સાં માર્કો અંતરીક્ષ-મથક

January, 2008

સાં માર્કો અંતરીક્ષમથક : કેન્યા(આફ્રિકા)ના કિનારાથી દૂર 5 કિમી.ના અંતરે 3° દ.અ., 40° પૂ.રે. પર હિંદી મહાસાગરમાં આવેલું ઉપગ્રહ-પ્રમોચન-મંચ (platform). આ મંચ મૂળ એક તેલના કૂવાનું માળખું (oil-rig) હતું, જેને પ્રમોચન-મંચના રૂપમાં તબદીલ કરવામાં આવ્યું હતું. સમુદ્રના રેતાળ તળિયામાં લોખંડના 20 પાયા (સ્તંભો) ખોડીને આ મંચ તૈયાર કરવામાં આવ્યો છે. 1960ના વર્ષમાં ‘નાસા’(અમેરિકા)ના ‘સ્કાઉટ’ પ્રમોચન વાહનની મદદથી ઇટાલીના ‘સાં માર્કો’ નામના ઉપગ્રહના પ્રમોચન માટે આ પ્રમોચન-મંચની સુવિધા સ્થાપવામાં આવી હતી. 1966માં કાર્યાન્વિત થયા પછી 1978 સુધીમાં આ મંચ ઉપરથી કુલ 8 ઉપગ્રહો પ્રક્ષેપિત કરાયા હતા, જેમાં ચાર ઇટાલિયન, એક બ્રિટિશ અને ત્રણ અમેરિકન ઉપગ્રહો હતા. આ ઉપરાંત આ મંચ ઉપરથી પરિજ્ઞાયી રૉકેટના પ્રક્ષેપણ માટે પણ જરૂરી સુવિધા રાખવામાં આવી હતી. આ પ્રમોચન-મંચનું સંચાલન રોમ યુનિવર્સિટીના ઍરોસ્પેસ રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવે છે. અહીંથી કરવામાં આવતા પ્રમોચનનું સંચાલન નજીક આવેલા ‘સાન્ટારીટા’ નિયંત્રણ-મંચ ઉપરથી કરવામાં આવે છે. 12 ડિસેમ્બર, 1970ના રોજ આ પ્રમોચન-મંચ ઉપરથી Small Astronomy Satellite (SAS1) અથવા Explorer-42 (ઉહુરુ ઉપગ્રહ) ક્ષ-કિરણ ખગોળવિજ્ઞાનના અભ્યાસ માટે પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. વિષુવવૃત્તીય કક્ષામાં ઉપગ્રહનું પ્રક્ષેપણ કરવા માટે ‘સાં માર્કો’ અંતરીક્ષ-મથક ખાસ રીતે અનુકૂળ છે.

પરંતપ પાઠક