સાં મારિયા ડેલ ફિઓર (ફ્લૉરેન્સ કેથીડ્રલ) : ફ્લૉરેન્સનું પ્રસિદ્ધ કેથીડ્રલ. આ કેથીડ્રલ તેના ઘુંમટના માટે જાણીતું છે. આનો આખરી પ્લાન ફ્રાન્સેસ્કો ટૅલેન્ટીએ 1360માં તૈયાર કર્યો હતો. ચૌદમી સદીના અંતમાં આર્નોલ્ફો અને જિયોવાન્ની દ લેપો ધીનીએ તેનું વિસ્તરણ કર્યું. મધ્ય મંડપ (Nave) અને પાર્શ્વ માર્ગની છતની ઉપર લગભગ 13 મીટરનો વર્તુળાકાર બારીઓવાળો ઘુંમટ મૂકવાનું નક્કી થયું. પરંપરાગત ચણતરકામ દ્વારા કેથીડ્રલને છતથી આચ્છાદિત કરવું અશક્ય હતું. 1404માં સ્થપતિ બ્રુનેલ્લેસ્ચીનની આ માટે સલાહ લેવામાં આવી. 1410માં ખુલ્લી અષ્ટકોણાકાર ફ્રેમની ઉપર ઘુંમટનો કાંઠલો (drum) મૂકીને ઘુંમટ બનાવવાનું શરૂ કર્યું. 1413માં તેનું નિર્માણ પૂરું થયું ત્યારે જમીનથી ઘુંમટ 64.87 મી. (180 ફૂટ) ઊંચે હતો. કેથીડ્રલ પર ઘુંમટનું નિર્માણ કરવું ઘણું અઘરું હતું; પરંતુ બ્રુનેલ્લેસ્ચીનની સ્થાપત્યકીય કુનેહથી પૂરું થઈ શક્યું હતું. વાસ્તવમાં ઘુંમટને સંપૂર્ણ અર્ધવર્તુળાકાર બનાવવા માટે તેણે નિ:શંક પેન્થેઓન(Pantheon)ની નકલ કરવાની ઇચ્છા રાખી હતી. તેણે ઘુંમટના બાંધકામની શરૂઆત 1420માં કરી હતી અને 1436માં તે પૂર્ણ થયું. ઘુંમટ પરના લૅન્ટર્નના બેઝ(base)ની ડિઝાઇન તેણે કરી હતી; પરંતુ તે તેના નિર્માણ માટે જીવી શક્યો ન હતો.
સ્નેહલ શાહ
અનુ. થૉમસ પરમાર