સાં કાર્લો આલે ક્વાટ્રો ફોન્તાને (S. Carlo alle Quattro Fontaneનું ચર્ચ) : રોમમાં આવેલું બરોક-સ્થાપત્ય-શૈલીનું પ્રસિદ્ધ ચર્ચ. તેનો સ્થપતિ ફ્રાન્સેસ્કો બોર્રોમિનિ હતો. રોમન બરોક-સ્થાપત્યનો આ એક ઉત્તમ નમૂનો છે. આ અંડાકાર (oval shaped) ઇમારતની ઉપરનો ઘુંમટ પણ અંડાકાર છે. તેની બહારની સપાટી સીધી નથી પણ ચડતા-ઊતરતા ઘાટની (undulating) છે.
સાં કાર્લો આલે ક્વાટ્રો ફોન્તાને ચર્ચ
તેનો અંડાકાર ઘુંમટ સીધો જ પેન્ડેન્ટિવ્સ (pendentives) પર કાંઠલા (drum) વિના ટેકવેલો છે અને સૌથી ઉપર અંડાકાર ફાનસ (lantern) છે. ચર્ચના મુખભાગ(facade)ની ઉપરનો ભાગ બોર્રોમિનિના મૃત્યુ પછી તેના ભત્રીજાએ 1665-67માં પૂર્ણ કર્યો હતો. જોકે મૂળ ડિઝાઇન પ્રમાણે તે આયોજિત થઈ શક્યો નથી. આ ઇમારતમાં કૉન્વેન્ટ, શબ દાટવાની ગુફાઓ અને કબ્રસ્તાન પણ છે. ઇમારતના સુશોભનમાં બોર્રોમિનિએ નવી પદ્ધતિ અપનાવી હતી અથવા તો પરંપરાગત સુશોભન-પદ્ધતિમાં સુધારા કર્યા હતા. નૈસર્ગિક પદાર્થોને બદલે પ્લાસ્ટર અને સ્ટુકો(stucco)નો પ્રયોગ કર્યો. આનાથી ઇમારતમાં વૈવિધ્ય આવી શક્યું. દીવાલની સપાટીમાં જોવા મળતો ચડતો-ઊતરતો ઘાટ બાહ્ય અને આંતરિક બળો(forces)નાં મિલનનું પરિણામ છે. બોર્રોમિનિના વિરોધીઓ તેની ઇમારતોની ટીકા કરતાં કહે છે કે, ‘તેની ઇમારતો રૂપાળી છે, પણ બહુ ખર્ચાળ છે.’ જોકે આ વિધાનથી એટલું તો ફલિત થાય છે કે બોર્રોમિનિની ઇમારતો સુંદર હોવાનું તેના વિરોધીઓ સ્વીકારે છે. વિધાનના ઉત્તર ભાગમાં સત્ય નથી; કારણ કે આ ચર્ચના બાંધકામનો કુલ ખર્ચ બાર હજાર સુડી(scudi)થી વધારે થયો ન હતો.
સ્નેહલ શાહ
અનુ. થૉમસ પરમાર