સાં વિટાલ, રૅવેન્ના : પૂર્વ-ક્રિશ્ચિયન અને બાયઝૅન્ટાઇન કલાનું ચર્ચ. પૂર્વ-ક્રિશ્ચિયન અને બાયઝૅન્ટાઇન કલા વચ્ચે ભાગ્યે જ સ્પષ્ટ ભેદરેખા પાડી શકાય તેમ છે. આ કલાના પ્રથમ સુવર્ણયુગનું સમૃદ્ધ સ્થાપત્ય કૉન્સ્ટૅન્ટિનોપલમાં નહિ, પણ ઇટાલીની ભૂમિમાં રૅવેન્ના ખાતે આવેલું સાં વિટાલ ચર્ચ છે. આ નગર વાસ્તવમાં આડ્રિઆટિક કાંઠા પરનું નૌકામથક હતું. 402માં પશ્ચિમના રોમન સમ્રાટોની તે રાજધાની બન્યું. 526-547 દરમિયાન બંધાયેલું આ ચર્ચ કૉન્સ્ટૅન્ટિનોપલથી ઊતરી આવેલ બાંધકામની પદ્ધતિને રજૂ કરે છે. મધ્યમાં ઘુંમટ આચ્છાદિત અષ્ટકોણાકાર પ્લાન ધરાવતું આ ચર્ચ રોમના સાં કૉન્સ્ટાન્ગ્મના સ્થાપત્યને મળતું આવે છે. ઘુંમટનું શીર્ષ (crown) 6 મી. ઊંચું છે. પ્રદક્ષિણાપથની બહારની દીવાલ અષ્ટકોણાકાર છે. કૉન્સ્ટૅન્ટિનોપલના સ્થાપત્યના ઘુંમટોમાં બહારના ભાગે લાકડું જડવામાં આવતું, જેથી ઘુંમટની બહારની સપાટી પરની ઈંટોનું કામ ઢંકાઈ જતું. એ જ પદ્ધતિ અહીં જોવા મળે છે. કાંઠલા (drum) પર ઘુંમટનું બાંધકામ થયું હોવાથી ઘુંમટ ઊંચાઈ ધારણ કરે છે. અહીં સમ્રાટ જસ્ટિનિયન અને તેની પત્ની થિયૉડોરાની માનવકદની આકૃતિઓ કંડારેલી છે. તેઓ બિશપ અને અન્ય ધર્મગુરુઓ સાથે ચર્ચમાં પ્રવેશી રહ્યાં છે. પાર્શ્વમાર્ગ(aisle)ની ઉપર ગૅલરી દ્વારા બીજો માળ કર્યો છે. આ ગૅલરી સ્ત્રીઓ માટે અલાયદી રાખવામાં આવતી. મોટી બારીઓને લીધે અંદરના ભાગમાં મોટા પ્રમાણમાં પ્રકાશ આવી શકે છે. આ જ સમયે બંધાયેલ કલાસેના આ સા ઍપૉલિનારેની સાથે આ ચર્ચ ઘણી રીતે મળતું આવે છે.
સ્નેહલ શાહ
અનુ. થૉમસ પરમાર