ સહકારથી કામ કરે છે; એટલે કોઈ એકની વાત કરીએ ત્યારે બીજીની પણ કરવી જરૂરી બને છે.

Mount Stromlo Observatory અને Siding Sprint Observatory નામની આ બંને ઑપ્ટિકલ વેધશાળાઓ શરૂઆતમાં તેમના પ્રથમાક્ષરો પરથી ‘MSSSO’ના સંયુક્ત નામે ઓળખાતી હતી, પણ ઈ. સ. 1998થી તે ‘Research School of Astronomy and Astrophysics’ (RSAA)  એવા નવા નામે ઓળખાય છે. આ સંસ્થા (વેધશાળાઓ) Australian National University(ANU)ની છે અને તેમનું સંચાલન યુનિવર્સિટીનું ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડવાન્સ સ્ટડિઝ સંભાળે છે.

ઈ. સ. 1924માં કૉમનવેલ્થ સોલાર ઑબ્ઝર્વેટરી (સૌર વેધશાળા) તરીકે સ્થાપવામાં આવેલી માઉન્ટ સ્ટ્રૉમલો વેધશાળા ઑસ્ટ્રેલિયન કૅપિટલ ટૅરેટરીની એક જૂનામાં જૂની સંસ્થા છે. ત્યાં 1920 અને 1930ના અરસામાં સૌર અને વાયુમંડલીય ભૌતિકવિજ્ઞાન ઉપર સંશોધનો થયાં હતાં અને તેની ગણતરી સૌર અભ્યાસ માટેના મુખ્ય કેન્દ્ર તરીકે થતી હતી. તે પછી 1940ના દસકામાં તારક-ખગોળશાસ્ત્ર (stellar astronomy) પર વધુ ભાર મૂકવામાં આવ્યો. 1957માં આ વેધશાળા ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટી (ANU) સાથે જોડાઈ. આ વેધશાળા કૅનબેરા(Canberra)ના સાઉથવેસ્ટર્ન સબર્બ્સ ખાતે 760 મીટર (2500 ફૂટ) ઊંચાઈએ આવેલી છે. આ વેધશાળામાં 1957ના દસકામાં ચાર નવાં ઉપકરણો વસાવવામાં આવ્યાં, જેમાં 1.88 મીટર (74 ઇંચ) પરાવર્તકનો સમાવેશ થતો હતો. આ પરાવર્તકની ગણના તેની સ્થાપનાનાં વીસ વર્ષો સુધી દક્ષિણ ગોળાર્ધમાં સહુથી મોટામાં મોટા ટેલિસ્કોપ તરીકે થતી હતી. આવું એક બીજું 1.27 મીટર (50 ઇંચ) પરાવર્તક ગ્રેટ મેલબૉર્ન ટેલિસ્કોપ અહીં આવેલું છે જે ઐતિહાસિક છે. તેની રચના ઈ. સ. 1868માં થઈ હતી. આ ટેલિસ્કોપમાં જરૂરી સુધારા કર્યા પછી તેને ‘MASSIVE’ ‘Compact Halo Object’ તરીકે ઓળખાતા ડાર્ક-મૅટર પ્રોજેક્ટમાં વાપરવામાં આવેલું.

ઈ. સ. 1950ના અરસામાં નજદીકના કૅનબેરા શહેરમાં રાતના પ્રકાશના પ્રદૂષણની સમસ્યા વધી જવાથી આકાશી નિરીક્ષણ મુશ્કેલ બની જતાં તેનું નિરીક્ષણકેન્દ્ર અન્ય સ્થળે ખસેડવાનો નિર્ણય લેવાયો અને ઈ. સ. 1960ના આરંભમાં, વેધશાળાના તત્કાલીન નિયામક બાર્ટ બૉક (Bart Bok : 1906-1983)ના માર્ગદર્શન હેઠળ સાઇડિંગ સ્પ્રિંગ વેધશાળાની સ્થાપના માઉન્ટ સ્ટ્રૉમલો વેધશાળાના આઉટ-સ્ટેશન તરીકે કરવામાં આવી, પરંતુ આ વેધશાળા આગળ જતાં માત્ર ઑસ્ટ્રેલિયાની જ નહિ, સમગ્ર દુનિયાની એક મહત્ત્વની ઑપ્ટિકલ વેધશાળા બની રહી. આ વેધશાળા સાઇડિંગ સ્પ્રિંગ નામના પહાડની Warrumbungle Range તરીકે ઓળખાતી પહાડોની લાંબી હારમાળા (ridges) ઉપર, આશરે 1,150 મીટર (3,770 ફૂટ) ઊંચાઈએ આવેલી છે. આ સ્થળ ન્યૂ સાઉથ વેલ્સમાં(coonabarabran)ની પશ્ચિમે આશરે 20 કિમી.(12 માઈલ)ના અંતરે આવેલું છે. આ વેધશાળાનું મુખ્ય પરાવર્તક ‘ઍંગ્લો-ઑસ્ટ્રેલિયન ટેલિસ્કોપ’ છે. આ પરાવર્તકનો વ્યાસ 3.9 મીટર (153 ઇંચ) છે અને તેને ઑસ્ટ્રેલિયા અને ગ્રેટ બ્રિટને ભેગા મળી બનાવ્યું છે. અત્યંત શક્તિશાળી આ પરાવર્તક દૂરબીન ઈ. સ. 1975થી કાર્યરત છે અને આકાશના અત્યંત દૂરના તદ્દન ઝાંખા આકાશી પદાર્થોને જોવામાં બહુ ઉપયોગી છે. આ વેધશાળામાં આ ઉપરાંત 1.2 મીટર(48 ઇંચ)નું ‘શ્મિટ ટેલિસ્કોપ’ પણ આવેલું છે, જેની માલિકી ‘યુનાઇટેડ કિંગડમ સાયન્સ રિસર્ચ કાઉન્સિલ’ (United Kingdom Science Research Council)ની છે અને તેનું સંચાલન પણ તે જ કરે છે. આવું જ, તેનું જોડિયું ‘શ્મિટ ટેલિસ્કોપ’ અમેરિકાની પાલોમર વેધશાળા (Palomar Obervatory) ખાતે આવેલું છે અને દક્ષિણ ગોળાર્ધનાં આકાશનાં નિરીક્ષણોમાં ક્યારેક આ બંને સંયુક્ત રીતે કામ પણ કરે છે. આ ઉપરાંત, 0.41 મીટર (16 ઇંચ), 0.61 મીટર (24 ઇંચ) અને 1.02 મીટર (40 ઇંચ) ટેલિસ્કોપ અહીં શરૂઆતથી જ છે. તે પછી 1884માં ANU એ 2.3 મીટર (90 ઇંચ) વ્યાસના વિશિષ્ટ ટેલિસ્કોપનો ઉમેરો કર્યો, જે ‘Advanced Technology Telescope’ (ATTP) તરીકે ઓળખાય છે. આ ઉપરાંત ANU દ્વારા અમેરિકાના ‘નાસા’ દ્વારા 0.5 મીટર (20 ઇંચ) ‘ઉપ્સાલા શ્મિટ ટેલિસ્કોપ’ (Uppsala Schmidt Telescope) પણ અહીં મૂકવામાં આવ્યું. આ વિશિષ્ટ પ્રકારનું શ્મિટ ટેલિસ્કોપ પૃથ્વીની નિકટના પિંડો શોધવા માટે ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત દુનિયાનાં ઘણાબધા દેશો અને સંગઠનોના સહકારથી અહીં વિવિધ ઉપકરણો અને દૂરબીનો ગોઠવવામાં આવ્યાં છે.

સમગ્ર ઑસ્ટ્રેલિયામાં ઊંચાં શિખરોની કમી છે, એટલે આ વેધશાળાનું સ્થળ બહુ ઊંચે તો ન કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો આ વેધશાળાનું સ્થળ આકાશી નિરીક્ષણો માટે આદર્શ તો ન કહેવાય, પરંતુ અહીં કૃત્રિમ પ્રકાશનું દૂષણ ઓછામાં ઓછું છે અને આસપાસનો વિસ્તાર જોતાં ભવિષ્યમાં આ સ્થિતિમાં બહુ પરિવર્તન થાય તેમ નથી લાગતું. ભલે અહીં ગોઠવેલા વિવિધ ટેલિસ્કોપની ગણના દુનિયાનાં બહેતરીન ઉપકરણોમાં ન થાય, તેમ છતાંય કાર્યક્ષમતા અને અત્યાર સુધીમાં કરેલા તેના પ્રદાન કે નીપજ-આઉટપુટ-ની વાત કરીએ તો દુનિયામાં આ વેધશાળાનો ક્રમાંક કદાચ બીજો આવે.

આ બંને વેધશાળાની ચોપાસ જંગલો આવેલાં છે અને ક્યારેક તેમાં આગ લાગવાની શક્યતા હોય છે. કૅનબેરાની આસપાસનાં જંગલોમાં 19 જાન્યુઆરી, 2003ના રોજ લાગેલી આવી જ એક પ્રચંડ આગમાં ઐતિહાસિક માઉન્ટ સ્ટ્રૉમલો વેધશાળાનો ઘણો ભાગ નાશ પામ્યો. આ આગને કારણે આર્થિક નુકસાની તો થઈ જ, પણ તેમાં મહત્ત્વના એવાં 6 ટેલિસ્કોપ, ઉપકરણો બનાવવાની આખી વર્કશોપ, કર્મચારીઓના આઠેક વસવાટ અને ઐતિહાસિક કહેવાય તેવો વેધશાળાનો મુખ્ય ગુંબજ પણ નાશ પામ્યો. વળી ગ્રેટ મેલબૉર્ન ટેલિસ્કોપ જેવાં ઐતિહાસિક દૂરબીન ઉપરાંત તેની વર્કશોપમાં તૈયાર કરવામાં આવેલા ‘imaging spectrograph’ જેવાં બીજાં પણ મહત્ત્વનાં કેટલાંક ઉપકરણો ભસ્મીભૂત થઈ ગયાં. આ સ્પેક્ટ્રોગ્રાફ હવાઈ ખાતે આવેલી જેમિની વેધશાળા માટે બનાવવામાં આવેલું અને ત્યાં મોકલવા માટે પૂર્ણપણે તૈયાર હતું.

સુશ્રુત પટેલ